Dakshin Gujarat

ઉદ્યોગોથી ધમધમતા કોસંબાને તાલુકાનો દરજ્જો આપવા ગાંધીનગરના મુખ્ય સચિવને રજૂઆત

હથોડા: ઉદ્યોગોથી ઘેરાયેલા તેમજ કોસંબા (Kosamba) અને તરસાડી સહિત આસપાસનાં 25થી 30 ગામો (Village) સમાયેલાં હોવાથી એક લાખથી વધુ વસતી ધરાવતો કોસંબા વિસ્તાર ઉપરાંત ગાયકવાડી રાજના વેપારી મથક રેલવે જંક્શન, બ્રોડગેજ કોસંબા પોલીસ સ્ટેશન પીઆઇ કક્ષાનું, ખેતી ઔદ્યોગિકમથક, નેશનલ હાઈવે સૂચિત એક્સપ્રેસ હાઈવે અને થોડા સમયમાં બુલેટ ટ્રેનની (Bullet Train) તૈયારી તેવા કોસંબાને હવે તાલુકાનો (Taluka) દરજ્જો મળે તો પ્રજાનાં તમામ સરકારી કામો સરળતાથી થઈ શકે તેમ છે. તેમજ સરકારી યોજનાઓનો પણ જનતાના સમયસર લાભ મળી શકે. કોસંબાથી તાલુકામથક માંગરોળ દૂર પડતું હોવાથી નાનાસરખા કામકાજ માટે પણ વિસ્તારની જનતા માટે છેક માંગરોળની કચેરીઓ સુધી એસટી બસ કે રેલવે ટ્રેનની સુવિધા નહીં હોવાથી ખાનગી વાહનોમાં જનતાએ 30 કિલોમીટરનો ચકરાવો કાપી માંગરોળ સુધી લાંબા થવું પડે છે તેવી માંગ ગુજરાત રાજ્ય ગાંધીનગર મહેસૂલ મંત્રી રાજેન્દ્રકુમાર ત્રિવેદીને તેમજ સુરત જિલ્લાના કલેક્ટરને કોસંબાના જાગૃત એડ્વોકેટ દ્વારા કરવામાં આવી છે.

કોસંબાના એડ્વોકેટ ફારૂક યુ. શેખ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું વિભાજન કરીને કોસંબાને તાલુકો બનાવી તાલુકા મથક કોસંબા રહે તથા માંગરોળ તાલુકો અને સૂચિત કોસંબા તાલુકાને એટીવીટી યોજના હેઠળ આવરી લઈ માંગરોળ અને સુરત કોસંબા તાલુકાનું પ્રાંત બનાવી તેનું વડુંમથક કોસંબા બનાવવામાં આવે તો જનતાની વર્ષોજૂની સમસ્યાનો અંત આવે તેમ છે. કારણ કે, માંગરોળ તાલુકો અને કોસંબા વચ્ચે 15 કિલોમીટરનું અંતર છે. સામાન્ય કામકાજે પણ વિસ્તારની જનતાને માંગરોળ સુધી ધક્કા ખાવા પડતા હોય છે. આ માંગમાં વધુમાં જણાવ્યું છે કે, માંગરોળ તાલુકાના માંડવી પ્રાંતમાં તેમજ સિવિલ અને ફોજદારી કોર્ટમાં કોસંબા પંથક વિસ્તારના 80% જેટલા કેસો ચાલતા હોવાથી કોસંબાને તાલુકો બનાવવો જરૂરી છે.

જ્યારે માંડવી પ્રાંતમાં ૮૦ ટકા કેસો કોસંબાના હોવાથી કોસંબાથી માંડવી આશરે ૬૫થી ૭૦ કિલોમીટર સુધી દૂર પડતો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગનો સમાજ લાચારી અનુભવે છે. કારણ કે, જનતાને સામાન્ય કામકાજ માટે પણ માંડવી સુધી પ્રાંતમાં જવા આવવામાં આખા દિવસનો સમય નીકળી જતો હોય છે. અને કોસંબા તરસાડીની જનતાની કમનસીબી તો એ છે કે માંડવી જવા કે આવવા માટે જનતા માટે વાહન વ્યવહારમાં એસ.ટી. બસ કે રેલવે ટ્રેનની પણ કોઈ વ્યવસ્થા નથી. સામાન્ય કામકાજે પણ લોકોએ 300થી 400 રૂપિયા ભાડા પેટે ખર્ચ કરીને અને ખાનગી વાહનમાં આવવું કે જવું પડે છે. જેથી કોસંબાને યુદ્ધના ધોરણે તાલુકાનો દરજ્જો આપવામાં આવે એવી પ્રબળ માંગ છે.

Most Popular

To Top