SURAT

આ કુખ્યાત ગુંડાને પકડવા લુંગી પહેરી સુરતના પોલીસવાળા બિહારની ઝૂંપડપટ્ટીમાં રહ્યા અને લારી પર ફ્રૂટ વેચ્યું

સુરત(Surat) : ચાર હત્યા (Murder), અનેક લુંટ (Robbery) અને ખંડણી સહિતના અસંખ્ય ગુનામાં સુરત શહેર પોલીસને (SuratCityPolice) છેલ્લા ચાર વર્ષથી ચકમો આપનાર કુખ્યાત પ્રવિણ રાઉતને ક્રાઈમ બ્રાંચની ટીમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોતાના વતન બિહારમાં છુપાયેલા પ્રવીણ રાઉતને ઝડપી પાડવા માટે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા એક અઠવાડ્યિા સુધી રેકી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ આ દરમિયાન ઝૂંપડામાં રહ્યા હતા, લારી લઈ ઠેરઠેર ફરી ફળો વેચ્યા હતા. એક અઠવાડિયા બાદ ગામના પાદરેથી સુરત પોલીસને રાઉતની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

સુરત પોલીસ કમિશનર અક્ષય કુમાર તોમરે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહેલા અને ચાર – ચાર વર્ષથી સ્થાનિક પોલીસને હાથતાળી આપતા પ્રવીણ રાઉતને ઝડપી પાડવા માટે ઓપરેશને ઘોસ્ટ (Operation Ghost) શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચને કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત (Pravin Raut) પોતાના મુળ વતન બિહારના (Bihar) નાલંદા ખાતે આવેલ ગોરમાં ગામમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. આ જાણકારીને પગલે ક્રાઈમ બ્રાંચના બે પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની ટીમને બિહાર રવાના કરવામાં આવી હતી. જયાં સ્થાનિક પોલીસની મદદથી આરોપીની તમામ હિલચાલ પર એક સપ્તાહ સુધી ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી.

કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત માથાભારે હોવાની સાથે – સાથે ખુબ જ ચાલાક અને કાયમ પોતાની પાસે હથિયાર રાખતો. સ્ટોવાને કારણે તેને તેના ગામમાંથી જ ઝડપી પાડવાનું કામ ખૂબ જ કપરૂ હતું. આ દરમિયાન કૌઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે પણ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સવિશેષ તકેદારી રાખવાની હતી. આ સ્થિતિમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા બે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને ટેક્નીકલ તથા હ્યુમન સર્વેલન્સના આધારે પ્રવીણ રાઉતની પ્રત્યેક હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી હતી. એક સપ્તાહ સુધી સતત રેકી કર્યા બાદ અંતે પ્રવીણ રાઉત ઘરેથી નીકળીને તાડી પીવા માટે પાદરે જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી. હતી. ઉલ્લેખનીય છે કે, પ્રવિણ રાઉત વિરૂદ્ધ સુરત શહેર – જિલ્લામાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે અને 2018માં તે જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ નાસી છૂટ્યો હતો.

ક્રાઈમ બ્રાંચ દ્વારા ગામમાં ફળ વેચવાને બહાને રેકી કરાઈ
બિહાર ખાતે પોતાના વતનમાં છુપાયેલા પ્રવિણ રાઉતની ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા એક સપ્તાહ સુધી સઘન રેકી કરવામાં આવી હતી. અલબત્ત, પ્રવીણ રાઉતને આ સંદર્ભે ગંધ ન આવે તે માટે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા અવાર – નવાર ગામમાં ફળ વેચવાના બહાને લારી લઈને ફરતા હતા. દરમિયાન સ્થાનિકોની મદદથી પહેલો પ્રવિણે રાઉતનાં ઘરની ઓળખ કરવામાં ટીમને સફળતા સાંપડી હતી અને ત્યારબાદ તેની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. બીજી તરફ એક અન્ય ટીમના જવાનો ગામમાં લુંગી, બનિયાન અને ગમછોમાં ફરીને પ્રવીણ રાઉતના દિનચર્યાની માહિતી એકઠી કરી રહ્યા હતા. આમ, એક સપ્તાહ સુધી સતત બાજનજર રાખ્યા બાદ પ્રવીણ રાઉતને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાંચની ટીમને સફળતા સાંપડી હતી.

આંગડીયા અને હીરાના વેપારીઓ સોફટ ટાર્ગેટ
સુરત શહેર અને જિલ્લામાં વેપારીઓને ધાક – ધમકી આપીને ખંડણી વસુલ કરતા કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત વિરૂદ્ધ ગુનાખોરીની દુનિયામાં પોતાની ધાક જમાવવા માટે વિરોધી ગેંગના માણસો સાથે અવાર – નવાર જાહેરમાં હત્યા – મારામારી સહિત ફાયરિંગના ગુનાઓ નોંધાયેલા છે. જો કે, બાદમાં તેની ગેંગ આંગડિયા અને હીરાના વેપારીઓની ટીપ મેળવીને લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલી હતી.

ચાર હત્યા સહિત ૧૭ ગુનાઓમાં વોન્ટેડ હતો
વર્ષ ૨૦૧૮માં જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ નાસી છુટેલા કુખ્યાત પ્રવિણ રાઉત વિરૂદ્ધ સુરત શહેર – જિલ્લા સહિત બિહારમાં પણ પોલીસ ફરિયાદો નોંધાયેલી છે. સુરત શહેરના ઉમરામાં બે સહિત પાંડેસરા અને ખટોદરા મળીને કુલ ચાર હત્યાના ગુનાઓ નોંધાયેલા છે. વિરોધી ગેંગના માણસોને સરાજાહેર મોતને ઘાટ ઉતારીને પોતાની ધાક જમાવવામાં સફળ રહેતા પ્રવીણ રાઉત વિરૂદ્ધ અત્યાર સુધી અલગ – અલગ પોલીસ મથકમાં ૧૭ ગુનાઓ નોંધાયેલા છે.

Most Popular

To Top