Health

વેક્સિન લેવાની બાકી હોય તો સુરત મનપાના આ નંબર પર ફોન કરો..

સુરત: શહેરમાં વેક્સિનેશન (Vaccination ) ઝડપથી થાય એ માટે સુરત મનપા (Surat Municipal Corporation ) દ્વારા હવે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. તેમજ સોસાયટીમાં 10થી વધુ લોકો વેક્સિનેશનને લાયક હોય તો તેમને પણ સ્થળ પર જઈ વેક્સિન આપવામાં આવી રહી છે. વધુમાં વધુ લોકો આ સવલતનો લાભ લે એ માટે મનપા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

મનપા દ્વારા વેક્સિનેશન માટે ટોલ ફ્રી નંબર 1800 123 8000 જાહેર કરાયો છે. જેમાં સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સ્થળોએ રસીકરણની કામગીરી કરવામાં આવશે. છેલ્લા 3 દિવસમાં મનપાને 6 જેટલી સોસાયટીએ ટોલ ફ્રી નંબરનો સંપર્ક કર્યો હતો. જેમાં 125થી વધુ લાભાર્થીએ મોબાઈલ ટીમ મારફત વેક્સિન લીધી હતી.

દિવાળીમાં બહાર ફરવા જનારા લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે: મનપાની અપીલ

આગામી દિવાળીના તહેવાર દરમિયાન શહેરીજનોને ફરજિયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા વગેરે જેવી કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. સુરત શહેરની બહાર ફરવા જતા તમામ શહેરીજનોને મનપા દ્વારા અનુરોધ કરાયો છે કે, બહાર ફરવા જનારા ગાઈડલાઈનનું પાલન કરે. આથી જ્યારે પણ તેઓ શહેરમાં પાછા ફરે ત્યારે કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણની શક્યતા ઘટી જાય. આ સાથે તમામ પાત્રતા ધરાવતા નાગરિકો કોવિડ વેક્સિન પણ જલદીથી લઈ લે તેવી અપીલ કરાઈ છે.

નોંધનીય છે કે, કોરોનાની ત્રીજી લહેર ત્રાટકે તેવી આશંકાના પગલે સુરત મનપાનું આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે. તહેવારોના લીધે શહેરમાં ઠેરઠેર લોકોની ભીડ જોવા મળી રહી હોય કોરોના બિમારી ફરી માથું ઊંચકે તેવો ભય ઉભો થયો છે, તેથી સુરત મનપાનું આરોગ્ય તંત્ર કોઈ ગફલત રાખવા માંગતું નથી.

આ અગાઉ ગયા વર્ષે દિવાળીમાં કોરોનાની પહેલી લહેર શાંત પડ્યા બાદ લોકોએ સાવચેતી રાખી નહોતી, જેના લીધે માર્ચ-એપ્રિલમાં કોરોનાની બીજી લહેર ત્રાટકી હતી અને ખૂબ જ ખાનાખરાબી સર્જી હતી. અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓક્સિજન, ઈન્જેક્શન અને હોસ્પિટલોમાં બેડની અછત વર્તાઈ હતી, તેવી સ્થિતિ ફરી ઉભી નહીં થાય તે માટે સુરત મનપાના તંત્રએ લોકોને તહેવારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે.

Most Popular

To Top