SURAT

‘તુ મેરે કો દૂસરો કે સામને ક્યુ ગાલી દેતા હૈ’ કહીને સુરતમાં યુવક પર ચપ્પુ વડે હુમલો

સુરત : લિંબાયતમાં ઘરમાં ઘુસીને યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતના મીઠીખાડી પાસે રહેતા સાકીર ફારૂક શાહએ મીઠીખાડી વિસ્તારમાં જ રહેતા સલમાન ઉર્ફે સલમાન લચ્છી, ઇમરાન ઉર્ફે ઇમરાન ભત્તીજા, આસીફ ઉર્ફે ભાંજા અને અકરમ કાસમ શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, સાકીર પોતાના પરિવાર સાથે ઘરની પાસે ઊભો હતો ત્યારે ત્યાં સલમાન સહિત અન્ય યુવકો આવ્યા હતા. આ તમામએ ભેગા થઇને ‘તુ મેરે કો દૂસરો કે સામને ક્યુ ગાલી દેતા હૈ’ કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો. સાકીર કંઇ સમજે તે પહેલા જ સલમાન અને તેના મિત્રોએ ચપ્પુ વડે સલમાનની ઉપર હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રાંદેરમાં પોલીસથી ભાગવાના ચક્કરમાં પડી જતા યુવકનું મોત થયાનો આક્ષેપ
સુરત: ઉગત રોડ પર બોટનિકલ ગાર્ડન પીસીઆર વાનના કર્મી અને યુવક વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવકે દારૂ પીધાનો આક્ષેપ કરતા હાથાપાઈ થઈ હતી, જેમાં યુવક ભાગવા જતા પડી ગયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારે પોલીસને કારણે યુવકનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ ઉગત રોડ નજીક જુના મકાનમાં રહેતો 30 વર્ષિય વિકાસભાઈ અમૃતભાઈ આહીર રવિવારે રાત્રે બોટનિકલ ગાર્ડન પાસે બેઠો હતો. ત્યારે પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી. એક પોલીસ કર્મીએ વિકાસ પર દારૂ પીધાનો આક્ષેપ કરતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. બાદમાં પોલીસથી બચવા વિકાસ ભાગવા ગયો અને પડી ગયો હતો. તેને માથામાં ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વિકાસનું મોત પોલીસના મારથી અને નીચે પડવાથી થયાનો આક્ષેપ પરિવારે કર્યો હતો. વિકાસના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. આ અંગે રાંદેર પોલીસના જણાવ્યા મુજબ પોલીસને તે શંકાસ્પદ હાલતમાં જણાયો હતો. જેથી તેની પુછપરછ કરે તે પહેલા જ તે ખેંચ આવવાથી તે પડી ગયો હતો.

108 સમયસર નહીં આવી હોવાનો આક્ષેપ
મૃતકના ભાઈ તેજશે આક્ષેપ કર્યો હતો કે, પાનના ગલ્લા ઉપર પોલીસ સાથે ઝપાઝપી થતાં વિકાસ નીચે પડી ગયો હતો. ત્યારે પોલીસે 108ને કોલ કર્યો હતો. પરંતુ 108 એમ્બ્યુલેન્સ સમય પર નહીં આવતા તેને રિક્ષામાં જ નવી સિવિલમાં ખસેડ્યો હતો.

Most Popular

To Top