Editorial

અમેરિકા અને તેના સાથી દેશોના પ્રતિબંધોની રશિયા પર નહીંવત અસર થશે

રશિયા યુક્રેઇન પર આક્રમણ કરશે તેવી પશ્ચિમી દેશોની આગાહીઓ વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને સોમવારે એક નવો જ દાવ ફેંક્યો અને તેમણે બળવાખોરોના કબજાવાળા પૂર્વ યુક્રેઇનના બે પ્રદેશો દોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર જાહેર કરી દીધા. તેમના આ પગલાં આ અંગે અમેરિકાએ કહ્યું છે કે અમે રશિયા આવું કંઇક કરશે તેવી આગાહી કરી જ હતી, જો કે એવું લાગે છે કે પુટિનનું આ પગલું અમેરિકા સહિતના પશ્ચિમી દેશો માટે અણધાર્યું સાબિત થયું છે. પુટિને આ બે પ્રદેશોને સ્વતંત્ર જાહેર કર્યા તે પછી આ પ્રદેશોમાં શાંતિ રક્ષક દળોનું નામ આપીને પોતાના લશ્કરી દળો પણ રવાના કર્યા હોવાના અહેવાલો આવવા માંડ્યા, તે સાથે ઘાંઘા  થઇ ગયેલા અમેરિકાએ રશિયા દ્વારા સ્વતંત્ર જાહેર કરાયેલા બે પ્રદેશો પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી. અમેરિકી પ્રમુખે એક વટહુકમ બહાર પાડીને યુક્રેઇનના રશિયા તરફી આ પ્રદેશો પર આંશિક પ્રતિબંધો લાદવાનો આદેશ આપ્યો. બ્રિટને પણ રશિયાની પાંચ બેન્કો અને પુટિનની નજીકના મનાતા ત્રણ ધનકુબેરો પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. પરંતુ આવા પ્રતિબંધોની રશિયા પર કેટલી અસર થશે તે એક પ્રશ્ન છે.

અમેરિકી પ્રમુખ જો બાઇડને જે એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા હતા તેમાં રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન દ્વારા સ્વતંત્ર જાહેર કરાયેલા યુક્રેઇનનાં ભાગો માટે વ્યાપાર અને રોકાણ અવરોધવાનો આદેશ છે. વ્હાઇટ હાઉસ, કે જેણે રશિયન પગલાંઓને રશિયાની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓના ચોખ્ખા ભંગ તરીકે ગણાવ્યા હતા, તેણે જણાવ્યું હતું કે આર્થિક પ્રતિબંધો પણ હવે આવવાની તૈયારીમાં છે. આ પગલું એના પછી આવ્યું છે જ્યારે પુટીને યુક્રેઇનમાંના રશિયા તરફી અલગતાવાદીઓના કબજા હેઠળના બે ભાગોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપીને યુક્રેઇનીયન કટોકટી વધુ વણસાવી છે. રશિયા તરફથી આ પ્રકારનું પગલું આવશે એની અમે આગાહી કરી જ હતી અને તેનો તત્કાળ પ્રતિભાવ આપવા તૈયાર છીએ એમ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ જણાવ્યું હતું.

બાઇડન દ્વારા જેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તે વટહુકમ યુક્રેઇનના કથિત ડીએનઆર અને એલએનઆર પ્રદેશો સાથે અને તરફથી નવા રોકાણ, વ્યાપાર અને ધિરાણ પર મનાઇ મૂકે છે એમ તેમણે જણાવ્યું હતું. આ આદેશ યુક્રેઇનના આ વિસ્તારોમાં કામગીરી કરવા માગતી કોઇ પણ વ્યક્તિ પર પ્રતિબંધો લાદવાની પણ જોગવાઇ ધરાવે છે. સ્પષ્ટતા માટે કહેવામાં આવે છે કે આ પગલાંઓ ઝડપી અને તીવ્ર આર્થિક પગલાંઓ કરતા અલાયદા છે જે પગલાઓની અમે જો રશિયા યુક્રેઇનમાં વધુ આક્રમણ કરશે તો લાદવા માટે અમારા સાથીદારો અને ભાગીદારો સાથે સંકલનમાં તૈયારી કરી રહ્યા છીએ એમ તેમણે જણાવતા વધુમાં કહ્યું હતું કે અમેરિકા યુક્રેઇન સહિતના પોતાના સાથીઓ અને ભાગીદારો સાથે આગામી પગલાંઓ સાથે ગાઢ સલાહ મસલત કરી રહ્યું છે.

બીજી બાજુ એક સંયુક્ત નિવેદનમાં અમેરિકી સંસદની વિદેશી બાબતોની સમિતિ અને સશસ્ત્ર સેવાઓને લગતી સમિતિના રિપબ્લિકન વડાઓએ રશિયા પર સખત પગલાઓની માગ કરી હતી અને હાલના પગલાંઓને માત્ર પ્રતિકાત્મક પગલાંઓ ગણાવ્યા હતા જ્યારે કે રશિયાએ જેને સ્વતંત્ર જાહેર કર્યા છે દોનેત્સ્ક અને લુહાન્સ્ક પ્રદેશોમાં પુટિન શાંતિરક્ષકના નામે પોતાના દળો મોકલી રહ્યા હોવાના અહેવાલો હતા. દેખીતી રીતે આ અમેરિકી સંસદીય સમિતિઓ પ્રમુખ બાઇડન રશિયા બાબતે મંદ અભિગમ રાખી રહ્યા હોવાનું સાબિત કરવા માગતી હતી, જે સમિતિઓનું વડપણ રિપબ્લિકનો સંભાળી રહ્યા છે. અમેરિકા પછી યુકેના પ્રતિબંધોની જાહેરાત આવી, જેણે પ્રથમ દષ્ટિએ અમેરિકા કરતા વધુ મોટું કહી શકાય તેવું પગલું ભર્યું છે. તેણે પાંચ રશિયન બેન્કો પર જ પ્રતિબંધ લાદી દીધો છે, આ ઉપરાંત અતિ ધનિક એવા પાંચ ધનકુબેરો પર પ્રતિબંધ લાદ્યો છે, જે ધનકુબેરો રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિનના નિકટના લોકો મનાય છે અને અમેરિકાના પ્રતિબંધોની યાદીમાં લાંબા સમયથી હતા. હજી વધુ કડક પ્રતિબંધો રશિયા પર આવી શકે છે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

અહીં પ્રશ્ન એ થાય છે કે રશિયા પર અમેરિકા અને તેના પશ્ચિમી સાથી દેશોના પ્રતિબંધો કેટલી અસર કરશે? જ્યારે ઉત્તર કોરિયા જેવો નાનો અને પ્રમાણમાં નબળો દેશ પ્રતિબંધો સામે અડીખમ ઉભો રહી શકતો હોય તો રશિયા તો એક વિશાળ, વ્યાપક પ્રાકૃતિક સ્ત્રોતો ધરાવતો અને બળવાન દેશ છે. ઉત્તર કોરિયાને ચીન અને રશિયા તરફથી અંદરખાને સહાય મળે છે તે દેખીતી વાત છે. રશિયા પર જે પ્રતિબંધો પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવી રહ્યા છે તેનાથી રશિયન પ્રમુખનું રૂંવાટુંયે ફરકતું હોય તેમ લાગતું નથી. વાત સ્પષ્ટ છે કે રશિયા પોતે જ ઘણી બાબતોમાં સ્વાવલંબી છે અને વળી તેને ચીન સહિતના ઘણા દેશો તરફથી સહકાર મળી રહેશે. યુક્રેઇનમાં હુમલાની બાબતમાં રશિયાની ચીનના લશ્કરી ટેકાની જરાયે જરૂર નથી, પરંતુ ચીનનો રાજકીય અને આર્થિક ટેકો રશિયાને ખૂબ બળ પુરો પાડનારો બની રહ્યો છે અને પશ્ચિમી દેશોને, ખાસ કરીને અમેરિકાને સતત પડકારી રહેલા ચીનનો ઉત્સાહભર્યો ટેકો રશિયાને મળી રહેશે તે સ્પષ્ટ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં વૈશ્વિક સમીકરણો નોંધપાત્ર બદલાયા છે, રશિયા અને ચીન ખૂબ બળુકા બન્યા છે અને અમેરિકા તથા તેના સાથી દેશોને પોત પોતાની રીતે પડકારી રહ્યા છે અને યુક્રેઇનના મામલે બંને વચ્ચેની નિકટતા ઓર વધી હોવાનું જણાય છે ત્યારે અમેરિકા અને તેના સાથી દેશોના પ્રતિબંધો રશિયા પર જરાયે અસર નહીં કરે તેમ લાગે છે.

Most Popular

To Top