SURAT

સુરત રેલવે સ્ટેશન પર ઉતરેલા બે પેસેન્જરની બેગમાંથી રેડ લેબલ, બેલેન્ટાઈન વ્હીસ્કીની 38 બોટલ મળી

સુરત: થર્ટી ફર્સ્ટની ઉજવણીની (New Year Celebration) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શોખીનો બોટલોની વ્યવસ્થા કરવા માંડ્યા છે, ત્યારે સુરત શહેરમાં દમણ, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર તરફથી દારૂની બોટલોનો સપ્લાય ચાલી રહ્યો છે. પોલીસનું ભારે દબાણ હોવાના લીધે સપ્લાયરો અવનવી કરતબો અજમાવીને દારૂની બોટલો સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવો જ એક પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર 3 બેગમાં વ્હીસ્કીની (Whisky) 38 બોટલ લઈને ઉતરેલા બે પેસેન્જરને (Passenger Arrest) પોલીસે ઝડપી પાડ્યા છે.

  • સુરત રેલવે પોલીસે થર્ટી ફર્સ્ટ પહેલાં મોટી સફળતા
  • દિલ્હીથી સુરતમાં દારૂ સપ્લાય કરનાર ગેંગ પર રેલવે પોલીસનું આકરું વલણ
  • સંપર્ક ક્રાંતિમાં દારૂની ખેપ મારતા બે પેસેન્જર પકડાયા
  • સ્કોચ વ્હીસ્કીનો મોટો જથ્થો લઈ આવતા હતા ત્યારે પકડાયા
  • વિશાલ ઉર્ફે ટીકુને દારૂ પહોંચાડવાના હતા, ટીકુને વોન્ટેડ જાહેર કરાયો

છેલ્લાં કેટલાંક સમયથી બુટેલગરો દ્વારા અલગ અલગ તરકીબ અજમાવીને દિલ્હીથી ટ્રેનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સુરતમાં ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી રેલવેના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને મળી હતી. થર્ટી ફર્સ્ટના લીધે રેલ માર્ગે દારૂનો સપ્લાય વધ્યો હોવાની પણ માહિતી હતી. તેથી રાજકુમાર પાંડિયન દ્વારા દારૂ પકડવા માટે એક ગુના શોધક ટીમની રચના કરાઈ હતી. આ ટીમ સુરત રેલવે સ્ટેશન પર વોચમાં હતી ત્યારે 38 બોટલ દારૂ પકડાયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સોમવારે તા. 26 ડિસેમ્બરની રાત્રે 8.15 કલાકે અમૃતસરથી ગોવા તરફ જતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન નંબર 12450માં બે યાત્રી દારૂ લાવી રહ્યાં હોવાની બાતમી પોલીસને મળી હતી. તેથી પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બે યાત્રી ટ્રેનમાંથી ઉતરીને પાર્કિંગ તરફ જતા હતા ત્યારે રેલવે પોલીસ દ્વારા બે પેસેન્જરની 3 બેગની ઉલટતપાસ કરવામાં આવી હતી. આ ત્રણ બેગમાંથી પોલીસને સ્કોચ વ્હીસ્કીની 38 બોટલ મળી હતી. જેમાં બેલેન્ટાઈન, રેડ લેબલ અને ગોલ્ડ લેબલ જેવી વ્હીસ્કીનો સમાવેશ થાય છે. આ દારૂની કિંમત 85,450 છે. આ બંને જણા જે બાઈક પર દારૂનો સપ્લાય કરવાના હતા તે બાઈક પણ ઝડપી લેવામાં આવી છે. પોલીસે બાઈક અને દારૂ સહિત કુલ 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ હિમાંશુ તિલક રાજ શર્મા અને કમલ ઉર્ફે બોબી બસ્તાની ધરપકડ કરી છે.

ટીકુને માલ પહોંચાડવાનો હતો?
પોલીસની પૂછપરછમાં બંને જણાએ કહ્યું કે, દારૂનો જથ્થો વિશાલ ઉર્ફે ટીકુ નામના ઈસમને પહોંચાડવાનો હતો. પરંતુ તે પહેલાં જ બંને જણા પકડાઈ ગયા હતા. પોલીસે વિશાલને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

લીલાના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલની રેઈડ
સુરત: સોમવારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સુરતની એક મહિલા બુટલેગરના અડ્ડા પર રેઈડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસ અંગે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સહારા દરવાજા નજીક સંગમ ટેકરી ટ્વીન્સ ટાવરની પાછળ લીલા મહેન્દ્ર પ્રજાપતિના ઘરે રેઈડ કરાઈ હતી. વિજિલન્સે લીલાના ઘરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1401 બોટલ જેની કિંમત 1.27 લાખ થાય છે તે પકડી હતી. આ ઉપરાંત 4000ની કિંમતનો 202 લીટર દેશી દારૂ પણ ઝપ્ત કર્યો હતો. વિજિલન્સે લીલા પ્રજાબતિ, હિતેશ મિસ્ત્રી, તેજસ પટેલ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી. માલ આપનાર કાળુને વોન્ટેડ જાહેર કરાયો છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનના 700 મીટરના અંતરેથી દારૂનો આ અડ્ડો વિજિલન્સે પકડ્યો છે.

Most Popular

To Top