SURAT

મહારાષ્ટ્રની હોટલમાં સુરતનો આ જમીન દલાલ બેભાન મળ્યો

સુરત: (Surat) શહેરના વેસુ વિસ્તારમાં રહેતા જમીન દલાલ (Land Broker) એક યુવતી સાથે ગઈકાલે મહારાષ્ટ્રની બોર્ડર ઉપરની હોટલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ગયા બાદ રાત્રે બંને અર્ધબેભાન મળી આવ્યા હતા. તેમના સાથી મિત્રએ બંનેને નવી સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા. બંને કઈ રીતે બેભાન (Unconscious) થયા તે અંગે તેમને પણ ખબર ન હોવાનું તેમને પોલીસને જણાવ્યું હતું. જોકે ખટોદરા પોલીસે બંનેના નિવેદન લઈને મહારાષ્ટ્રના તલાસરી પોલીસને જાણ કરી હતી.

  • થર્ટી ફર્સ્ટ ઉજવવા ગયેલો વેસુનો જમીન દલાલ અને તેની મહિલા મિત્ર મહારાષ્ટ્રની હોટેલમાં અર્ધબેભાન મળ્યા!
  • વેસુનો જમીન દલાલ રવિ ગગલાણી મહિલા મિત્ર શ્વેતાની સાથે તલાસરીની સહ્યાદ્રી હોટલમાં ગયા હતા
  • પોલીસે પુછપરછ કરતાં બંનેએ પોતાને કંઈ ખબર નહીં હોવાનું જણાવ્યું, વધુ પડતા નશાને કારણે અર્ધબેભાન થયાની સંભાવના
  • જમીનદલાલના મિત્રએ બંનેને સુરતની નવી સિવિલ હોસ્પિ.માં ખસેડ્યા, તલાસરી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

નવી સિવીલ હોસ્પિટલના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ સ્થિત શિવસાગર એપાર્ટમેન્ટમાં રહેતાં 40 વર્ષીય રવિ હરીશ ગગલાણી જમીન દલાલ છે. ગઈકાલે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે તેઓ બપોરે મહારાષ્ટ્રની બોર્ડર નજીકના તલાસરીની સહ્યાદ્રી હોટલમાં શ્વેતા નામની યુવતી સાથે ગયા હતા. જ્યાં બંને અર્ધબેભાન મળી આવતા રવિના મિત્ર નરેશે બંનેને નવી સિવિલમાં ખસેડ્યા હતા.

બંને નશાની હાલતમાં હોવાથી તેમને સેમ્પલ લઈને પોલીસે વધારે પુછપરછ કરી હતી. બંને જણાને આ અંગે કઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. વધારે દારૂ પીવાથી અર્ધબેભાન થયા હોય તેવું હાલ જણાઈ આવે છે. જમીન દલાલ રવિ બે દિવસ અગાઉ કામરેજ નજીક ગાયપગલા જવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ તેઓનો સંપર્ક નહીં થતાં મિત્ર નરેશને ફોન ઉપર જાણ થઈ હતી. અને તે તલાસરી જઇને રવિ અને શ્વેતા વિજયરત્ન તતાયનલ્લી (ઉ.વ.30) ને નવી સિવિલમાં લઈ આવ્યો હતો. મહારાષ્ટ્રના તલાસરી પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.

શહેરમાં 31 ડિસેમ્બર નાઇટમાં પોલીસે 238 પીધેલાને પક્ડયા

સુરત : વર્ષ 2021ની છેલ્લી નાઇટમાં કુલ 238 પીધેલાઓને પોલીસે પકડયા હતાં. નશામાં ચકચૂર હોય તેવા લોકોનું સાંજથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં માઉથ એનેલાઇઝરનો ઉપયોગ કરીને કુલ 238 લોકોને ઝબ્બે કરીને જેલ ભેગા કરવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સઘન ચેકિંગ દરમિયાન લોકોમાં ભાગમભાગ થઇ ગઇ હતી. દરમિયાન પચાસ ટકા કરતા વધારે લોકો ડુમસ રોડ પર પોલીસની ડ્રાઇવ દરમિયાન ઝડપાયા હોવાની વિગત જાણવા મળી છે. પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન એમવી એકટની કલમ 185 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top