SURAT

જાનવરોના બચ્ચાની સંભાળ માટે સરથાણા નેચર પાર્કમાં આ વ્યવસ્થા ઊભી કરાશે

સુરત: સુરત મનપા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં (Nature Park) હાલમાં જ સિંહ દ્વારા બચ્ચાઓને જન્મ (Birth) આપવામાં આવ્યો હતો તેમજ ભવિષ્યમાં પણ આવા નાના બચ્ચાઓ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે માટે હવે નેચરપાર્કમાં બેબી નર્સરી (Baby Nursery) બનાવવાનું આયોજન મનપા દ્વારા કરાયું છે. જે માટે કુલ રૂપિયા 1.87 કરોડનો ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે. સરથાણા નેચરપાર્કમાં પ્રાણીઓના બચ્ચાઓની સંભાળ માટેની વ્યવસ્થા વધારવા માટે હવે મનપા દ્વારા વિચાર કરવામાં આવ્યો છે. હાલમાં જ સિંહની જોડી દ્વારા ત્રણ તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં નાઇટ શેલ્ટરની જરૂરિયાત ઊભી થશે
આ સ્થિતિમાં હાલમાં સિંહના પાંજરામાં માત્ર એક જ જોડી રહી શકે તેવી વ્યવસ્થા હોવાને કારણે ભવિષ્યમાં સિંહના બચ્ચાઓ માટે વધારાના રૂમની નાઈટ શેલ્ટરની જરૂરિયાતને ધ્યાને રાખીને બે રૂમો તેમજ એક બેબી નર્સરી બનાવવાની તૈયારી મનપા કરી રહી છે. તેમજ રાજકોટથી સફેદ વાઘની બે જોડી પણ લાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં બ્રિડીંગ કરાવવા માટે વધારાના રૂમ સહિત નાઈટ શેલ્ટર સાથે ત્રણ રૂમો અને બેબી નર્સરી બનાવવામાં આવશે. આ સિવાય ઝરખના બચ્ચા, શિયાળ અને તેના બચ્ચા સહિતના જાનવરોની જરૂરિયાતને ધ્યાને રાખીને નાઈટ શેલ્ટર અને બેબી નર્સરી માટે 1.87 કરોડનો અંદાજ જાહેર બાંધકામ સમિતિ સમક્ષ મુકાયો છે. 1 કરોડ 87 લાખ રૂપિયાના ખર્ચના અંદાજ સાથે જાહેર બાંધકામ સમિતિ દ્વારા મંજુરી માટે સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. આ નર્સરી કુલ 2118 ચો.મી વિસ્તારમાં બનાવાશે.

ભવિષ્યમાં વુલ્ફની જોડી પણ લાવવામાં આવશે
પ્રાણી સંગ્રહાલયમાં આકર્ષણ જાળવી રાખવા માટે સમયાંતરે મનપા દ્વારા વિવિધ પ્રાણીઓની જોડીઓ અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવતી હોય છે. ભવિષ્યમાં સુરતમાં વુલ્ફની જોડી લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટ ખાતેથી સફેદ વાઘની જોડી મેળવ્યા બાદ હવે મનપા દ્વારા જયપુર અને રાજકોટ પ્રાણી સંગ્રહાલયથી વુલ્ફની જોડી લાવવામાં આવશે. આમ સુરતના નેચર પાર્કમાં વનમાં વિચારતા તમામ પ્રકારના પ્રાણીઓને લાવવાની તૈયારી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

Most Popular

To Top