SURAT

લંબેહનુમાન રોડની લાઈનદોરીમાં ફેરફારથી સુરતના રેલવે સ્ટેશન પાસેની આ મિલકતોને થશે અસર

સુરત: સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેકટના (Surat Railway Station Multi Model Transportation Hub) વિકાસ માટે લંબેહનુમાન તરફ જતા રસ્તા પરની હયાત 50 ફુટની મંજૂર લાઇનદોરીમાં ફેરફાર કરી 30 મીટર કરવા અને દિલ્હીગેટ જંકશન પાસે લંબેહનુમાનથી સહારાદરવાજા તરફ જતા રસ્તાના વળાંકમાં ફેરફાર કરવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. આ લાઇનદોરીમાં સુરત રેલવે સ્ટેશન આસપાસની ખાનગી માલિકીની મિલકતોમાં કોમર્શિયલ વપરાશ, રેસ્ટોરન્ટ, હોટલ, ગેસ્ટહાઉસ, દુકાન, ઓફિસ તથા સુરત મહાનગર પાલિકાની માલિકીના શોપીંગ કોમ્પલેક્ષને અસર થવાની છે. જેથી હવે મનપા (SMC) દ્વારા વાંધા સુચનો મંગાવાયા હતા જેને ધ્યાને લઈ લાઈનદોરીને અમલમાં મુકવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંતર્ગત ઇન્ડીયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન(Indian Railway Station Development Corporation) , ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ (Gujarat State Road Transport) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન મારફત સંયુકત રીતે સુરત રેલવે સ્ટેશનના નવનિર્માણ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેકટનું આયોજન કરાયું છે. આ પ્રોજેકટના વિકાસ માટે ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ટી.પી સ્કીમ નં 8 (ઉમરવાડા) તથા વોર્ડ નં 7 ની ખાનગી માલિકીની જરૂરી જમીનો-મિલકતો ધી રાઇટ ટુ ફેર કોમ્પન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઇન લેન્ડ એક્વિઝિશન રીહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ એક્ટ 2013 જોગવાઇ મુજબ ચુકવવાપાત્ર થતી રકમની મર્યાદામાં રહીને વાટાઘાટથી જમીનો મેળવવા અને અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપી ફરજિયાત જમીન સંપાદન કરવા માટે 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો.

મનપા દ્વારા આ પ્રોજેક્ટના અસરમાં આવતા મિલકતદારો પાસેથી વાંધા સુચનો મંગાવ્યા હતા. જેમાં મનપા સમક્ષ 7 લેખિત વાંધા-સુચન વિભાગને મળ્યા હતા. આ લાઇનદોરીથી સિટી સર્વે વોર્ડ નં.7 ની નોંધ નં. 4926, 4927, 502 2, 5051, મ્યુ. શોપિંગ કોમ્પ્લેક્ષ, નોંધ નં. 4940, 4941, 4940 પૈકી પ્લોટ નં.1 થી 15 વાળી મિલકતને અસર થાય છે. જેમાં દિલ્હીગેટ સુરત કોર્પોરેશન શોપ ઓનર એસોસિએશન દ્વારા રિંગરોડ તરફ શોપિંગ કોમ્પલેક્સ બનવાનું છે જેમાં તેઓને વૈકલ્પિક ફાળવણી થાય પછી જ જગ્યાનો કબજો લેવા રજૂઆત કરી છે તેમજ સબરસ લેન પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન દ્વારા ધંધો બંધ થઈ જવાથી ધંધા પર નભતી વ્યક્તિઓને અસર થશે તેવા વાંધાઓ રજુ કર્યા છે. જેથી હવે મનપા દ્વારા વાંધા સુચનો ધ્યાને લઈ લાઈનદોરીને અમલમાં મુકવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

Most Popular

To Top