SURAT

અમરોલીમાં કામ ધંધા અંગે મોટાભાઇએ ઠપકો આપતા નાનાભાઇએ ભરી લીઘું આ પગલું

સુરત : અમરોલી (Amroli) કોસાડ આવાસમાં રહેતા 18 વર્ષિય યુવકને તેના ભાઇએ કામ ધંધે જવા માટે ઠપકો આપતા યુવકે માઠુ લગાડી આપઘાત (Suicide) કરી લીધો હતો. સ્મીમેર હોસ્પિટલ (Hospital) સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ બિહારનો વતની અને હાલ અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા રાજીવ સત્યેન્દ્ર ચૌધરી (ઉ.વ.18) મહિના અગાઉ જ વતનથી સુરત મોટાભાઈ સાથે રહેવા આવ્યો હતો.

રાજીવ જુદી જુદી જગ્યાએ મજુરી કામ કરતો હતો. જોકે છેલ્લા થોડા સમયથી તેણે કામ ધંધો કરી દઇ મોડી રાત્રિ સુધી મિત્રો સાથે ફરવાનું શરૂ કરી દીધું હતું. જેથી કામ ધંધો કરવા અંગે સોમવારે સાંજે તેને મોટાભાઇએ ઠપકો આપ્યો હતો. દરમિયાન રાજીવે ભાઇના ઠપકાનું માઠુ લગાડી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ અમરોલી પોલીસને થતા રાજીવના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો.

અલથાણ પાંડેસરા ખાડી બ્રિજ પરથી કુદીને યુવાનનો આપઘાતનો પ્રયાસ
સુરત : અલથાણ-પાંડેસરા ખાડી બ્રિજ ઉપરથી ગઈકાલે રાત્રે એક યુવકે ખાડીમાં ભૂંસકો મારી આપઘાત કરવાની કોશિશ કરી હતી. જોકે કોઈએ સમયસર ફાયર કન્ટ્રોલમાં જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોરડા વડે ખેંચીને યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે ડી- માર્ટ પાસે આવેલા અલથાણ -પાંડેસરા ખાડી બ્રિજ પરથી એક યુવકે ખાડીમાં ભુસ્કો મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને જોઈ જતા લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. રાતનો સમય હોવાથી ખાડીમાં અંધારું પણ હતું. ઘટના અંગે જાણ કરવામાં આવતા મજુરા ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર અક્ષય પટેલ સહિત ટીમે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. અક્ષય પટેલે જણાવ્યું હતું કે એક માર્શલને દોરડા સાથે બ્રિજ નીચે ઉતાર્યો હતો અને યુવકને દોરડાથી બાંધીને માર્શલો તથા જવાનોએ દોરડું ખેંચી યુવકને સહીસલામત બહાર કાઢ્યો હતો. યુવકની પુછપરછ કરતા તે ભટાર રસુલાબાદ રહેતો હોવાનું અને મુકેશ દેવચંદ પંડોલે (ઉ.વ.૨૭ ) હોવાનું જણાવ્યું હતું. પારિવારિક ઝઘડા અને ત્રાસને લીધે આપઘાત કરવાનો વિચાર આવ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. જોકે જીવ બધાને વહાલો હોય છે. યુવક જ્યારે ખાડીમાં કૂદ્યો ત્યારે અંદર પાણી જોઈને ગભરાઈ ગયો હતો. જેથી પિલરને પકડી રાખ્યો હતો. જેના લીધે તેનો જીવ બચી ગયો હતો.

Most Popular

To Top