SURAT

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા વોક-વે, રીવરફ્રન્ટ પાણીમાં ગરકાવ

સુરત: તાપી નદીના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી 1.88 ક્યુસેક પાણી છોડાતા વોક-વે અને રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને તાપી નદી બંને કાંઠે વહેતા શહેરીજનો તાપી નદી કિનારે આહ્લાદક દ્રશ્યો જોવા ઊમટી પડ્યા હતા. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

તંત્ર દ્વારા રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. બે દિવસથી ઉકાઈમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી નદી બે કાંઠે વહી રહી છે. અને પાણીની આવકમાં વધારો થતા તાપી નદી કિનારે બનાવાયેલા રીવરફ્રન્ટ અને વોક-વે પર પણ પાણી ફરી વળ્યાં હતાં. જોકે આટલા પાણીથી શહેરમાં પાણી પ્રવેશવાની શક્યતા નહિવત છે. તાપી નદીમાં પાણીનું સ્તર વધતા  મંગળવારે રાત્રે રાંદેર હનુમાન ટેકરી ફ્લગ ગેટ બંધ કરાયો હતો, બુધવારે કતારગામ ભરીમાતા અને વરિયાવ નો ફ્લગ ગેટ બંધ કરાયા હતા. હાલ તમામ ફ્લગ ગેટ ઉપર ડિવોટરિંગ પમ્પ મૂકી દેવાયા છે.

ઉકાઈ ડેમમાંથી ૨ લાખ કયુસેક પાણી છોડાયું પણ સુરતવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી : રાજેન્દ્ર ત્રિવેદી
ગાંધીનગર : રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર રાજ્ય સરકાર દ્વ્રારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત કલેક્ટરોને એલર્ટ રહેવા જણાવાયુ છે.

આજે સાંજે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે મીડિયાને જણાવ્યું હતું કે આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિ પહોચી વળવા વહીવટી તંત્રને એલર્ટ કરાયુ છે.

ઉકાઈ ડેમની વિગતો આપતા ત્રિવેદીએ વધુમાં કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ ૫૬ ટકા જળરાશીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લઇ રહેલા તમામ લોકો હાલની સ્થિતિએ સલામત રીતે પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. રાજ્યમાં ૭૪,૨૩૨ લોકોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે, જ્યારે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં NDRF, SDRF અને વહીવટી તંત્રના સહયોગથી ૧૫૬૬ નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વરસાદની સ્થિતિમાં પણ તમામ ગામોમાં વીજ પુરવઠો ચાલુ છે. હાલ કચ્છ, ડાંગ,વલસાડ અને પંચમહાલમાં ૧-૧ નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૪,૬૪૧ પૈકી માત્ર ૫૫ નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે.

તાપી નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડાય તો પણ સુરતને વાંધો નહી આવે : પૂર્ણેશ મોદી
ગાંધીનગર : ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે ઉકાઈ બંધમાં પાણીની ભારી માત્રામાં આવકના કારણે તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે. તાપી નદીમાં બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે તો સુરત શહેરને કોઈ તકલીફ ઊભી નહીં થાય એવી લાગણી સાથે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સિંચાઈ મંત્રી ઋષિકેશ પટેલ સમક્ષ વ્યક્ત કરી હતી. જેના પગલે તાપી નદીમાં રોજ બે લાખ ક્યુસેક પાણી છોડવાનો આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરતની જનતાવતી આભાર વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top