SURAT

મોટા વરાછામાંથી મચ્છરોનો ત્રાસ દૂર કરવા પાલિકાએ આ કામ કર્યું

વરાછા જેવી કામગીરી સુરતના દરેક વિસ્તારમાં કરવામાં આવે તો આખું શહેર મચ્છરમુક્ત બને
સુરત: ચોમાસું પુરું થયા બાદ ફરી એકવાર ગરમીએ ઉપાડો લીધો છે. સુરતનું તાપમાન 35 ડિગ્રીને વટાવી ગયું છે. વહેલી સવારે થોડી ઠંડક રહે છે ત્યાર બાદ તોબા પોકારી દેતી ગરમી પડી રહી છે. આકરી ગરમીના લીધે રાત્રે ઉંઘવું પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યાં બીજી તરફ મચ્છરના ઉપદ્રવના લીધે શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે.

મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયાના કેસો પણ શહેરમાં ચિંતાજનક હદે વધ્યા છે. મચ્છરોનો ત્રાસ વધતા સુરત મનપાએ ઝુંબેશ ઉપાડી મચ્છરોના બ્રિડિંગનો નાશ કરવાની કામગીરી ઉપાડી હતી, તે અંતર્ગત મોટા વરાછાના કમર્શિયલ કોમ્પલેક્સ અને રેસીડેનિશિયલ એપાર્ટમેન્ટ, સોસાયટી મળી કુલ 29 ઠેકાણે તપાસ કરી મચ્છરોના બ્રિડિંગનો નાશ કરવા સાથે કસૂરવારો પાસેથી દંડની વસૂલાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને સુરત મનપા કમિશ્નરના આદેશ મુજબ મનપાના વી.બી.ડી.સી. વિભાગીય કામગીરીને ઝુંબેશરૂપી કાર્યવાહી હાથ ધરવા સૂચન આપવામાં આવી હતી, જેના પગલે એડીશનલ સિટી ઇજનેર (સિવીલ), સુરત મહાનગરપાલિકાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્ય અધિકારી તથા આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી નવો પૂર્વઝોન (સરથાણા)ના સીધા સુપરવિઝન હેઠળ તા. 12 થી તા.14 ઓક્ટોબર દરમિયાન મોટા વરાછા ખાતે ચાલી રહેલી કુલ 85 બાંધકામ સાઇટ ખાતે વી.બી.ડી.સી. વિભાગીય કામગીરી કરાવવામાં આવી હતી.

આ બાંધકામ સાઈટ પરથી મચ્છરજન્ય બ્રિડિંગ નાશ કરાયા
આ 85 બાંધકામ સાઈટ પર મચ્છરના બ્રિડીંગ મળી આવ્યા હતા. તેથી પાલિકા દ્વારા અનુક્રમને કુલ (1)આઇ.ટી.પાર્ક, (2) રિયો બિઝનેસ હબ, (3)નિલગીરી હાઇટસ, (4) વરદાન હાઇટસ, (5) સાજન બંગ્લોઝ, (6) એસ.એમ.સી આરોગ્ય કેન્દ્ર (બાંધકામ)વોર્ડ-બી., (7) પ્રિયંક એવન્યુ, (8) એસ.એમ.સી શોપીંગ(બાંધકામ), (9) રંગીલા પાર્ક, (10) અવધ પલ્સબેરી, (11) ધારા હોમ્સ, (12) સિલ્વાસા સ્ટોન, (13) ઇડન ઇમ્પીરીયલ, (14) સિગ્નેચર હાઇટસ, (15‌) દેવમ હાઇટસ, (16) પ્રથમ એવન્યુ, (17) તુલીપ રેસી., (18) ગ્રીનવ્યુ હાઇટસ, (19)કેદાર હિલ્સ, (20) ગોપીન રિવર વિલે, (21) શાંતિનિકેતન સોસા., (22) અનમોલ રો.હા., (23) વ્રજભુમી રો.હા., (24) અંબિકા પિનેકલ રેસી., (25) સત્યમ રો.હા., (26) અનંતા હાઇટસ, (27) દ્વારકેશ સોસાયટી, (28) ગ્લોરી હાઇટસ, (29)‌ સુમેરુ સીટી મોલ બાંધકામ ખાતેથી કુલ 1,82,500 જેટલો વહિવટી પરચુરણ ખર્ચની વસુલાત કરવામાં આવી છે. તેમજ બ્રિડીંગનો સ્થળ ઉપર નાશ કરાવવાની કામગીરી કરાવવામાં આવી હતી.

મનપાએ 1,92,000 દંડ વસૂલાયો
સમગ્ર કામગીરીમાં કુલ 3 આરોગ્ય નિરીક્ષક, 1 મદદનીશ આરોગ્ય નિરીક્ષક, 1 પ્રાયમરી હેલ્થ સુપરવાઇઝર, 7 પ્રાયમરી હેલ્થ વર્કર તથા 43 બેલદાર મળીને કુલ 07 ટીમ દ્વારા સ્થળ ઉપર પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. તેમજ ઇન્ટ્રાડોમેસ્ટીક સર્વે (ઘરે ઘરે સર્વે) કરવાની કામગીરી અંતર્ગત કુલ 3 પ્રાયમરી હેલ્થ વર્કર તથા 13 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા કુલ 6837 ઘરોમાં સર્વેની કામગીરી કરી કુલ 12,635 બ્રિડીંગ સ્પોટ ચેક કરતાં કુલ 47 બ્રિડીંગનો નાશ કરાવી સોર્સ રિડક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ 10,000 મળી કુલ 1,92,000 વહિવટી પરચુરણ ખર્ચની વસુલાત કરવામાં આવી છે. આમ સમગ્ર કામગીરી દરમ્યાન કુલ 28 સુપરવાઇઝર સ્ટાફ તથા કુલ 43 બેલદારને રોકીને કામગીરી કરાવડાવવામાં આવી છે.

અઠવાડિયે એક વાર સફાઈ કરાવવા બિલ્ડરોને સૂચના
બાંધકામ ધારકોને જણાવવાનું કે તેઓ પોતાની બાંધકામ સાઇટ ખાતે મચ્છરજન્ય પરિસ્થિતિ નિવારવા દર અઠવાડીક એક દિવસ તમામ પાણી ભરાવાને સ્થળે ડિઝલનો છંટકાવ કરવા ઉપરાંત સાઇટ ખાતે રહેતાં મજૂરોને મચ્છરદાનીની સુવિધા પુરી પાડવા અનુરોધ કરવામાં આવે છે તેમજ રહેણાંક વિસ્તારના રહીશોને પાણી ભરવાના તમામ પાત્રોને દર અઠવાડીયે એક દિવસ અંદરની સપાટી ઘસીને સાફ કરીને સૂકવીને ઉપયોગમાં લેવા અનુરોધ કરવામાં આવે છે.

Most Popular

To Top