SURAT

સુરત મેટ્રોના લીધે થતાં ટ્રાફિકથી છૂટકારો મેળવવા ચોક બજારનો આ ગાર્ડન તોડી પડાશે

સુરત: (Surat) શહેરમાં મેટ્રોની (Metro) કામગીરીને લઈ હાલ ઠેર-ઠેર રસ્તાઓ (Road) બંધ (Closed) કરવામાં આવ્યા છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવાતા ટ્રાફિકની (Traffic) ઘણી સમસ્યા થઈ રહી છે. ચોક ચાર રસ્તાથી લઈ ગાંધી બાગ (Gandhi Bag) સુધીનો રસ્તો પણ બંધ કરાયો છે. તેમજ અઠવા પોલીસ સ્ટેશનથી ક્વોલિટી રેસ્ટોરન્ટ તરફ જવા એક જ સાંકડો રસ્તો હોય આ એરિયામાં ટ્રાફિકની ઘણી સમસ્યા રહેતી હોય છે. જેને લઈ સ્થાયી સમિતિની મીટીંગમાં સભ્ય વ્રજેશ ઉનડકટ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે, લાલા લજપતરાય ગાર્ડન (Lala Lajpat Rai Garden) હાલ કોઈ ઉપયોગમાં નથી ત્યાં અસામાજીક તત્વો જ બેસેલા હોય છે તેમજ આ ગાર્ડનમાં અઠવા પોલીસ સ્ટેશને જપ્ત કરેલા વાહનો પડેલા છે અને આ ગાર્ડનની ફરતે પણ ઘણા દબાણો થાય છે. જેથી લાલ લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો કાઢવામાં આવે કે જેથી સાગર હોટલની બાજુના રોડ પર સીધા જઈ શકાય. હાલ લોકોને રસ્તાઓ બ્લોક હોય ફરી ફરીને જવાનો વારો આવ્યો છે. જો આ રસ્તો બનાવી દેવાશે તો ટ્રાફિકનું ભારણ પણ ઓછુ થશે. આ અંગે સ્થાયી અધ્યક્ષે સ્થળ વિઝીટ કરીને નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

મનપા હવેથી જરૂરિયાત હોય તેવી શાળાને રમતગમત માટે પ્લોટ ભાડેથી આપશે
સુરત: સુરત મનપા દ્વારા હવે આવકના સ્ત્રોત ઊભા કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. શહેરમાં મનપાના ઘણા એવા પ્લોટ જ્યાં હાલ કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ ન હોવાથી આવા પ્લોટ ખાલી પડી રહ્યા છે. જેથી મનપા દ્વારા આવા પ્લોટ શાળાઓને જરૂર હશે તો આપીને ભાડું વસૂલાશે અને આવક ઊભી કરાશે. હાલ મનપા દ્વારા અઠવા ઝોનમાં ટી.પી સ્કીમ નં.13 (વેસુ-ભરથાણા), ફા.પ્લોટ નં.186 ખાતે મનપાના 1320 ચો.મી.નો પ્લોટ સેન્ટ થોમસ હાઈસ્કૂલને ભાડેથી આપવાનો નિર્ણય લીધો છે. 6 મહિના માટે રૂ.1.25 પ્રતિ ચો.મી/ પ્રતિદિન ભાડું વસૂલી આ પ્લોટની ફાળવણી શાળાને રમત-ગમતના હેતુસર ફાળવાયો છે. જેથી આ પ્લોટનું મેઈન્ટેનન્સ પણ થઈ શકે તેમજ મનપાને પણ આવક થઈ શકે.

ફૂડકોર્ટ માટે પ્લોટ પ્લાનિંગ કરીને આપી મનપા આવક ઊભી કરશે
મનપા દ્વારા ફૂટકોર્ટ માટે પણ ખાલી પ્લોટ ટેન્ડર કરી આપવાનો નિર્ણય કરાયો છે, જેમાં સુરત મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પ્લોટનું પ્લાનિંગ કરીને આપવામાં આવશે કે જેમાં કેટલી જગ્યા ઓપન, પાર્કિંગ માટે અને ફૂડ સ્ટોલ માટે ફાળવવી તેનો ઉલ્લેખ કરાશે. અને પ્લોટની અપસેટ વેલ્યુ નક્કી કરી ટેન્ડર બહાર પાડી આ પ્લોટ આપવામાં આવશે. જેમાં પણ મનપાને આવક ઊભી થશે.

ખાનગી સોસાયટીના સર્વિસ ગલીમાં પેવર બ્લોક માટે નગરસેવકો પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરી શકશે
શહેરની ખાનગી સોસાયટીઓમાં રસ્તા માટે રાજ્ય સરકાર, મનપા અને સોસાયટી લોકફાળામાંથી ફંડની ફાળવણી થતી હતી. જેમાં રસ્તાની સર્વિસ ગલી માટે સિમેન્ટનો ઢોળ કરાતો હતો. પરંતુ જ્યારે સોસાયટીમાં ડ્રેનેજ કે પાણી લાઈનમાં કોઈ કામગીરી કરવાની થાય ત્યારે રસ્તાનું ખોદાણ કરવું પડે છે. જેથી રસ્તો બગડે છે. જેથી હવે આવી સર્વિસ ગલીઓમાં પેવર બ્લોક નાંખવાનો નિર્ણય સ્થાયીમાં લેવામાં આવ્યો છે. અને તે માટે કોર્પોરેટરોની ગ્રાંટ ઉપયોગમાં લેવાશે તેમ સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું.

Most Popular

To Top