SURAT

ભારે વરસાદની આગાહીને પગલે ઉકાઈ ડેમમાં પાણીની મોટી આવક થવાના સંકેત

સુરતઃ (Surat) રાજસ્થાન ઉપર બનેલી પ્રબળ લો પ્રેશર સિસ્ટમ અને મધ્યપ્રદેશ પર બનેલી અપર એર સર્કયુલેશન આગામી ત્રણેક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) માટે આફત નોતરી શકે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. શહેર સહિત જિલ્લાના (District) તમામ તાલુકાઓમાં ગઈકાલ રાતે પણ અવિરત વરસાદ (Rain) વરસવાનું ચાલું રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓડિશા પર એક લો-પ્રેશર સક્રિય થયું છે. જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને ગુજરાતની બોર્ડર પર હોવાથી દક્ષિણ ગુજરાત માટે મોટી આફત નોતરી શકે છે. ત્રણેક દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ચાર-પાંચ દિવસથી રાત્રે ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે પણ શહેરમાં ભારે વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં રાત્રે એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય તમામ તાલુકાઓમાં પણ રાત્રે સામાન્ય થી અઢી ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

હથનુર ડેમના ચાર ગેટ અડધો ફૂટ ખોલાયા
પશ્ચિમ બંગાળમાં બનેલી લોપ્રેશર સિસ્ટમને પગલે મધ્યપ્રદેશ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં બીજી બાજુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાતા ગુજરાત અને મધ્યપ્રદેશ તથા બોર્ડર વિસ્તાર પર ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં વરસાદની આગાહી એટલે ઉકાઈ ડેમમાં પાણીની મોટી આવક થવાના સંકેત કહેવાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ વીતેલા ચોવીસ કલાકમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં આવેલા ટેસ્કામાં ત્રણ ઇંચ, લખપુરી, દેડતલાઈ, ભુસાવલ, ગીરનાડેમ, દહીંગાવ, ધુલિયા અને સાગબારામાં એક થી સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગોપાલખેડા અને બુરહાનપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઈ ડેમની સપાટી આજે 315.54 ફુટ નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી એક હજાર ક્યુસેક પાણીની આવક અને જાવક ચાલું રાખવામાં આવી હતી. હથનુર ડેમની સપાટી 153.10 મીટર નોંધાવાની સાથે હથનુર ડેમના ચાર ગેટ અડધો ફૂટ ઓપન કરી 3364 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આગામી ત્રણ દિવસમાં જો ભારે વરસાદ પડશે તો ડેમમાં પાણીના નવા નીર આવે તેવી સંભાવના છે.

  • જિલ્લામાં નોંધાયેલો વરસાદ
  • તાલુકા વરસાદ (મીમી)
  • ઉમરપાડા 00
  • ઓલપાડ 41
  • કામરેજ 25
  • ચોર્યાસી 66
  • પલસાણા 37
  • બારડોલી 26
  • મહુવા 08
  • માંગરોળ 03
  • માંડવી 06
  • સુરત 25

ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી
હવામાન વિભાગની આગાહી બાદ આગામી પાંચ દિવસ દરિયા કાંઠે ભારે કરંટ રહેવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વચ્ચે 8મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડી શકે છે. જેથી બે-ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. જે માછીમારો દરિયામાં ગયા હોય તેમને પણ પરત બોલાવી લેવાયા છે.

Most Popular

To Top