SURAT

સુરત: પાડોશી મહિલાએ સગીરાને ચામાં કેફી પીણું પીવડાવી બે યુવક પાસે બળાત્કાર કરાવ્યો

સુરત: (Surat) વરાછામાં રહેતી એક સગીરાને ચામાં કેફી પીણું પીવડાવ્યા બાદ પાડોશી મહિલાએ બે યુવકને બોલાવીને સગીરા ઉપર બળાત્કાર (Rape) કરાવ્યો હતો. થોડા દિવસો બાદ સગીરા ઘરે એકલી હતી ત્યારે ફરી આ મહિલાએ તેની પાસે જઇ તેના પિતાને મારી નાંખવાની ધમકી (Threat) આપી બે યુવકો પાસે બળાત્કાર કરાવ્યો હતો. ગભરાયેલી સગીરાના પિતાનું અવસાન થતાં તેઓ વતનમાં ચાલ્યા ગયા હતા અને ત્યાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસની તપાસને સુરતના વરાછા પોલીસમાં ટ્રાન્સફર (Transfer) કરાઇ હતી. હાલ તો વરાછા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • પાડોશી મહિલાની નિર્દયતા : સગીરાને ચામાં કેફી પીણું પીવડાવી બે યુવક પાસે બળાત્કાર કરાવ્યો
  • સગીરાએ વતન મધ્યપ્રદેશ જઈ પરિવારને કહી પોલીસમાં ઝીરો નંબરથી ફરિયાદ કરતાં વરાછા પોલીસે ગુનો નોંધ્યો

પ્રાપ્ત વિગતો મુજબ વરાછાની કમલપાર્ક સોસાયટીમાં રહેતી 15 વર્ષિય કાજલ (નામ બદલ્યું છે) ઘરે એકલી હતી, ત્યારે તેના પાડોશમાં રહેતી મીના રાજપૂત નામની મહિલા આવી હતી. મીનાએ કાજલની સાથે વાતો કરી ચા પીવા લઇ જવાનું કહીને ચામાં કેફી પીણું પીવડાવું દીધું હતું. જ્યારે કાજલ ભાનમાં આવી ત્યારે નગ્ન અવસ્થામાં હતી. થોડા દિવસો બાદ મીના ફરીવાર કાજલ પાસે આવી હતી અને કહ્યું કે, અગાઉ હું જ્યારે આવી ત્યારે તું નગ્ન હાલતમાં હતી અને તારી સાથે આ બે યુવકે બળાત્કાર કર્યો હતો. મીનાએ સગીરાના પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી અને બીજીવાર પણ બળાત્કાર ગુજારાયો હતો. સતત બે વાર બળાત્કાર થતાં કાજલ ખૂબ જ ગભરાઇ ગઇ હતી, ત્યાં જ તેના પિતાનું આકસ્મિક મોત થયું હતું અને કાજલ તેમજ તેનો પરિવાર વતન મધ્યપ્રદેશ જતો રહ્યો હતો. ત્યાં પિતાની અંતિમવિધિ પૂરી થયા બાદ કાજલે તેના પરિવારને જાણ કરી હતી અને ત્યાં મધ્યપ્રદેશમાં આવેલા મુરૈના જિલ્લાના જૌરાના મહિલા પોલીસમથકમાં જ ઝીરો નંબરથી પોક્સોની ફરિયાદ નોંધાવી હતી.

મધ્યપ્રદેશથી આ ફરિયાદને ઝીરો નંબરના આધારે વરાછા પોલીસને માહિતી આપી હતી. વરાછા પોલીસે મીના રાજપૂત તેમજ બીજા બે યુવકની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વરાછા પોલીસે કમલપાર્ક સોસાયટીમાં તપાસ કરતાં મીના રાજપૂત ઘર ખાલી કરીને બીજે જતી રહી હતી. જ્યારે બળાત્કાર કરનારા પોલીસે બે યુવક પૈકી એકની અટકાયત કરી હતી. આ યુવકે પોલીસને કહ્યું કે, મારી સાથે બીજો યુવક હતો તેને સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, પોલીસે આ યુવકની તપાસ કરી પૂછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top