SURAT

નેશનલ ગેમ્સનું સુરતમાં થશે ભવ્ય સમાપન, 18થી 20 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે સ્પોર્ટસ કાર્નિવલ

સુરત: (Surat) રાજ્યના 6 શહેરોમાં યોજાનાર 36માં નેશનલ ગેમ્સમાં (National Games) સુરત પણ સહભાગી થનાર છે. જે અંગે પ્રશાસન દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સુરત શહેરમાં યોજાનાર નેશનલ ગેમ્સમાં 4 વિવિધ રમતો રમાવા ઉપરાંત સુરતીઓને જલસા પાડી દે તેવા આયોજનો પણ કરવામાં આવનાર છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતીઓ માટે ખાસ સ્પોર્ટસ કાર્નિવલનું (Sports Carnival) આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ ગામઠી રમતો, બાળપણમાં રમાતી રમતો, ટ્રાઈબલ રમતો ઉપરાંત ડાન્સ, ફેન્સીડ્રેસ કોમ્પિટીશન આકર્ષણનું કેન્દ્ર હશે. સુરતીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે આ ગેમ્સના આયોજન દરમ્યાન સુરત મહાનગર પાલિકા દ્વારા સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં (Food Festival) 200 વાનગીઓ પીરસવામાં આવશે.

સાત વર્ષ બાદ યોજનાર 36માં નેશનલ ગેમ્સની જવાબદારી આ વર્ષે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનન દ્વારા ગુજરાત રાજ્યને સોંપવામાં આવી છે. જેમાં રાજ્યના 6 શહેરોમાં 36 રમતોનું આયોજન કરવામાં આવશે. જેમાં 21 ગેમ્સ અમદાવાદ ખાતે, 11 ગેમ્સ ગાંધીનગર ખાતે, સુરત ખાતે 4 ગેમ્સ, વડોદરા ખાતે 2 ગેમ્સ, રાજકોટ ખાતે 2 ગેમ્સ, ભાવનગર ખાતે 4 ગેમ્સ તથા 1 ગેમનું દિલ્હી ખાતે કરવામાં આવશે.

સુરતમાં યોજાશે આ રમતો
નેશનલ ગેમ્સમાં સુરતમાં 4 રમતો યોજાશે. 20 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર દરમ્યાન સુરતમાં ટેબલ ટેનીસ, 1 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમ્યાન બેડમીન્ટનની રમત યોજાશે. ઉપરાંત સુરતના ડુમસ બીચ ખાતે યોજાનાર રમત સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહેશે. સુરતના ડુમસ બીચ પર 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમ્યાન બીચ હેન્ડ બોલ યોજાશે. 6 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમ્યાન બીચ વોલીબોલની રમત યોજાશે. નેશનલ ગેમ્સનું સમાપન સમારોહ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 12 ઓક્ટોબરના રોજ યોજાશે.

સુરતમાં થશે ભવ્ય સમાપન
પાલિકા કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યું કે નેશનલ ગેમ્સની શરૂઆત અમદાવાદમાં થશે જ્યારે સમાપન સમારોહ સુરતમાં યોજાશે. સુરતમાં 12 ઓક્ટોબરના રોજ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ ભવ્ય સમારોહ યોજાશે. આ સમારોહની વિશેષતા એ હશે કે તેમાં તમામ દિગ્ગજ વિજેતાઓ ખેલાડીઓ ઉપસ્થિત રહેશે. જેઓને જોવાનો સુરતીઓને લ્હાવો મળશે. બચ્છાનિધિ પાનીએ જણાવ્યું કે કાર્યક્રમમાં કોઈ સેલિબ્રિટીને આમંત્રણ અપાયું નથી. સ્ટાર ખેલાડીઓ જ આપણા કાર્યક્રમના સેલિબ્રિટી હશે.

ફૂડ ફેસ્ટીવલમાં 200 જાતની વાનગીઓ સુરતીઓને જલસા પાડી દેશે
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે કેનાલ કોરિડોર અણુવ્રત દ્વારથી વીઆઈપી જંક્શન સુધીના પાથ પર સ્પોર્ટસ કાર્નિવલના ભવ્ય લાઈટિંગ કરવામાં આવશે. સાથે ફૂડ ફેસ્ટીવલ અને ગરબાની રમઝટ પણ બોલશે. તેમણે કહ્યું કે સુરતીઓ માટે ખાસ 18થી 20 તારીખ સુધી સ્પોર્ટસ કાર્નિવલમાં વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. ખાસ કરીને ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે 200 જાતના વ્યંજનો ફૂડ ફેસ્ટીવલમાં પરોસવામાં આવશે. કેનાલ કોરિડોર ખાતે આ સ્પોર્ટસ કાર્નિવલ યોજવામાં આવશે.

Most Popular

To Top