SURAT

‘રૂમ ખાલી થઈ ગઈ છે, જોઈ જાવ’ કહીને બોલાવ્યા બાદ મકાન માલિક પર ભાડુઆતે તલવારથી હુમલો કર્યો

સુરત (Surat): સુરતમાં મકાન (House) ખાલી કરવા બાબતે મકાન માલિક (Land Lord) અને ભાડૂઆત (Tenant) વચ્ચે ચાલતી તકરાર હિંસક બની હતી. વારંવાર મકાન ખાલી કરવા માટે કહેતા મકાન માલિકને ભાડૂઆતે રૂમ પર બોલાવી તલવારના (Sword) ઘા મારી દીધા હોવાની ચકચારી ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ કોર્ટ કેસ ચાલ્યો હતો, જેમાં મકાન માલિક પર જીવલેણ હુમલો (Attack) કરનાર ભાડૂઆત અને તેના બે સાગરિતોને સુરતની કોર્ટે (Court) તકસીરવાર ઠેરવીને 3 વર્ષની સખ્ત કેદની (Imprisonment) સજાનો હુકમ કર્યો છે.

  • સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી નગરની ઘટના
  • મકાન માલિક ઈમરાન પટેલ પર ભાડુઆત વિજયએ તલવારથી હુમલો કર્યો હતો
  • વિજય અને તેના બે માણસોએ તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી ઈમરાનની હત્યાનો પ્રયાસ કર્યો હતો
  • મકાન માલિક ઈમરાને ફરિયાદ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી
  • કોર્ટે આ કેસમાં હુમલો કરનાર ભાડુઆતને દોષિત ઠેરવી 3 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

આ કેસની વિગત મુજબ લિંબાયતમાં છત્રપતિ શિવાજી નગરમાં રહેતા ઇમરાનભાઇ ઇલ્યાસભાઇ પટેલે પોતાની માલિકીની એક રૂમ લિંબાયત છત્રપતિ શિવાજી નગરમાં રહેતા વિજયભાઇ ઉર્ફે જમરૂખ કાંતિભાઇ નાયકાને ભાડેથી આપી હતી. સને-2014ના ઓગષ્ટ મહિનામાં ઇમરાનભાઇએ વિજયને કહીને રૂમ ખાલી કરી નાંખવા માટે કહ્યું હતું. એક મહિના થયો છતાં પણ વિજયે રૂમ ખાલી કરી ન હતી. જેને લઇને ઇમરાભાઇએ થોડુ કડકાઇથી કહીને રૂમ ખાલી કરવા જણાવ્યું હતું. આ વાતની અદાવત રાખીને વિજયે ઇમરાભાઇને ફોન કરીને કહ્યું કે, મેં રૂમ ખાલી કરી નાંખી છે તમે આવીને જોઇ જાવ. ઇમરાનભાઇ રૂમ જોવા માટે ગયા ત્યારે ત્યાં પહેલાથી જ વિજય હતો.

આ ઉપરાંત વિજયના પિતા અને તેના બે માણસો સંતોષ હરીહર પ્રધાન તેમજ હિતેશ સુરેશભાઇ સોનાર હતા. આ તમામએ ભેગા મળીને ઇમરાનભાઇ ઉપર તલવાર અને ચપ્પુથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. વિજયે ઇમરાનભાઇને કહ્યું કે, મેં ભૂતકાળમાં અનેક મર્ડરો કર્યા છે, હવે તમારી પણ હત્યા કરી નાંખીશ. બનાવ અંગે ઇમરાનભાઇએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વિજય નાયકા, સંતોષ પ્રધાન તેમજ હિતેશ સોનારની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુનિલ પટેલે દલીલો કરીને આરોપીને સજા થાય તેમ જણાવ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણેયને તક્સીરવાર ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top