Dakshin Gujarat

નાસિક તરફથી ટ્રેકટરનો સામાન ભરી સુરત તરફ જઈ રહેલી પીકઅપ વાન પલટી ગઇ

સાપુતારા : મહારાષ્ટ્રનાં (Maharastra) નાસિક તરફથી ટ્રેકટરનો સામાન ભરી સુરત (Surat) તરફ જઈ રહેલી પીકઅપ વાન ન. એમ.એચ.15.ટી.વી.7483 જે શામગહાનથી વઘઇને સાંકળતા આંતરરાજય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ પીકઅપ વાન પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાન સહિત માલ સામાનનાં જથ્થાને નુકશાન થયુ હતુ. જ્યારે ચાલકને નજીવી ઇજાઓ પહોચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

સુબિરનાં કરંજડા ગામ નજીક ગેસનાં બાટલા ભરેલી વાન ખીણમાં ખાબકી
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સુબિરથી ગેસનાં બાટલા ભરી ગામડે વિતરણ કરવા જઈ રહેલી પીકઅપ વાન સુબિરથી કરંજડાને જોડતા આંતરીક ધોરીમાર્ગમાં ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાનને જંગી નુકસાન થયુ હતુ. જોકે પીકઅપ વાનમાં ભરેલા ગેસનાં બાટલા લીકેજ નહીં થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાનનાં ચાલક સહિત સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.

અંકલેશ્વર નજીક હાઈવે પર ટેમ્પોચાલકે રિક્ષાને ટક્કર મારતાં બાળકનું મોત, ૩ને ઇજા
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીક આઈસર ટેમ્પોચાલકે રિક્ષાને ટક્કર મારતાં ૬ વર્ષીય બાળકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના કોસમડી ગામના પટેલ ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય મહેન્દ્ર મોહન પટેલ ગત રોજ પોતાના સાળાની રિક્ષા લઇ પાદરાના કુરાલ ગામ ખાતે રહેતી તેઓની બહેન અલ્કા ભાવેશ પટેલને લેવા ગયા હતા. તેમનાં બહેન અને ભાણી વિધિ તેમજ ભાણેજ પ્રેમકુમારને લઇ અંકલેશ્વર ખાતે આવી રહ્યા હતા, એ દરમિયાન રાતે આઠ વાગ્યાના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વર્ષા હોટલ પાસેના યુ ટર્ન નજીકથી પસાર થઇ રહ્યા હતા, એ દરમિયાન આઈસર ટેમ્પોચાલક અચાનક યુ ટર્ન લઈ રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૬ વર્ષીય પ્રેમકુમારને ગંભીર ઈજા પહોંચતાં તેનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહેન્દ્ર પટેલ અને તેઓની બહેન તેમજ ભાણીને ઈજા પહોંચી હતી. અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top