Dakshin Gujarat

ગણદેવી: પ્રેમસંબંધ તૂટતા પ્રેમીએ અર્ધ નગ્ન હાલતમાં પરિણીતાના ઘરે જઈ હંગામો મચાવ્યો

ગણદેવી: (Gandevi) ગણદેવી પૂર્વપટ્ટીના વડસાંગળ ગામે પરિણીતા સાથે પ્રેમસંબંધ (Love Affairs) પૂર્ણ થઇ જતા પ્રેમીએ મોડી રાત્રે અર્ધ નગ્ન હાલતમાં પરિણીતાના ઘરે પહોંચી પરિણીતાના પતિ સહીત પરિવારજનોને માર મારી તોડફોડ કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે લોકોએ પોલીસને (Police) બોલાવતા પોલીસે પ્રેમી યુવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

  • વડસાંગળમાં પ્રેમસંબંધ તૂટતા પ્રેમીએ અર્ધ નગ્ન હાલતમાં પરિણીતાના ઘરે હંગામો મચાવ્યો
  • પ્રેમીએ પરિણીતાના ઘરે પહોંચી તેના પતિ સહીત પરિવારજનોને માર મારી તોડફોડ કરતા ધરપકડ

ગણદેવી તાલુકાના વડસાંગળ ગામના ડુંગરી ફળિયામાં રહેતા ભાવેશ ઉર્ફે સોલે પ્રવિણભાઈ પટેલનું એક પરિણીતા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. જે સંબંધ બાબતે પરિણીતાના પરીવારને જાણ થતાં પરિણીતાએ પ્રેમ સંબંધ તોડી નાંખ્યા હતા. પરંતુ પ્રેમી ભાવેશને આઘાત લાગતા તેણે મોડી રાત્રે 11 વાગ્યે કુવામાં પડી મરવાનું નાટક કરી હંગામો કર્યો હતો. જે બાદ ગ્રામજનોએ દરમિયાનગીરી કરતા ભાવેશ ઘરે પરત ફર્યો હતો. પરંતુ ત્યારબાદ મોડી રાત્રે અર્ધનગ્ન હાલતમાં આવી હાથમાં લાકડું લઈ પરિણીતાના ઘરે ધસી આવ્યો હતો.

અને પરિણીતાના પતિને ફટકા મારી ઘાયલ કર્યો હતો. જેને બચાવવા જતા પરિણીતા અને તેની જેઠાણીને પણ વિફરેલા ભાવેશે માર માર્યો હતો. તે સાથે ઈંટના ઘા કરતા લાઈટ મીટર અને ખુરશી તોડી નાખ્યાં હતા. તેમજ જાતિ વિષયક અપશબ્દો બોલ્યો હતો. જોકે સ્થાનિકોએ ગણદેવી પોલીસને જાણ કરતા પોલીસે પહોંચી હતી. અને પ્રેમી ભાવેશ ઉર્ફે સોલેની ધરપકડ કરી હતી. આ બનાવ અંગે ગણદેવી પોલીસે ભાવેશ ઉર્ફે સોલે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઇ. ગૌરવ પટેલે હાથ ધરી છે.

યુવાન અને તેના ભાઇની હત્યાનો પ્રયાસ કરનાર સરીગામના રાયબંધુઓને 3 વર્ષની કેદ
વાપી : સરીગામના બહુચર્ચીત અને 14 વર્ષ 10 મહિના અને 8 દિવસ જૂના કેસનો ચૂકાદો વાપી કોર્ટ મંગળવારે જાહેર કર્યો હતો. જેમાં સરીગામના રાયબંધુઓએ સાથે મળી યુવાન અને તેના મોટાભાઈને લાકડી, તલવાર અને બંદુક વડે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં કોર્ટે રાયબંધુ 6 ઈસમને 3 વર્ષની કેદ અને દરેકને રૂ.11 હજારનો દંડ કરતો હુકમ જાહેર કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ગત 25-09-2007ના રોજ ફરિયાદી જિતેન્દ્ર લલિત કહાર (રહે.બજાર ફળિયા)નો નાનોભાઈ જીતેશ કહાર તેની ઓટોની દુકાનમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન જૂની અદાવત રાખી નિરજ અશોક રાય અને સાગર અશોક રાય બંને ભાઈ જીતેશની દુકાનમાં લાકડી અને તલવાર સાથે ધસી આવી જીતેશને માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન જિતેશનો મોટોભાઈ જિતેન્દ્ર આવી પહોંચતાં અશોક રાયે બંદુકથી ફાયરિંગ કરી જિતેન્દ્રના ડાબા પગે ઝાંઘમાં ઈજા પહોંચાડી હતા. દરમિયાન રાકેશ રાય, પપ્પુ ઉર્ફે સંતોષ રાય, પંકજ રાયએ ધસી આવી જીતેશ અને જિતેન્દ્રને લાકડી, તલવારથી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ઢળી પડેલા જિતેન્દ્ર કહારને રાકેશ રાયે તેની કાર વડે ટક્કર મારી હતી. માથામાં ગંભીર રીતે ઘવાયેલા જીતેશ અને લોહી લુહાણ જિતેન્દ્રને વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાયબંધુ વિરૂધ્ધ જિતેન્દ્ર કહારે પોલીસ ફરિયાદ નોંધાવતા આ કેસ છેલ્લા 14 વર્ષથી વાપી કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેની સુનાવણી હાથ ધરાતાં વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગએ હત્યાનો પ્રયાસ નહી પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિષ કરવાનાં ગુનામાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સરીગામના રાયબંધુ આરોપીઓ (૧) પપ્પુ ઉર્ફે સંતોષ રાય (૨) અશોક કમલાશંકર રાય (૩) નીરજ રાય (૪) રાકેશ રાય (૫) પંકજ રાય (૬) સાગરકુમાર અશોક રાયને દોષિત જાહેર કરી દરેક આરોપીને મહત્તમ ત્રણ વર્ષની કેદની સજા અને ૧૧,૦૦૦ દંડ ભરવાનો હુકમ કર્યો છે.

દરેક આરોપીને કઈ કલમ હેઠળ કેટલી સજા
દરેક આરોપી (૧) આઇપીસીની કલમ 147 માં 1 વર્ષની સજા અને 500 દંડ (૨) આઇપીસીની કલમ 148 માં 1 વર્ષની સજા અને 5000 દંડ (૩) આઇપીસીની કલમ 323 સાથે કલમ 149 વાંચતા 6 મહિનાની સજા અને 500 દંડ અને આઇપીસી કલમ 308 સાથે વાંચતા કલમ 149 માં 3 વર્ષની સજા અને 5000 દંડ ભરવાનો હુકમ અને તમામ સજા એકસાથે ભોગવવાનો હુકમ જાહેર કર્યો છે.

Most Popular

To Top