SURAT

સુરત-ઓલપાડને જોડતો સારોલીનો બ્રિજ આટલા દિવસમાં તૈયાર થઈ જશે

સુરત(Surat) : જહાંગીરપુરા (Jahangirpura) અને ઓલપાડને (Olpad) જોડતા સ્ટેટ હાઈ વે (State HighWay) ઉપર આવેલ કોસાડ કૃભકો (Kribhco) રેલ્વે લાઈન ઉપર સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા રૂા. 60.68 કરોડના ખર્ચે નવો બ્રિજ (Bridge) તૈયાર કરવામાં આવી રહ્યો છે. સારોલી અને ઓલપાડને જોડતા જુનો બ્રિજ જર્જરિત થતા મનપા દ્વારા અહી નવા બ્રિજનું કામ પુરજોશમાં શરૂ કરાયું છે. ચોમાસામાં (Monsoon) જુના બ્રિજમાં એક તરફનો ભાગ બેસી ગયો હતો. અને મોટી દુર્ઘટના બનતી ટળી હતી. ત્યારથી મનપા દ્વારા નવા બ્રિજનું કામ ફુલફ્લેજમાં કરવામાં આવી રહ્યું છે અને હવે 2 માસમાં આ બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકી દેવાશે.

  • સુરતથી ઓલપાડને જોડતો સરોલી બ્રિજ બે માસમાં તૈયાર થઈ જશે, નવા 6 ગર્ડર ચડાવી દેવાયા
  • ગુરૂવારે બપોરે 300 મીની લંબાઈના 25 ટન વજનના ગર્ડરો બ્રિજ પર ચડાવી દેવાયા

સુરત મનપા દ્વારા જહાંગીરપુરા અને ઓલપાડને જોડતા આ બ્રિજની કામગીરી અંતર્ગત રેલ્વે ઓવર બ્રિજ ઉપર રેલ્વે વિભાગ સાથે જરૂરી સંક્લન કરવામાં આવ્યું હતું અને ગુરૂવારે બપોરે 2:30 થી 5:30 સુધીના સમયગાળા દ૨મ્યાન 300 ટનની ક્ષમતાવાળી 2 હાઈડ્રોલીક ક્રેનની મદદથી 300 મી. લંબાઈના અંદાજીત 25 ટન વજનના કુલ એવા 6 સ્ટીલ ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ગર્ડરના લોન્ચીંગ બાદ જહાંગીરપુરાથી ઓલપાડ જતા રેલ્વે ઓવર બ્રિજની કામગીરી અંદાજીત 2 માસના સમયગાળામાં પુર્ણ કરી શહેરીજનો માટે બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.

ચોમાસામાં સારોલી બ્રિજ પર મોટું ગાબડું પડ્યું હતું
ગઈ તા. 17મી ઓગસ્ટના રોજ સુરતના જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જવાના સારોલી બ્રિજ નજીક રોડ પર મોટું ગાબડું પડી ગયું હતું જેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંદાજે 10 મીટર જેટલો રોડ બેસી ગયો હતો. તે સમયે સદ્દનસીબે કોઈ વાહન પસાર થતું નહીં હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદને લીધે માટીનું ધોવાણ થયું હોય રસ્તો બેસી ગયો હતો.

કડોદરા ખાતે અંડર પાસની કાર્યવાહી પૂર્ણતાના આરે
કડોદરા ચાર રસ્તા ખાતે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંડર પાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પૂર્ણતાના આરે હોવાથી ટ્રાફિકની સમસ્યા મહદઅંશે પૂર્ણ થઇ જાય તેમ છે. આ અંડરપાસના લીધે સુરતથી કડોદરા હાઈવે તરફ જતા અને કડોદરાથી સુરત શહેરમાં પ્રવેશતા વાહનોને ટ્રાફિક ઓછો નડશે. ટૂંક સમયમાં આ અંડરપાસ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.

Most Popular

To Top