Dakshin Gujarat

3.13 કરોડના ખર્ચે નેશનલ હાઇવેને જોડતો રોડ બનાવાશે, પલસાણા હાઈવે સાથે જોડાશે

સુરત: (Surat) ચોમાસા પછી બિસ્માર થઇ ગયેલા વાંઝને ખરવાસા સાથે જોડતા રોડને નવો બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી. બીજી તરફ બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમાર અને ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે પણ નેશનલ હાઇવેને (National Highway) જોડતો રસ્તો (Road) બનાવવા માંગ કરતા રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ૩.૧૩ કરોડના ખર્ચે વાંઝ-ખરવાસા દાંડીમાર્ગ, ઇકલેરા-ભાણોદરા અને વકતાણા – ભાટિયાથી નેશનલ હાઇવેને જોડતો રોડ બનાવવા જાહેરાત કરવા સાથે આજે ખાતમુહુર્ત પણ કર્યું હતું. આ રોડ બની જતા સુરત શહેર અને જીલ્લામાં રહેતા સ્થાનિકોને ભાટિયા ટોલ નાકે ટોલટેક્ષ (Toll tax) ભરવામાંથી મુકિત મળશે. લાંબા સમયથી ભાટિયા ટોલના ટેક્ષને લઇ આંદોલન ચાલતું આવ્યું છે. તેનો પણ આ રોડ બનવા સાથે અંત આવશે.

  • ૩.૧૩ કરોડના ખર્ચે રસ્તો બનાવી વાંઝ-ખરવાસા દાંડીમાર્ગ, ઇકલેરા-ભાણોદરાને પલસાણા હાઈવે સાથે જોડાશે
  • આ બિસ્માર રસ્તો બનાવવા માટે ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરાઈ હતી, મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ખાતમુહૂર્ત કરાયું
  • આ રસ્તાથી સુરતવાસીઓને ભાટિયા ટોલનાકાના મસમોટા ટોલટેક્સમાંથી રાહત મેળવી શકશે

ચાલુ વર્ષે ચોમાસામાં વાંઝને ખરવાસા સાથે જોડતો રોડ બિસ્માર થયો હતો. તેને લીધે વાહન ચાલકોને સચીન પલસાણા હાઇવેથી જવું પડતું હતું. આ અંગે બે ધારાસભ્યો અને સંગઠનના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવતા પૂર્ણેશ મોદીએ વાંઝ ગામ ખાતે કુલ 3.13 કરોડના ખર્ચે વાંઝ-બોણદ રોડ થી વાંઝ-ખરવાસા(દાંડી માર્ગ) ગામને જોડતો રોડ, વાંઝ ખરવાસા(દાંડી માર્ગ) રોડ થી ઇકલેરા ભાણોદરા રોડને જોડતો રોડ, વકતાણા ગામેથી ભાટીયા અને નહેરથી નેશનલ હાઇવે સુધીનો રોડ, તેમજ વકતાણા ગામ પાસે ખરવાસા ભાટીયા મેઈન રોડથી પચાસ વાળી નાળ સુધીના રોડનું આજે ધારાસભ્યો ઇશ્વર પરમાર, ઝંખના પટેલ અને સંદીપ દેસાઇની હાજરીમાં ખાતમુહર્ત કર્યું હતું.

૧.૫૦ કરોડના ખર્ચે બનેલા સચિનના વિશ્રામ ગૃહનું પૂર્ણેશ મોદીએ ઉદ્‌ઘાટન કર્યું
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરત-નવસારી ટવિન સિટી પ્રોજેકટના ભાગ રૂપે સચીનમાં હાઇવેની નજીક વિશ્રામ ગૃહ બનાવવાનું આયોજન કર્યું હતું. વિશ્રામગૃહ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ તે સમયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રજૂઆત કરતાં ૧.૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક વિશ્રામગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્‌ઘાટન રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ, સુરત ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્યો ઝંખના પટેલ, ઇશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top