SURAT

આઝાદીની ઐતિહાસિક યાદો સાથે જોડાયેલું સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનું ‘વાંઝ’ ગામ

સુરત: આઝાદીના અમૃત્તકાળને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન વેગવંતુ બન્યું છે, ત્યારે આઝાદીના લડવૈયાઓ, સ્વતંત્રતાના સ્મારકોની સ્મૃતિ પુન: ઉજાગર થઈ રહી છે. સુરત જિલ્લો પણ આઝાદીની ઐતિહાસિક ધરોહરોને સાચવીને નવી પેઢીને જાગૃત્ત કરી રહ્યો છે. આઝાદીની લડાઇમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી દાંડીયાત્રા તા. 2 એપ્રિલ, 1930ના રોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે આવી હતી. મહાત્મા ગાંધીજીએ 79 સત્યાગ્રહી સૈનિકો સાથે વાંઝ ગામે રાત્રિરોકાણ કર્યું હતું. જે ચિરસ્મરણીય યાદો આ ગામ સાથે જોડાયેલી છે. એ સમયે વાંઝ ગામની જનસંખ્યા 100 હતી.

ગાંધીજી ડીંડોલીથી વાંઝ આવ્યા એ દિવસ ઘણો જ યાદગાર બની રહ્યો હતો. પોતાના ગામમાં મહાત્મા ગાંધીના પગલા પડે એવી અહીંના લોકોની તીવ્ર ઈચ્છા તૃપ્ત થઈ હતી. ખાસ કરીને ગાંધીજીના રાત્રિ રોકાણ માટેની પૃષ્ઠ ભૂમિકા ઘડનાર શ્રી કલ્યાણજી વિઠ્ઠલજી મહેતા ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર બન્યા હતા. તેમના અતિ આગ્રહને વશ થઈ ગાંધીજીએ વાંઝમાં રોકાણ કર્યું હતું.

કલ્યાણજી મહેતા, કલ્યાણજીના ભાઈ કુંવરજી મહેતા અને મિઠુબેનની ત્રિપુટીએ હાથમાં મશાલ લઈને દાંડી યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. દાંડીયાત્રા દરમિયાન કલ્યાણજી અને કુંવરજી મહેતાએ ગામમાં વિશાળ જનસભા યોજી હતી, જેને સંબોધન કરતા ગાંધીજીએ વાંઝને રાષ્ટ્રીય જાગૃત્તિ અને રાષ્ટ્રભાવનાથી નીતરતું ગામ ગણાવ્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું કે, ”હું જ્યારથી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો ત્યારથી મળેલા સાથીઓ આ ગામમાં રહે છે. એથી અહીં આવીને મને હર્ષ થાય એમાં નવાઈ નથી. આવા ગામ પાસેથી હું અનેક પ્રકારની આશા રાખું છું, અને એ આશા સફળ ન થાય તો દુ:ખ પણ થાય. અત્યારે જે મહાન અને અંતિમ યજ્ઞ આદરેલો છે એમાં જે જે ગામમાં મારા સાથીઓ રહે છે તે પૂરો ફાળો આપશે તેવો હિસાબ મેં નથી કર્યો. પણ કહી દેવુ જોઈએ કે જાણે અજાણે એમાં કોઈક પ્રેરક અગર ભાગીદાર હશે જ..”

ચોર્યાસી તાલુકાના વાંઝગામના અગ્રણી વડીલ અને કલ્યાણજી મહેતાના ૭૬ વર્ષીય કૌટુંબિક સ્વજન ધનસુખભાઈ ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કલ્યાણજી કાકાના ઘરમાં જ મારૂ બાળપણ વીત્યું હતું. હાલ વૃદ્ધાવસ્થામાં તેમની સાથે વિતાવેલી પળો એવી ને એવી તાજી છે. કલ્યાણજી કાકાએ અમને એક ગાળાનું ઘર આપ્યું હતું, જેને ઈ.સ 1865માં નળીયા અને માળીયાવાળું ઘર બનાવ્યું હતું. જેને આઝાદીની લડતમાં તા.31-05-1932 થી તા.28-01-1935 સુધી સરકારે જપ્તીમાં લીધું હતું.

વર્ષ 2016માં જર્જરિત થતાં ઘર તોડી નવું બનાવ્યું હતું. પરંતુ કલ્યાણજી કાકાની યાદોની સાથે જોડાયેલા ઘરની તકતી નવા ઘરમાં લગાડી છે, આ તક્તી કાકા સાથે મેં વિતાવેલો સમય, પ્રેમ, લાગણીના પ્રતિક સમાન છે. એમની યાદો હંમેશા મારા પરિવાર સાથે જોડાયેલી રહેશે. ઈ.સ.1973માં કાકા દેહ છોડી અક્ષરધામ પામ્યા હતા. તેમણે જીવનના છેલ્લા પાંચ વર્ષ મરોલી આશ્રમ ખાતે વિતાવ્યા હતા. દેશની સેવામાં પોતાનું જીવન વિતાવનારા કલ્યાણજી કાકા પોતાના અંતિમ સમયમાં સતત આઝાદીની ચળવળ તેમજ વાંઝગામમાં ગાંધીજીએ કરેલા રાત્રિ રોકણ અને ઐતિહાસિક જનસભા વિશેની વાતો વાગોળતા. અમે આજે ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમે આવા મહાન સ્વતંત્રતા સેનાનીના સ્વજન છીએ.

ઐતિહાસિક મહત્વ ધરાવતા વાંઝ ગામના 87 વર્ષિય વડીલશ્રી તનસુખભાઇ ઠાકોરભાઇ પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં આઝાદીની રાષ્ટ્રીય લડતનું મહત્વનું કેન્દ્ર વાંઝ ગામ રહ્યું હતું. સૌના લાડીલા અને આઝાદીની કેડીના નિર્માતા ગાંધીબાપુએ વાંઝના મહેમાન બની સભા સંબોધી હતી. મારા કૌટુંબિક દાદા વીજભુષણ નરોતમદાસ પટેલ પણ સ્વતંત્રતા સેનાની હતા. એમણે નાનપણમાં અમને આઝાદીની લડત વિશે વાત કરતાં કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે મુલાકાત થતાં દાદાને તેમની સાથે મિત્રતા થઈ હતી.

ગાંધીજીના સત્યાગ્રહી અને મહાત્મા ગાંધી બનવાની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાં શરૂ થઈ હતી. તેમણે નેટલ ઈન્ડિયન કોંગ્રેસ બનાવી ગોરાઓના આફ્રિકન અને ભારતીયો પ્રત્યેના દમનકારી વ્યવહાર વિરુદ્ધ અહિંસક વિરોધ કરવાની શરૂઆત કરી હતી. જેમાં એક મિત્ર અને દેશભાવનાથી મારા દાદા એમની જોડાયા હતા. આફ્રિકાની ચળવળોમાં ગાંધીજી સાથે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. ત્યારબાદ ગાંધીજી વાંઝ ગામ આવ્યા ત્યારે ગાંધીજી સાથે ફરી મિલન થતા આઝાદીની લડતમાં ફરી એકવાર પૂરજોશથી જોડાયા હતા.

ગામના અન્ય એક વડીલ ગુણવંતભાઈ શાહે જણાવ્યુ હતું કે, વાંઝ ગામમાં ઐતિહાસિક અજીતનાથ જીનાલય છે, જેનું અમે પેઢી દર પેઢી સંચાલન કરીએ છીએ. અમારા પુર્વજો આઝાદીની ચળવળ વિશે વાત કરતાં તે હજુ યાદ છે. તેમણે કહ્યું કે, આપણા જિનાલય-ઉપાશ્રયના પાછળના ભાગમાં પીપળાનું અતિપ્રાચીન વિશાળ વૃક્ષ છે,જેની નીચે ઝૂંપડીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તા.2-4-1930ના રોજ મીઠાના સત્યાગ્રહ માટેની દાંડીયાત્રા દરમિયાન અને તેમના અનુયાયીઓ સાથે રાત્રિરોકાણ કર્યું હતું, આ જગ્યાએ હાલ યાત્રીનિવાસ બાંધવામાં આવ્યું છે, અમારા ગામના પદ્મશ્રી અને નવરચિત ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા અમારા ગામના વતની હતા, જેનું અમને ગૌરવ છે.

વાંઝ ગામના વતની કલ્યાણજી મહેતા વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર બન્યાં હતા. 1920-21 ના અસહકાર આંદોલન વખતે જિલ્લાની સૌપ્રથમ રાષ્ટ્રીય શાળા વાંઝમાં શરૂ થઈ હતી. જેનો તમામ ખર્ચ આ ગામના શેઠ જીવણભાઈએ રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને પોતાના શિરે વહન કર્યો હતો. સ્વ. કલ્યાણજી મહેતાએ ગામની 200 વર્ષ જૂની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પણ સેવા આપી હતી. જેની યાદો ગામના વડીલો તાજી કરીને હર્ષ અનુભવે છે.

દાંડીયાત્રાની સ્મૃત્તિ જીવંત રાખવા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ગામમાં ગાંધીજીએ વિશાળ સભાને સંબોધન કર્યું હતું એ સ્થળે 16 રૂમ, 2 હોલ, ધ્યાન ખંડ, સ્મૃતિ ખંડ, લાયબ્રેરી, કિચન અને કેન્ટીનની સુવિધા સાથેનું યાત્રિનિવાસ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં ભારતના વિવિધ રાજ્યો તેમજ વિદેશી પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લે છે. યાત્રીઓ માટે અહીનું સાદગીભર્યું ઈન્ટીરીયર આકર્ષણનું કેન્દ્ર બને છે.

Most Popular

To Top