SURAT

સુરત: વરાછામાં હીરાનું પેકેટ પડી જતાં રસ્તામાં વિખરાયેલા હીરા વીણી લેવા ગામ આખું ઘેલું થયું

સુરતઃ (Surat) શહેરમાં રવિવારે સવારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરા બજારમાં (Diamond Market) દોડધામ મચી ગઈ હતી. કોઈક વ્યક્તિના હાથમાંથી હીરાનું (Diamond) પડીકું રસ્તા પર પડી જતાં હીરા વેરાઈ ગયા હતા. જેને કારણે આખા રોડ પર લોકોની ભીડ લાગી ગઈ હતી. રસ્તે પડેલા હીરા લૂંટવાનો લાબ લેવા લોકોએ રીતસર પડાપડી કરી મુકી હતી. વાહન ચાલકો પણ અન્ય લોકોને હીરા વિણતા જોઈ રસ્તે રોકાઈ હીરા વિણવા લાગ્યા હતા. રસ્તે પડેલા હીરા વિણતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દિવસ દરમ્યાન આ ઘટના ચર્ચાનો મુદ્દો રહી હતી.

શહેરમાં રવિવારે સવારે વરાછાના માનગઢ ચોક વિસ્તારમાં રસ્તા પર વેરાયેલા હીરા જોઈને લોકોએ તે હીરા વિણવા માટે પડાપડી કરી મુકી હતી. હીરા સાચા છે કે લેબગ્રોન તેની કોઈને માહિતી નહોતી પરંતુ જેમ બને તેમ વધુમાં વધુ હીરા પોતાના હાથમાં આવે તે માટે લોકો દોડાદોડ કરવા લાગ્યા હતા. શું ખરેખર રસ્તા પર સાચા હીરા પડ્યા હતા તે પ્રશ્ન ઉભો થયો હતો. કોઈક વેપારી કે દલાલનું પડીકું રસ્તે પડી ગયું હોય અને તેમાંથી હીરા વિખરાયા હોય તેવું અનુમાન લગાવાયું હતું. આ વીડિયો ઉદ્યોગ આગેવાનો અને પોલીસ તંત્ર સુધી પણ પહોંચ્યા હતા. તેથી હીરા કોના છે, તે સાચા છે કે નકલી તે દિશામાં તપાસ શરૂ થઈ હતી.

રીયલ ડાયમંડ હોય તો માલામાલ થઈ જવાય એવી માનસિકતા સાથે લોકો હીરા વિણવા મંડી પડ્યા હતા. આખા રોડ પર લોકો હીરા શોધતા નજરે પડી રહ્યાં હતા. કેટલાક હીરાના જાણકાર લોકોએ તો હીરા તપાસી પણ લીધા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમેરિકન ડાયમંડ રસ્તામાં કોઈ ફેંકી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ઇમિટેશન જ્વેલરીમાં કે સાડીના કામમાં વપરાતા હોય તેવું પણ લોકોના મોઢે જાણવા મળ્યું હતું.

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ડીસીપીએ આ મામલે તપાસના આદેશ કર્યા હતા. તેથી વરાછા પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મંગાવી ચેક કર્યા હતા. હીરા કોણે ફેંક્યા કે પછી કોના હીરા ભૂલતી પડી ગયા હતા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. દરમિયાન સુરત ડાયમંડ બ્રોકર્સ એસોસિએસનના નંદલાલ નાકરાણીએ કહ્યું કે આજે સવારે વરાછાના માનગઢ ચોક પર રસ્તા પર સાચા હીરા પડ્યા હોવાની વાત વહેતી થઈ હતી. લોકોએ આ હીરા લૂંટવા પડાપડી કરી હતી. તેનો વીડિયો જોવા મળ્યો હતો. તપાસ કરતા તે હીરા નેચરલ કે લેબગ્રોન નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે. તે અમેરિકન ડાયમંડ હતા. કોઈક ટીખળખોરે મસ્તીના હેતુથી રસ્તા પર અમેરિકન ડાયમંડ ફેંક્યા હોવાનું અનુમાન છે.

Most Popular

To Top