SURAT

ચાલુ મોન્સૂન સીઝનમાં સુરત યુનિટના અધિકારીઓ સામાન્ય પ્રવાસીઓના સ્વાંગમાં સાપુતારા પહોંચ્યા

સુરત: સ્ટેટ જીએસટી (SGST) વિભાગના સુરત (Surat) યુનિટ દ્વારા ગિરિમથક સાપુતારાની (Saputara) 14 હોટેલમાં (Hotel) કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન મોટા પાયે ટેક્સ (Tex) ચોરી પકડાવાની શકયતા છે. જીએસટી વિભાગે આજે સર્ચ કાર્યવાહી પૂર્ણ કરી એસેસમેન્ટની પ્રક્રિયા શરૂ કરી છે. જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળુ વેકેશન અને મોન્સૂનમાં હોટેલ હાઉસફુલ હોવા છતાં રૂમ ખાલી દર્શાવી કેટલાક હોટેલ સંચાલકોએ ઓછો ટેક્સ ભર્યો હતો. તો કેટલાક સંચાલકોએ રિટર્નમાં નુકસાની દર્શાવી હતી. સાપુતારામાં નવી હોટેલ ખુલવા છતાં જીએસટી કલેક્શન ઘટતા વિભાગે ખૂબ જાણીતી અને મોન્સૂન તથા વેકેશનમાં હાઉસફુલ રહેવા સાથે મોંઘા રૂમ ભાડા વસૂલવા માટે જાણીતી હોટેલની વરુણીમાં લીધી હતી.

  • જીએસટી વિભાગે સીસીટીવી,ડીવીઆર જપ્ત કરી 14 હોટેલના રિટર્નનું એસેસમેન્ટ શરૂ કર્યું
  • સાપુતારાની 14 હોટેલમાં SGST નું સર્ચ પૂર્ણ
  • વેકેશનમાં સાપુતારાની હોટલ હાઉસફૂલ હોવા છતાં રૂમ ખાલી દર્શાવી ટેક્સ ચોરી
  • અધિકારીઓએ 2021-22 અને ચાલુ મોન્સૂન સિઝન સુધીના હિસાબી ચોપડાઓ સીઝ કર્યા

જીએસટી વિભાગના અધિકારીઓએ સીસીટીવી, ડીવીઆર જપ્ત કરી 14 હોટેલના રિટર્ન નું એસેસમેન્ટ શરૂ કર્યું છે. 2021-22માં કરવામાં આવેલા રિટર્ન ચકાસવામાં આવી રહ્યાં છે. ચાલુ મોન્સૂન સિઝનને લગતી માહિતી પણ મેળવવામાં આવી છે. ચાલુ મોન્સૂન સીઝનમાં સુરત યુનિટના અધિકારીઓ સામાન્ય પ્રવાસીઓના સ્વાંગમાં સાપુતારા પહોંચ્યા હતાં. હોટેલ સંચાલકોએ બીલિંગમાં પણ ગેરરીતિ આચરી છે. રૂમ ભાડા ઓછા દર્શાવી ગ્રાહકોને મોટી કિંમતના જુદા બિલ ઇસ્યુ કર્યા હતાં. હોટેલ દ્વારા ઓનલાઈન પેકેજ સામે પણ ઓછી કિંમતની વસુલાત દર્શાવી હતી. જીએસટી વિભાગના 40 જેટલા અધિકારી-કર્મચારી આ સર્ચમાં જોડાયા હતાં. અધિકારીઓએ 2021-22 અને ચાલુ મોન્સૂન સિઝન સુધીના હિસાબી ચોપડાઓ સીઝ કર્યા છે.કેટલાક હોટેલ માલિકો સાપુતારા બહારના હોવાથી એમની પૂછપરછ માટે નોટિસ ઇસ્યુ કરવામાં આવશે.એમ જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Most Popular

To Top