Charchapatra

સ્પેનિશ સ્ત્રીની વિવેકબુદ્ધિને લાખ સલામ

સ્પેનિશ દંપતીનો વિડિયો માર્ચ પ્રારંભે સોશ્યલ મિડિયા પર વાયરલ થયો હતો. તેઓ વિશ્વપ્રવાસે નીકળ્યા હતા. ભારતમાં વીસ હજાર કિ.મી.નો પ્રવાસ કરી તેઓ જયારે ઝારખંડમાંથી પસાર થઇ રહ્યા હતા. રાત્રી રોકાણ માટે ત્યાંના એક ગામ નજીક તંબુ તાણી રોકાયા હતા ત્યારે 19 થી 24 વરસના સાત નવજુવાનોએ પેલી સ્પેનિસ મહિલા પર સામુહિક બળાત્કાર કર્યો હતો તથા તેમના પતિને માર માર્યો હતો. જે જોઇ દુનિયાભરમાંથી આક્રોશ ભભૂકી ઊઠયો. સ્ત્રીઓ માટે ભારત કેટલું સલામત છે વિ.વિ. પણ તે જેટલો ઝડપી ઊઠયો હતો તેટલી જ ઝડપથી શાંત પડી ગયો.

જે માટે બે કારણો હતાં. પ્રથમ વિશ્વ કક્ષાએ દેશની આબરુ બચાવવા ન્યાયતંત્ર, મહિલા આયોગ ને પોલીસે ખૂબ જ ઝડપથી કામ કરી આરોપીને પકડી યોગ્ય કાર્યવાહી કરી. બીજું પણ અગત્યનું કારણ તે પેલી સ્પેનિસ સ્ત્રીની સમજશકિત. હોસ્પિટલમાંથી રજા મળતાં તેણીએ પોતાનો પ્રવાસ અટકાવવાને બદલે આગળ ચલાવવાનો નિર્ણય કર્યો. તેણીએ પત્રકારોને જણાવ્યું કે આ બનાવના ઘા ઘણા ઊંડા અને કદી રુઝાય એવા નથી, પણ આવા ખરાબ અનુભવને લઇને સતત ભયમાં જીવવું યોગ્ય નથી. જીવનમાં કયાં ખતરો નથી? ગાડી ચલાવતા કે હોટલનાં પગથિયાં ચઢતાં પણ ભય તો રહેલો જ છે. તેથી કંઇ ડરીને બેસી થોડું રહેવાય. સાવધ રહી આગળ વધવું ખૂબ જ જરૂરી છે. દરેક સમુદાયમાં મુઠ્ઠીભર લોકો જ ગુનાહિત માનસ ધરાવતાં હોય છે. આ બનાવ બન્યો ત્યાં સુધીમાં વીસ હજાર કિ.મી.નો પ્રવાસ એમણે આપણા દેશમાં પૂરો કર્યો હતો, જે સુખદ હતો.

મોટા ભાગનાં ભારતીયોનું વર્તન સારું હતું. ફરિયાદ ગુનેગાર સામે છે. તેણીની માનવતાને શેતાનિયતતાથી છૂટી પાડવાની ગજબની સમજને લાખ લાખ સલામ. એક ખરાબ અનુભવે આખા દેશને બદનામ તો ન જ કરાય. વિશ્વમાં બદનામી રોકવા સરકારે આ કેસમાં ખૂબ જ ઝડપી પગલાં લીધાં. પણ આપણે શીખવાનું તે એ કે આવા બનાવો ન બને તે માટે સાવધ રહેવું. અમારા નગરની બાજુના ગામના મંદિરના પૂજારીની ખરાબ નજર ગામની સ્ત્રીઓએ પારખી લેતાં સાવધ થઇ. એકલદોકલને બદલે પાંચ દસના સમૂહમાં જ સ્ત્રીઓ ત્યાં જવા લાગી. ડરીને બેસી ન રહો, પણ સાવધ રહી આગળ વધો.
વ્યારા    – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top