SURAT

યાર્ન બેંકને લીધે સુરતના વિવર્સને બજાર ભાવ કરતાં સસ્તા ભાવે યાર્ન મળે છે, તે હવે મળવાનું બંધ થશે?

સુરત: (Surat) કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પાવરટેક્સ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી યાર્ન બેંકની સ્કીમ સાથેની યોજના નિષ્ફળતાનું કારણ આપી બંધ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં ટેક્સટાઇલ (Textile) સિટી સુરતમાં પ્રારંભમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે અને પાછળથી રેગ્યુલર સ્કીમ તરીકે આ યોજના સુરતની બંને યાર્ન બેંકમાં સફળ રહી હતી અને તેનાથી નાના વિવર્સને લાભ થતો હોવાથી વિવિંગ સંગઠનોએ આ યોજના ચાલુ રાખવા માંગ કરી છે. સુરતમાં પાંચસો જેટલા નાના-મોટા વિવર્સને આ યોજનાનો લાભ મળતો હતો. યાર્ન બેંકને લીધે સુરતના વિવર્સને બજાર ભાવ કરતાં પ્રતિ કિલોએ 2થી 3 રૂપિયા સસ્તા ભાવે યાર્ન મળે છે, તે હવે મળવાનું બંધ થશે.

  • પાવર ટેક્સ યોજના હેઠળ બંધ થયેલી સુરતની બંને યાર્ન બેંક ફરી શરૂ કરાવવા સાંસદ સી.આર.પાટીલને રજૂઆત
  • બેંક ગેરંટી સામે યાર્ન બેંકનું ફંડ મેળવી નીચા ભાવે યાર્નની ખરીદી કરી વિવર્સને બજાર ભાવ કરતાં ત્રણ રૂપિયા સસ્તું યાર્ન અપાતું હતું

પાંડેસરા વિવર્સ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતી, વેડ રોડ-કતારગામ વિવર્સ એસો.ના પ્રમુખ દેવેશ પટેલ, વિમલ બેકાવાલા, ભૂપેન્દ્ર ચાવાલા, હિમાંશુ બોડાવાલા અને અનિલ દલાલ સહિતના પ્રતિનિધિમંડળે સાંસદ સી.આર.પાટીલને રજૂઆત કરી હતી કે, પાડાના વાંકે પખાલીને ડામ ન અપાવો જોઇએ. દેશનાં અન્ય રાજ્યોમાં આ યોજના નિષ્ફળ થઇ હોય તો ત્યાં બંધ કરવી જોઇએ. ખાસ વાત એ છે કે સુરતમાં પાંચસો જેટલા નાના-મોટા વિવર્સને આ યોજનાનો લાભ મળતો હતો. યાર્ન બેંકને લીધે સુરતના વિવર્સને બજાર ભાવ કરતાં પ્રતિ કિલોએ 2થી 3 રૂપિયા સસ્તા ભાવે યાર્ન મળે છે, તે હવે મળવાનું બંધ થશે. જેથી પાવર ટેક્સ યોજના હેઠળ બંધ થયેલી સુરતની બંને યાર્ન બેંક ફરી શરૂ કરવા માંગ કરાઈ છે.

ટેક્સટાઇલ કમિશનર દ્વારા તા.31 માર્ચ-2020ના રોજ દેશભરમાં કાર્યરત યાર્ન બેંક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. તે પછી હવે સરકાર યાર્ન બેંકને બેંક ગેરંટી સામે આપેલી મૂડી 15 દિવસમાં પરત માંગી રહી છે. તેને લઈ સુરતના વિવિંગ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર બેંક ગેરંટી સામે આપવામાં આવેલી મૂડી પરત માંગી રહી છે. માત્ર વેડ રોડની યાર્ન બેંકે 100થી 125 ટનનું ટર્ન ઓવર કર્યું હતું. આ યાર્ન બેંક દ્વારા 1.48 કરોડની સામે બેંક ગેરંટી આપવામાં આવી હતી. ગુજરાતમાં આ પ્રોજેક્ટ ચાલુ રાખવા ટેક્સટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની અને ટેક્સટાઇલ કમિશનરને રજૂઆત કરાશે.

Most Popular

To Top