SURAT

સુરતમાં ફરી પકડાયું એમડી ડ્રગ્સ, 1.79 કરોડનું ડ્રગ્સ હવે આ વિસ્તારમાંથી મળી આવ્યું

સુરત: (Surat) સુરતના અમરોલી વિસ્તારમાંથી 2 કિલોથી વધુ એમડી ડ્રગ્સ (MD Drugs) પકડ્યા બાદ મંગળવારે સુરત શહેર પોલીસે (Surat Police) સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાંથી એક કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. મેફડ્રોન કે એમડી ડ્રગ તરીકે ઓળખાતા આ ડ્રગ્સનો (Drugs) જથ્થા સાથે પોલીસે ચંદન લક્ષ્મણ શર્મા નામના ઇસમને પકડી પાડ્યો છે. પોલીસે આ વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ વ્યક્તિને ડ્રગ્સ પહોંચાડનાર અન્ય કોઈ ઇસમ છે. પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે.

પાંડેસરા બમરોલી વિસ્તારમાંથી પોલીસને ચંદન લક્ષ્મણ શર્મા નામના ઇસમ પાસેથી 1 કિલો 797.8 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. ચંદન પ્લોટ નંબર 530, બીજા માળે, અપેક્ષાનગર સોસાયટી બમરોલી ખાતે રહે છે. આ આરોપી મૂળ બિહાર માધોપુરનો રહેવાસી છે. તે પટનાની કોલેજમાં ભણતા હતો. તે 2018માં સુરત ખાતે આવ્યો હતો અને કૈલાશ કેટરર્સમાં કામ કરવા લાગ્યો હતો.

આ ઇસમ પાસેથી પોલીસને જે જથ્થો મળી આવ્યો છે તેની કિંમત 1 કરોડ 79 લાખ 78 હજાર જેટલી છે. ડ્રગ્સ વેચાણના બીજા ચાર લાખ રૂપિયા પણ પોલીસે તેની પાસેથી કબ્જે કર્યા હતા. ગઈકાલે પોલીસને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે ચંદન નામના વ્યક્તિએ ગેરકાયદેસર નાર્કોટીક્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત પદાર્થનો જથ્થો પાંડેસરા બમરોલી રોડ ખાતેના તેના મકાનમાં સંતાડી રાખ્યો છે. જેને આધારે પોલીસે રેડ કરી હતી.

પોલીસે ચંદન વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ અને 1985ની કલમ 8 (સી) 22(સી) અને 29 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપીની ઘરની પરિસ્થિતિ જોતા તે મુખ્ય આરોપી હોવાનું જણાઈ આવ્યું નથી. કોઈ અન્ય વ્યક્તિ આવીને તેને જથ્થો આપીને જતો હતો. આ મુખ્ય આરોપીની તપાસ પોલીસ કરી રહી છે.

યુવાઓને આ ગેરકાયદે પ્રવૃત્તિમાંથી બહાર લાવવાનો અમારો પ્રયાસ- (અજય તોમર, સુરત શહેર પોલીસ કમિશનર)
સુરત શહેરના ઔદ્યોગિક અને વ્યાપારિક વિકાસથી આકર્ષાઈને કેટલાક લોકો સુરતમાં ગેરકાયદેસર ધંધાઓ માટેના પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને યુવાન પેઢીને આવા ગેરકાયદે ધંધાઓમાં લઈ જઈ જવાઈ રહ્યા છે. જેના વિરૂદ્ધમાં સપ્ટેમ્બર 2020થી અમારો અભિયાન નો ડ્રગ્સ ઈન સુરત સિટી ચાલુ છે. આ ડ્રાઈવમાં બે વર્ષમાં અમે મહદ અંશે સફળ રહ્યા છીએ. ગઈકાલે અમે અમરોલી વિસ્તારમાંથી 2 કિલોથી વધુનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આજે પાંડેસરા બમરોલી વિસ્તારમાંથી મેફડ્રોન પકડ્યું છે.

Most Popular

To Top