SURAT

સુરત-ઉદયપુરની ફ્લાઈટ એનાઉન્સ, આ તારીખથી ઉડાન ભરશે, બુકિંગ શરૂ થયું

તહેવારોની મોસમ આવી રહી હોય એરકનેક્ટિવિટીમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહ-સુરતની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત બાદ હવે સુરત એરપોર્ટ પર ડોમેસ્ટીક એરકનેક્ટિવિટીમાં વધારો કરવાની જાહેરાત રોજ થઈ રહી છે. આજે ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા ઉદયપુરની ફ્લાઈટ શરૂ કરવાની ઘોષણ કરવામાં આવી છે.

સુરતથી શ્રીનાથજી દર્શન માટે જનારા ભક્તોની સંખ્યા ખૂબ મોટી છે. આ ઉપરાંત રાજસ્થાનના વતની અનેક રાજસ્થાનીઓ સુરતમાં આવીને વસ્યા છે, જેઓને છાશવારે રાજસ્થાન જવા માટે ટ્રેનનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ હવે શ્રીનાથજીના દર્શન અને ઉદયપુર ફરવા કે રાજસ્થાન જવા માટે ફ્લાઈટની કનેક્ટિવીટી મળશે. ખાનગી એરલાઈન્સ સ્પાઈસ જેટ દ્વારા આગામી તા. 10 ઓક્ટોબરથી સુરત-ઉદયપુરની ફ્લાઈટ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. (Surat-Udaipur Flight Announce by SpiceJet from 10 October)

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા ઉદયપુરની ફ્લાઈટ શરૂ કરવાની માંગણી છેલ્લાં કેટલાંય સમયથી કરવામાં આવી રહી હતી. જે આખરે સ્વીકારી લઈ તેનો અમલ કરી દેવાયો છે. પહેલાં ઉદયપુર-સુરત વચ્ચે ફ્લાઈટ ઉડતી હતી, તેને 80 ટકા જેટલો પેસેન્જર ટ્રાફિક મળતો હતો. હવે ફરી એકવાર 10 ઓક્ટોબરથી આ ફ્લાઈટ શરૂ થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અઠવાડિયામાં ત્રણ દિવસ આ ફલાઈટનો લાભ સુરતીઓને મળશે. ગુરુવાર, શનિવાર અને રવિવારે આ ફ્લાઈટ શિડ્યૂલ કરવામાં આવી છે. સુરતથી બપોરે 3.55 કલાકે ઉપડશે અને સાંજે 6.55 કલાકે તે પરત આવશે. 10 ઓક્ટોબરથી શરૂ થનારી આ ફ્લાઈટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

શારજાહ-સુરત ફ્લાઈટ ફરી શરૂ થઈ રહી છે
આ અગાઉ એર ઈન્ડિયા એક્સપ્રેસે શિયાળુ સમયપત્રકમાં સુરત-શારજાહ ફ્લાઈટને શિડ્યૂલ કરી હતી. (Air India Express Surat-Sharjah International flight once again schedule in winter) અઠવાડિયામાં બે દિવસ રવિવાર અને બુધવારે સુરત-શારજાહ ફ્લાઈટનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને મળશે. શિડ્યુલ અનુસાર રવિવાર અને બુધવારે 19.35 કલાકે શારજાહથી ઉપડશે અને 23.45 કલાકે સુરત ખાતે પહોંચશે. જ્યારે આ જ ફ્લાઈટ સોમવાર અને ગુરૂવારે 1.45 કલાકે સુરતથી ઉપડી 3.30 કલાકે શારજાહ પહોંચશે.

Most Popular

To Top