SURAT

દુકાનો ખુલતાની સાથે મનપા તંત્ર એક્શન મોડમાં, આટલી દુકાનો અને લારીઓ બંધ કરાવી દેવાઇ

સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપા દ્વારા જે દુકાનધારકોએ વેક્સીન લીધી હોય કે ટેસ્ટ કરાવ્યા હોય તેઓને જ દુકાન ખોલવાની પરવાનગી આપી હતી. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં મિનિ લોકડાઉનને પગલે તમામ દુકાનો (Shop) બંધ હતી. પરંતુ લોકડાઉનમાં આંશિક હળવાશ આપી સવારે 9 થી બપોરે 3 સુધી દુકાનો ખોલવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે. જેના પગલે મનપા દ્વારા વિવિધ ઝોનમાં ચેકીંગ (Checking) કરવામાં આવ્યું હતું. જેમાં જે દુકાનધારરોએ વેક્સીન પણ લીધી ન હતી કે ટેસ્ટ પણ કરાવ્યા ન હતા. તેવી 353 દુકાનો બંધ કરાવવામાં આવી હતી.

વિવિધ કોમર્શિયલ વિસ્તારમાં ઝોન ઘ્વારા 3950 દુકાનો/સંસ્થાઓ ચેક કરવામાં આવી હતી. જેમાંથી દુકાનો/સંસ્થાઓમાં અદાંજીત 1442 વ્યકિતઓએ રસી લીધી હતી અને 2563 વ્યકિતઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે વ્યક્તિઓએ રસી લીધી ન હતી અથવા ટેસ્ટ રિર્પોટ કરાવ્યા ન હતા. તેવી 353 દુકાનો/સંસ્થાઓ બંધ કરાવવામાં આવી હતી તથા વિવિધ કોમર્શિયલ વિસ્તારમાં ઝોન ઘ્વારા 2589 લારી-ગલ્લાંઓ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી લારી-ગલ્લાંઓ પર અદાંજીત 880 વ્યક્તિઓએ રસી લીધી હતી, 1633 વ્યકિતઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તથા જે વ્યક્તિઓએ રસી લીધી ન હતી અથવા ટેસ્ટ રિર્પોટ કરાવ્યો ન હતો. તેવા 184 લારી–ગલ્લાંઓ બંધ કરાવવામાં આવ્યા હતા. તેમજ લારી ગલ્લાંઓ પર 1985 વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

પનાસમાં મંદિરના ડિમોલિશન માટે પહોંચેલી મનપાની ટીમ સાથે ઘર્ષણ

સુરત: અઠવા ઝોનમાં પનાસ વિસ્તારમાં મંદિરના ડિમોલિશન મુદ્દે વિરોધ થયો હતો. પનાસ વિસ્તારમાં શુક્રવારે મહાનગર પાલિકાની દબાણ ખાતાની ટીમ મંદિરનું ડિમોલિશન કરવા ગઇ હતી. દરમ્યાન સ્થાનિકોએ વિરોધ કરતાં ભારે હોબાળો કર્યો હતો. મનપાના સિક્યુરિટી સ્ટાફ સાથે ઘર્ષણમાં ઉતરેલા સ્થાનિકોના વિરોધ વચ્ચે મનપાની દબાણ ખાતાની ટીમ દ્વારા અંતે મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, ટી.પી સ્કીમ નં 4 (ઉમરા-સાઉથ), ફાઇનલ પ્લોટ નં 130માં આવેલા પાનસગામના સ્થાનિકો દ્વારા 12 મીટર પહોળાઇના ટી.પી રસ્તા પૈકીની જગ્યામાં ઓટલાનું બાંધકામ કરી શનિદેવ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી મંદિર બનાવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેની જાણ થતાં ડિમોલિશન કરવા અઠવા ઝોનની ટીમ પહોંચી હતી. જો કે સ્થાનિકોએ ડિમોલિશનનો વિરોધ કરતા પાલિકાના અધિકારીઓ સાથે માથાકૂટ થઇ હતી. જેને પગલે એક તબક્કે વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું. જો કે, મનપાના સિક્યુરિટી સ્ટાફે મામલો થાળે પાડ્યા બાદ અંતે મંદિરના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા લોકોને સમજાવી પાલિકાની ટીમે ડિમોલિશન કર્યું હતું. અંદાજે 1800 ચોરસ ફૂટ વિસ્તારમાંથી દબાણ દૂર કરાયું હતું.

Most Popular

To Top