SURAT

સિવિલ હોસ્પિટલમાં યુવાનોનો કોવીડ વોર્ડમાં સેવા પહોંચાડવાનો સેવાયજ્ઞ

સુરત: સિવિલની ત્રણેય હોસ્પિટલમાં ( Civil Hospital ) દાખલ કોરોનાના દર્દીઓની સાચી સ્થિતિ માટે પરિવારજનો ખૂબ જ ચિંતામાં રહે છે. ત્યારે સામાજિક સંસ્થાના બે આગેવાનોએ 22 સેવકો સાથે મળી સિવિલની ત્રણેય હોસ્પિટલમાંથી દરરોજ 100થી વધુ વિડીયો કોલ ( video call ) પરિવારજનોને કરાવે છે. ઉપરાંત દર્દીને કપડાં તથા ફ્રૂટ પણ પહોંચાડે છે. સંખ્યાબધ્ધ પરિવારો તેમના સંબંધીઓ કેવી હાલતમાં છે એ મામલે જીવ ઉચાટે છે. ત્યારે વિડીયો કોલ જે-તે પરિજન સાથે કરવાનો આ યજ્ઞ કરાવવામાં આવી રહ્યો છે.


પ્રાપ્ત વિગતો મુજબ સામાજિક બે આગેવાનો હિમાંશુ રાઉલજી અને વ્રજેશ ઉનડકટે તેના 22 જેટલા સ્વયંસેવક સાથે મળી કોરોનાના દર્દીઓના સગાને વહારે આવ્યા છે. તેમણે દરરોજ સવારે 10થી 11 વાગ્યા સુધી પરિવારજનો દ્વારા દર્દીઓને આપવામાં આવતાં કપડાં અને ફ્રૂટ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત દર્દીઓની સાચી સ્થિતિ પરિવારજનોને મળી રહે તે માટે પરિવારજનોને વિડીયો કોલની સુવિધા ઉપલબ્ધ કરે છે.

સંસ્થાના 15 જેટલા સ્વયંસેવક કોવિડ હોસ્પિટલમાં, કિડની હોસ્પિટલમાં પાંચ અને જૂની બિલ્ડિંગમાં બે મળી કુલ 22 સ્વયંસેવક દર્દીઓને મળી તેઓને સાંત્વના પાઠવે છે. ઉપરાંત દર્દીઓને પરિવારજનો સાથે વિડીયો કોલ મારફત વાત કરાવે છે. સંસ્થા દ્વારા દરરોજ 100થી વધુ પરિવારજનોને વિડીયો કોલની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

મનપા કમિશનરે લીધી વિવિધ વિસ્તારોની મુલાકાત

તેમજ શહેરમાં હાલમાં કોરોનાવાયરસના સંક્રમણનું પ્રમાણ તેજ ગતિએ વધી રહ્યું હોવાથી નિયંત્રિત કરવા મનપા કમિશનર બંછાનિધિ પાની શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ–19ને નિયંત્રિત કરવાની કામગીરી ઝડપી અને અસરકારક થાય એ માટે કરવામાં આવતી કામગીરીનું પ્રતિદિન શહેરના વિવિધ સંક્રમિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ શહેરમાં વધતાં કોરોનાવાયરસને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યાં છે. કોરોનાવાયરસના વધુ પડતા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ બુધવારે સવારે મનપા કમિશનરે કતારગામ ઝોનમાં આવેલા આંબા તલાવડીની આશીર્વાદ સોસાયટી તેમજ ઉત્રાણ ખાતે આવેલા ઓમકારનગર સોસાયટીની રૂબરૂ સ્થળ મુલાકાત લઈ ક્લસ્ટરની કામગીરીનું તથા સર્વેલન્સ ટીમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તથા આ વિસ્તારમાં રહેતા લોકો ફરજિયાત માસ્ક પહેરે, સેનિટાઈઝરનો મહત્તમ ઉપયોગ કરે, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે તેમજ સરકારની કોવિડ–19ની ગાઈડલાઈનનું તમામ લોકો પાલન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top