SURAT

સ્વચ્છતા મુદ્દે ટીમ સુરતને બિરદાવવાને બદલે રાજકીય મંચ બની મનપાની સામાન્ય સભા

સુરત : સુરત મનપાની સામાન્ય સભા (SMC) આમ તો દરેક વખતે રાજકીય આક્ષેપો અને હોબાળાનો અખાડો બની જાય છે. પરંતુ આ વખતની સામાન્ય સભા ખાસ હતી કારણ કે, સુરતને (Surat) ચાર દિવસ પહેલા જ સતત ત્રીજા વરસે દેશમાં સ્વચ્છ શહેરોમાં બીજું સ્થાન મળ્યું છે. બીજી તરફ ત્રણ વર્ષથી સુરતમાં ફરજ બજાવી રહેલા અને કોરોનાકાળમાંથી (Corona) સુરતને બહાર કાઢનાર મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીની બદલી થઈ જતાં તેમની પણ આ છેલ્લી સામાન્ય સભા હોવા છતાં પણ આવી સ્થિતિમાં સામાન્ય સભાના શૂન્યકાળમાં નગર સેવકો સુરતને ગૌરવ અપાવનાર વહિવટીતંત્ર અને તેના વડાને બિરદાવતા હોય છે. પરંતુ મંગળવારે મળેલી મનપાની સામાન્ય સભામાં માત્ર ત્રણ નગરસેવકો દિનેશ રાજપુરોહિત, કેયુર ચપટવાલા અને દિનેશ દેસાઇ સિવાય કોઇએ પદાધિકારીઓએ પણ આ સિદ્ધીને યાદ કરી નહોતી. સામાન્ય સભામાં માત્ર આરોગ્ય સેવા, ડ્રેનેજ જોડાણ, જગ્યા અદલાબદલી તથા અન્ય દરખાસ્ત પર તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે રાજકીય ભાષણ હોય તેવો માહોલ બંને પક્ષના કોર્પોરેટરોએ ઉભો કરી દીધો હતો.

આરોગ્ય મુદ્દે વિપક્ષની ટકોરનો રાજપુરોહિતે જવાબ આપ્યો ‘ગુજરાતમાં ઘૂસવા માંગતા રોગને આવવા દઈશું નહીં’
મંગળવારે મળેલી મનપાની સામાન્ય સભા વિધાનસભાની ચૂંટણીના પડઘમના કારણે રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ જેવી બની ગઈ હતી. રોગચાળા અંગેની ચર્ચામાં વિપક્ષે શાસકોને ઘેર્યા હતા. સામાન્ય સભામાં સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફ વધારવાની દરખાસ્ત પર ચર્ચા કરતા વિરોધ પક્ષના કોર્પોરેટર મહેશ અણઘડે કહ્યું હતું કે, ઈન્ફાસ્ટ્રકચર બનાવવામાં આવે છે પરંતુ સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી તેથી લોકોએ દુર સુધી સારવાર માટે જવું પડી રહ્યું છે. જો સુરતમાં આરોગ્ય સેવા સારી કરવા માંગતા હોય તો દિલ્હી મોડલ અપનાવવું જોઈએ. વોર્ડ નંબર ચારમાં તો સમાન્ય દવાખાનું પણ નથી, ચેક કરી લેજો.

જોકે આ ટિપ્પણીનો જવાબ આપતા સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન દિનેશ રાજપુરોહિતે ઉભા થઈને રોગચાળા અંગે કહ્યું હતું કે, પાલિકાના અધિકારીઓની કામગીરી ઉપરાંત શાસકોની સુઝબુધના કારણે સુરતમાં રોગચાળો કંટ્રોલમાં છે. તેની સાથે તેઓએ એવી ટિપ્પણી કરી હતી કે એક રોગ છે તે છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતમાં પ્રવેશવા માટે પ્રયાસ કરી રહ્યો છે પરંતુ અમે તેને પ્રવેશવા દઈશું નહીં. આટલું જ નહીં પરંતુ આ રોગ સુરતમાં થોડો ફેલાયો છે તેને પણ ઓછો કરી દઈશું. જો કે વિપક્ષના કોર્પોરેટરે એવી ટિપ્પણી કરી હતી કે ‘અમે સિસ્ટમ બદલવા આવ્યા છીએ, તમે કરેલી ખરાબ સિસ્ટમ અમે સુધારીને જ રહીશું.’

વિપક્ષના કોર્પોરેટરને કેમ નથી અટકાવતા : ભાજપના મહિલા કોર્પોરેટરનો મેયરને સવાલ
મનપાની આજની સભામાં ભાજપના જ મહિલા કોર્પોરેટર ઉવર્શી પટેલે મેયરના સભા સંચાલનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. મેયર વિપક્ષના કોર્પોરેટરને બોલવાની છૂટ આપે છે અને શાસક પક્ષના કોર્પોરેટરને બોલવા નથી દેતા તેવો આડકતરો આક્ષેપ ભાજપના મહિલા કોર્પોરેટરે કર્યો હતો. સભામાં ભાજપના કોર્પોરેટર કેયુર ચપટવાલાએ વિરોધ પક્ષ માટે એવું કહ્યું હતું કે ભૂતકાળમાં વિરોધ પક્ષ વિરોધ કરતો હતો પરંતુ મર્યાદામાં રહીને વિરોધ કરતા હતા. પરંતુ હાલનો વિરોધ પક્ષ વિરોધ કરતાં કરતાં ક્યારે વિદ્રોહમાં ફેરવાઈ ગયો તેની ખબર પણ પડી નથી.

આ ઉપરાંત દિલ્હી અને અન્ય વાતો કરતાં હતા ત્યારે મેયરે તેમને કામ પર બોલવા કહ્યું હતું અને તેમને બે ત્રણ વાર સૂચના આપી બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ મેયર હેમાલી બોઘાવાલાએ ભાજપના કોર્પોરેટર ઉવર્શી પટેલને બોલવા માટે કહ્યું હતું ત્યારે તેઓએ કહ્યું હું તમને જે કહું છે તે માટે પહેલા જ સોરી કહું છું પરંતુ તમે કેયુરભાઈ બોલતા હતા તેમને કામ ઉપર બોલવા માટે કહ્યું પરંતુ જ્યારે વિપક્ષના કનુ ગેડિયાએ કમિશનરને સુરતથી વડોદરા બદલી કરી સરકારે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ કર્યો ત્યારે તેને બોલતા હતા તે રોકવા જોઇએ.

વિકાસ કામો માટે રાજ્ય સરકારે અદલા-બદલીથી નહીં મનપાને એમ જ જગ્યા આપવી જોઇએ : વિપક્ષ
આજની સભામાં સુરત મહાનગરપાલિકાના વહીવટી ભવન તથા ઈન્ડોર સ્ટેડિયમના વિકાસ માટે મનપાએ સરકાર સાથે જગ્યા અદલા-બદલીથી મેળવીતે અંગેની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. આ દરખાસ્ત સામે વિરોધ પક્ષ દ્વારા સુધારો મુકવામાં આવ્યો હતો પરંતુ મતદાન બાદ સુધારાની તરફેણમાં 19 અને વિરોધમાં 77 મત થતાં સુધારો ગ્રાહ્ય રખાયો ન હતો. વિપક્ષના કોર્પોરેટર મહેશ અણઘડે જણાવ્યું હતું કે, સુરત શહેરના વિકાસ માટે જમીન સરકાર પાસે લેવામાં સામે કંઇ આપવું જરૂરી ના હોવું જોઇએ. સામે જગ્યા આપ્યા વગર જગ્યા નહીં આપી સરકારે સુરતના વિકાસમાં રોડા નાંખી રહી છે.

Most Popular

To Top