સદીઓથી ગુજરાતી પરિવારોમાં મૌખિક સ્વચ્છતા માટે દાતણ એ મુખ્ય આધાર રહ્યો છે. તેના ફાયદા માત્ર દાંત સાફ કરવા પૂરતા સીમિત નથી: લીમડો અને બાવળ જેવા દાતણમાં કુદરતી રીતે જ એવા જૈવિક તત્વો અને તેલ હોય છે જે એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. દાતણ ચાવતી વખતે નીકળતો તેનો રસ મોંના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે, સડો અટકાવે છે અને મોંની દુર્ગંધ દૂર કરે છે. દાતણના છેડાને ચાવીને જ્યારે કૂચો (બ્રશ) બનાવવામાં આવે છે, ત્યારે તે ચાવવાની પ્રક્રિયા જડબા માટે એક કુદરતી કસરત બની જાય છે.
તેનાથી પેઢામાં લોહીનું પરિભ્રમણ સુધરે છે અને દાંતના મૂળ મજબૂત થાય છે. દાતણના ઝીણા રેસાઓ દાંતના ઉપરના રક્ષણાત્મક પડને નુકસાન પહોંચાડ્યા વિના પ્લેક અને ફસાયેલા અન્નના કણોને નરમાશથી સાફ કરે છે. આજના આધુનિક ટૂથપેસ્ટમાં આવતા આર્ટિફિશિયલ સ્વીટનર્સ, માઇક્રોપ્લાસ્ટિક કે સલ્ફેટ જેવા કેમિકલ્સથી દાતણ તદ્દન મુક્ત અને સો ટકા કુદરતી હોય છે. આધુનિક સ્વચ્છતાની સાથે અઠવાડિયામાં એક કે બે વાર કુદરતી દાતણનો ઉપયોગ કરવાની જૂની પરંપરાને અપનાવવાથી દાંતના સ્વાસ્થ્યને લાંબા સમય સુધી શ્રેષ્ઠ રાખી શકાય છે.
સુરત – નેહા સિંગાપુરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.