SURAT

સુરતના ભૂમાફિયાઓએ કરોડોની જમીન હડપવા કોર્ટને છેતરવા અજમાવેલી તરકીબ જાણી પોલીસ ચોંકી ગઈ

સુરત: શહેરના ભૂમાફિયાઓ (Land mafia) અત્યાર સુધી તેમની પાર્ટીને છેતરતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા શહેરમાં જમીનના મોટા માથા ગણાતા લોકોની ચીટિંગ (Cheating) કરવાની ઓપરેન્ડીથી ચોંકી ગઇ છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ન્યાયતંત્ર અને જમીનમાલિક સના મફત પટેલ સાથે છેતરપિંડી અને ખંડણી કરાઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં ચીટરોએ એકબીજાના નામે જ જમીનના દસ્તાવેજ ઊભા કરી કોર્ટમાં રજૂ કરીને તેના દસ્તાવેજ પુરાવા ઊભા કરી મૂળ માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ચોંકાવનારી વિગત જાણવા મળી છે. તેમાં ફ્રોડ દસ્તાવેજ રજૂ કરી પાંચ કરોડની ખંડણી સનાભાઇ પાસે માંગવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં કોર્ટને (Court) પણ છેતરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

કેવી રીતે કરી છેતરપિંડી?

ફરિયાદી દવેનભાઇ મફતલાલ પટેલ દ્વારા શહેરના ભૂમાફિયાઓ (1) રમેશભાઇ લક્ષ્મણભાઇ સાકરિયા ઉર્ફે રમેશ અમદાવાદી, (2) હરેકૃષ્ણ રમેશ સાકરિયા અને (3) હસમુખ પરસોતમ તાડા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચીટરો પૈકી રમેશ અને હરેકૃષ્ણ બાપ દીકરા છે. જેઓ સામે અગાઉ લેન્ડ ગ્રેબિંગના (Land Grabing) ગુનો દાખલ થયેલો છે. આ લોકો દ્વારા ન્યાયતંત્ર સાથે ખૂબ સિફ્તાઇથી ચીટિંગ કરવામાં આવી હતી.

  • જૂની તારીખમાં અંકલેશ્વરની ટ્રેઝરીમાંથી તા.30 સપ્ટેમ્બર-2014ના રોજ ઇસ્યુ થયેલા સ્ટેમ્પ પેપર ઉપર ચેડાં કરવામાં આવ્યાં હતાં.
  • તેમાં 2014ના સ્ટેમ્પ પેપરને તા.8 જાન્યુઆરી-2007નો બતાવીને ચેડાં કરવામાં આવ્યાં હતાં.
  • આ સ્ટેમ્પ પેપર 22 જાન્યુઆરી-2007નું લખીને તેને કાયદામાં ઇન્વેલીડ હોય તે રીતે બોગસ સાટાખત બનાવવામાં આવ્યું. તેમાં હરેકૃષ્ણ સાકરિયા નામના ઇસમનો આ ફ્રોડ સાટાખટમાં ઉમેરો કરવામાં આવેલો હતો.

નોટરીએ ગેરરીતિની હદ વટાવી દીધી, લાઇસન્સ 2009નું અને સહી સિક્કા 2007ના બતાવ્યા
આ ફ્રોડ દસ્તાવેજ (Fraud Documents) પર પી.કે.ચોખાવાલાના નામથી ફ્રોડ બોગસ સહી સિક્કા અને નોટરી (Notary) કરવામાં આવી હતી. નોટરી ચોખાવાલાએ આ દસ્તાવેજ 2007નો હોવાનું પ્રમાણિત કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ ત્યારે ચોંકી ગઇ જ્યારે આ નોટરીકર્તાનું લાઇસન્સ 2009ના વર્ષમાં ઇસ્યુ થયું હતું. આ દસ્તાવેજ પર બોગસ સાટાખત, પાવર ઓફ એટર્ની સહિત લખાણો મૂળથી બોગસ અને બનાવટી જૂની તારીખના મૂળથી જ ફ્રોડ રાઇટિંગવાળા હોવાનો ફ્રોડ દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા.

એડિ. સેશન્સ જજની કોર્ટ સાથે આ રીતે કરાઈ છેતરપિંડી
કરોડો રૂપિયાની જમીનના મૂળ માલિક સના મફત પટેલ હોવા છતાં વર્ષ-2016માં ફ્રોડ દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો. તેમાં હરિકૃષ્ણના નામનો ફ્રોડ દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો. રમેશ સાકરિયાના નામે પાવર ઓફ એટર્ની (Power Of Attorney ) બનાવવામાં આવી ત્યારબાદ રમેશ અને હરિકૃષ્ણ જેઓ જમીનમાં મોટા ચીટર હોવાનું માનવામાં આવે છે. આ લોકોએ હસમુખ તાડા સામે એવો દાવો કર્યો કે તેઓના નામનો જૂના સાટાખત છે, તેમને હસમુખ તાડા જમીનનો દસ્તાવેજ કરી આપતા નથી. હસમુખ તાડાએ કોર્ટ સામે આવીને આ દસ્તાવેજ કરવાની હા પાડી હતી. અને કોર્ટમાં ફ્રોડ દસ્તાવેજ રજૂ કરીને કોર્ટ સાથે છેતરપિંડી કરી હતી. આ દસ્તાવેજ તે સુરતના 12મા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં અંદરોઅંદર એકબીજા સામે દાવો કરવામાં આવ્યો હતો. અને ફરિયાદીને અંધારામાં રાખીને કોર્ટ સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી. દરમિયાન કોર્ટ સાથે દગો કરીને રેવન્યુ રેકર્ડમાં પણ ફરિયાદીની જમીનમાં હક્કો દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં નોંધ નંબર 8339 અન્વયે એન્ટ્રી દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top