Dakshin Gujarat Main

યુક્રેનના વોરઝોનમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના 1500 વિદ્યાર્થી ફસાયા, વતનમાં માતા-પિતાની હાલત કફોડી

સુરત: (Surat) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે વિતેલા પખવાડિયાથી મચી રહેલા યુદ્ધના (War) ભણકારા વચ્ચે ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 9 નાગ્યે રશિયાએ યુદ્ધ છેડી દેતા સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતના આશરે 1500 કરતાં વધુ સ્ટુડન્ટન્સ (Students) ફસાઇ ગયા છે. યુક્રેનમાં મેડિકલ અને એરોનોટિકલ સહિતના અભ્યાસક્રમો માટે ભારતીયોનો ક્રેઝ વધારે છે.

  • મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે
  • વાલીઓ સતત વિદ્યાર્થીનો સાથેના ટેલિફોનિક સંપર્કમાં
  • યુદ્ધ શરૂ થતાની સાથે જ ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓમાં ગભરાટ

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહેલો ગજગ્રાહ યુદ્ધની ચરમસીમા સુધી પહોંચી ગયો છે. રશિયાએ યુદ્ધની કવાયત બાદ અચાનક મિસાઇલ અને રોકેટ મારો કરી યુક્રેન ઉપર હુમલો કરી દેતાં વાતવારણ ડહોળાઇ જવા પામ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે ભારતમાં પણ તેની અસરો પડી છે. હાલ તો રશિયા અને યુ્ક્રેનમાં ભારતભરના સ્ટુન્ડન્ટન્સ ફસાયા છે. જો સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીંના આશરે 1500 વિદ્યાર્થી યુક્રેનના કીવ અને ઓડેસા મેડિકલ કોલેજોમાં ભણે છે. આ સ્થિતિ વચ્ચે ગઇકાલથી ઇન્ટરનેટ અને ટેલિવિઝન સહિત અલગ અલગ મીડિયામાં યુદ્ધના સમાચાર આવતા વાલીઓ ગભરાઇ ગયા છે.

આજે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના દરબારમાં ઓપન ડે હતો. જેને લઇને સવારથી વાલીઓ રજૂઆતો માટે આવી ગયા હતાં. વાલીઓએ પાસે મદદની ટહેલ નાંખી છે. વાલીઓએ કહ્યું હતું કે, તેમના સંતાનો મેડિકલ તેમજ ટેકનિકલ એજયુકેશ માટે ત્યાંની અલગ અલગ યુનિવર્સિટીઓમાં ગયા છે. તેમને તાકિદે એરલિફટ કરી સહી સલામત ઘરે લાવવા જોઇએ . સુરતના વરાછા, પૂણા, કતારગામ વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રવાસી પરિવારોના વિદ્યાર્થીઓ છે જેઓ યુક્રેન ખાતે હાલમાં જુદી જુદી કોલેજોમાં મેડિકલ સ્ટ્રીમમાં અભ્યાસ કરી રહ્યા છે. તે ઉપરાંત નવસારી વલસાડ અને વાપી સહિત તાપી જિલ્લામાંથી પણ સેકડો ઉમેદવારો ભણવા માટે યુક્રેન ગયા છે.

અનેક અટકળ વચ્ચે ગણતરીના કલાકોમાં યુક્રેનમાં વાતાવરણ બગડયુ
વરાછા ખાતે રહેતા મનસુખભાઇ પટેલ નામના વાલીએ જણાવ્યું કે, તેમના દિકરો અને તેના બીજા મિત્રો ત્યાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યાં છે. દિકરા સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છીએ. ગઇકાલ સુધી દિકરો એવું જ કહેતો હતો કે યુદ્ધ નહીં થાય પરંતુ, આજે સવારથી જે સમાચારો આવ્યા ત્યારથી અમારા તમામ પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા છે અને અમે તેના સતત સંપર્કમાં છીએ.

યુક્રેનમાં ફસાયેલા વ્હાલા સોયા સંતાનોને બચાવવા જિલ્લા કલેકટર સમક્ષ વાલીઓએ મદદ માંગી
યુક્રેનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓના વાલીઓ સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકને મળવા માટે દોડી આવ્યા હતા. અંદાજે 12 જેટલા વિદ્યાર્થીના વાલીઓ સુરત કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે અને તેમના સંતાનો ઝડપથી એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. કલેક્ટરે દરેક વાલીઓ પાસેથી તેમના સંતાનોની તમામ પ્રાથમિક માહિતી, સંપર્ક નંબરોની માહિતી મેળવીને તેનો રિપોર્ટ કેન્દ્રના વિદેશ મંત્રાલયને પહોંચાડવા તજવીજ શરુ કરી છે.

જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોય તેમના વાલીઓ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહે: જિલ્લા કલેકટર આયુષ ઓક
સુરત કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, સુરતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ એવી વ્યવસ્થા વિકસાવી છે કે જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે તેમના નામ, પાસપોર્ટ, કોલેજનું નામ, ત્યાંનો સંપર્ક નંબર, ત્યાંના રહેઠાણનું સરનામું વગેરે જેવી માહિતી, અઠવાલાઇન્સ સ્થિત નાગરિગ સુવિધા કેન્દ્રમાં આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે રજિસ્ટર્ડ કરાવે. સુરત કલેક્ટરેટ દ્વારા આ માહિતી કેન્દ્ર સરકારને તાત્કાલિક મોકલવામાં આવશે અને કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને પરત લાવવાની તેમજ ત્યાં તેમની સલામતિ અંગેની તમામ વ્યવસ્થાઓ કરી રહી છે. યુક્રેનમાં રહેતાં સુરતના વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના વિસ્તારના ધારાસભ્ય કે કોર્પોરેટરને પણ તેમની માહિતી પહોંચાડી શકે છે. અત્યાર સુધીમાં 61 વિદ્યાર્થીઓના વાલીઓએ તેમના સંતાનો યુક્રેનમાં હોવા અંગેની માહિતી સત્તાવાર રીતે આપી છે.

યુક્રેન ખાતે ફસાયેલા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોના પરિવારજનો માટે હેલ્પલાઇન નંબરો
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિને ધ્યાને લઇ યુક્રેન માટે ભારત સરકારે ૨૪-કલાકની હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે. જેમાં દિલ્હી સ્થિત કંટ્રોલરૂમના નંબર +911123012, +911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ SITUATIONROOM@MEA,GOV.IN પર ઈ-મેઈલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર અને cONS1.KYV@MEA.GOV.IN પર ઇ-મેઇલ કરી શકાશે. તેમ સુરત કલેક્ટર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

Most Popular

To Top