SURAT

સુરતના વેપારીને સ્પા સંચાલિકા સાથે સબંધ રાખવાનુ ભારે પડી ગયું

સુરત: (Surat) વેસુ ખાતે રહેતા મેડીક્વીનના વેપારી સાથે સ્પા (Spa) સંચાલિકાએ મિત્રતા કેળવી તેની બંને દિકરીઓ સાથે વેપારીનો પરિચય કરાવ્યો હતો. બાદમાં મા દિકરીઓએ કાવતરૂ રચીને વેપારીને અમરોલી તેમના ફ્લેટ (Flat) ઉપર બોલાવ્યો હતો. જ્યાં ત્રણ અજાણ્યાઓએ વેપારીને માર મારી રાતભર ગોંધી રાખ્યો હતો. બાદમાં વેપારી પાસે 20 લાખના ચેક લખાવી લીધા અને તેના ઘરમાંથી બંને યુવતીઓ જેમને દિકરી તરીકે દત્તક લેવાનો હતો તેમણે વેપારીના ઘરમાંથી 15.60 લાખ રોકડા અને 9.60 લાખના સોનાના દાગીના મળી કુલ 25.43 લાખની મત્તાની ચોરી (Theft) કરી ગઈ હતી. અમરોલી પોલીસે ફરિયાદ નોંધી મા અને બંને દિકરીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

વેસુ કેનાલ રોડ પર સૂર્યા ગ્રીન વ્યુ ખાતે રહેતા 47 વર્ષીય નરેશભાઇ માંગીલાલ ભણશાલી મેડીક્વીન (કપડાના શો રૂમમાં રખાતા પુતળા) નો વેપાર કરે છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં અમનદિપકૌર ઉર્ફે પુજા ઉર્ફે કોમલ સિંકદર સિહ તથા તેની દીકરી મહેક ઉર્ફે પ્રાચી તથા અનમોલ (રહે, ફ્લેટ નં.૩૦૪ “બી”બિલ્ડીંગ, ગણેશ રેસીડેન્સી અમરોલી) તથા ત્રણ અજાણ્યાઓની સામે ફરિયાદ નોંધાવી છે. નરેશભાઈની પત્નીનું વર્ષ 2010 માં બીમારીથી મોત થયું હતું. ત્યારથી તેઓ તેમના બે પુત્રો સાથે રહેતા હતા. બે વર્ષ પહેલા તેમના મિત્ર દિનેશ લલવાણીના ઘરે તેમના મારફતે અમનદિપકૌર ઉર્ફે પૂજા સાથે સંપર્ક થયો હતો. બાદમાં પૂજા સાથે મિત્રતા થઈ હતી. દરમિયાન અમનદિનકૌરે પોતે વેસુમાં સફલ સ્ક્વેરની બાજુમાં રઘુવીર બીજનેસ હબમાં સ્પા ચલાવતી હોવાનું કહ્યું હતું. નરેશભાઈ સ્પા ઉપર તેને મળવા અવાર નવાર જતા હતા. બાદમાં પુજાએ તેની દીકરીઓ પ્રાચી અને અનમોલ સાથે તથા દિકરા સાથે મુલાકાત કરાવી હતી.

દરમિયાન આ દીકરીઓ નરેશને પપ્પા કહીને બોલાવતી થઈ હતી. પૂજાને પહેલા પતિથી ડિવોર્સ લીધા હતા. અને બીજા પતિ સાથે પણ ડિવોર્સ લીધા પછી તેની સાથે જ રહેતી હતી. ઘણી વખત પ્રાચી નરેશભાઈના ઘરે રહેવા જતી હતી. પ્રાચી તેની નાની બહેન અનમોલને પણ સાથે રહેવા લઈ જતી હતી. નરેશે પ્રાચીને દત્તક લેવા માટેના કાગળો પણ રેડી કરી રાખ્યા હતા. નરેશના મિત્ર ડેનીશ મોદીની કાર દશ દિવસ પહેલા વેચતા તેના 8 લાખ રોકડા આવ્યા હતા. આ વાત પ્રાચી અને અનમોલ જાણતી હતી. બાદમાં મા દિકરીઓએ કાવતરૂ રચી એક દિવસ તેને બોલાવી ફ્લેટ પર ગોંધી માર મારી તેની પાસેથી મોપેડની ચાવી અને મકાનની ચાવી લઈ લીધી હતી. અને બાદમાં રોકડા 15.60 લાખ અને 9.60 લાખના દાગીના ચોરી કરી મિલકતના દસ્તાવેજો પડાવી લેતા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

વેપારીને તબિયત સારી નહીં હોવાનું કહીને અમરોલી ફ્લેટ ઉપર બોલાવ્યો
ગત 9 માર્ચ 2023 ના રોજ સવારે પ્રાચીએ ફોન કરીને નરેશભાઈને પપ્પા મારી તબિયત સારી નથી અને વોમેટીંગ થાય છે તમે આવો તેમ કહેતા નરેશભાઈ મોપેડ લઈને અમરોલી તેના ઘરે પહોંચી ગયા હતા. તેના રૂમમાં તે સુતેલી હતી ત્યાં બેઠા હતા. અને અનમોલ લિમ્કા લેવા માટે નીચે ગઈ ત્યારે ત્રણ અજાણ્યા ઘરમાં ઘુસી આવ્યા અને નરેશભાઈને માર માર્યો હતો. તેમને આંખમાં મારતા થોડો સમય દેખાવાનું બંધ થઈ ગયું હતું. બાદમાં આ મા-દીકરીઓ અને અજાણ્યા નરેશભાઈને ઘેરી ઉભા હતા. તેમના મોપેડની, ફ્લેટની ચાવી લઈ અને મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો. અને આખી રાત રૂમમાં બંધ કરી રાખ્યો હતો.

લોકડાઉનમાં વેપારીએ 20 લાખ ઉછીના લીધા હોવાના ચેક લખાવી લીધા
બીજા દિવસે સવારે નાસ્તો કરાવી નરેશ પાસેથી અમનદિપકૌરે ચેક બુક લાવીને 4 ચેકોમાં બળજબરી સહીઓ કરાવી હતી. અને લોકડાઉન વખતે તેમની પાસેથી નરેશે 20 લાખ ઉછીના લીધા હતા તેના બદલામાં ચેક લખી આપતો હોવાનું લખાણ વકીલ પાસે લખાવી આપવાનું કહ્યું હતું. અને જો લખાણ નહીં કરાવે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અમરોલીમાં એક મહિલા વકીલની ઓફિસમાં લઈ જઈને લખાણ કરાવ્યું હતું.

વેપારી ઘરે પહોંચ્યો ત્યાં મિલકતના દસ્તાવેજ અને રોકડ ગાયબ હોવાની જાણ થઈ
વકીલની ઓફિસમાંથી નરેશભાઈ તેમના ઘરે ગયા હતા. ત્યારે તેમના પુત્રોએ તથા ઘરે આવતી બાઈએ તેમના ઘરના કબાટ તથા દાદીનો કબાટ ખુલ્લો છે. કબાટમાં જોતા 60 હજાર તથા મિલ્કતના દસ્તાવેજોની ફાઈલો ગાયબ હતી. બીજા રૂમના કબાટમાં રાખેલા રોકડા 15 લાખ તથા મોબાઈલ ફોન, સેમસંગની ઘડિયાળ, સોનાનો સેટ, સોનાની ચેઈન, વીંટી મળીને કુલ 9.60 લાખના સોનાના દાગીના પણ ગાયબ હતા. એપાર્ટમેન્ટના દાદરમાં લગાવેલા સીસીટીવી ચેક કરતા 9 માર્ચે બપોરે પ્રાચી અને અનમોલ ઘરની બેગો લઈને જતી દેખાય છે.

Most Popular

To Top