Vadodara

શ્રીલંકાની આર્થિક બેહાલીથી ભારત પણ ધડો લે તે જરૂરી છે

આખરે જેનો ડર હતો તે જ થયું. શ્રીલંકાએ આર્થિક દેવાળું ફૂંક્યા બાદ પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના ભવનમાં ઘુસી જતાં રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે એવું સમજાતું જ હતું કે હવે ગમે ત્યારે શ્રીલંકામાં મોટી નવાજૂની થશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શ્રીલંકા છોડીને માલદિવ્સ ભાગી જતાં શ્રીલંકનો ભારે રોષે ભરાયા છે. શ્રીલંકાના વડાપ્રધાને રાજકીય અસ્થિરતા અને અવ્યવસ્થાને જોતાં દેશમાં ઈમરજન્સી લાગુ કરી દીધી છે. હજારોની સંખ્યામાં દેખાવકારો રાજધાની કોલંબોમાં સંસદ અને પીએમ આવાસમાં પણ ઘુસી ગયા છે. કોલંબોમાં સ્થિતિ બેકાબુ છે અને ટીવી પ્રસારણ પણ અટકાવી દેવાની ફરજ પડી છે.

શ્રીલંકામાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવ્યા છે. જોકે, લોકો તેમના પણ રાજીનામાની માંગ કરી રહ્યા છે. શ્રીલંકામાં અનેક સ્થળોએ પોલીસ અને નાગરિકો સામસામે આવી ગયા છે. લોકોનો રોષ રાજપક્ષે પરિવાર સામે છે. રાજપક્ષે પરિવારના સભ્યો દેશ છોડીને ભાગી રહ્યા હોવાથી લોકોનો રોષ બેવડાઈ જવા પામ્યો છે. સૌથી ખરાબ દશા પશ્ચિમ શ્રીલંકામાં છે. આ કારણે જ પશ્ચિમ પ્રાંતમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. લોકો સતત એવી માંગ કરી રહ્યા છે કે રાષ્ટ્રપતિ અને પીએમ, બંને આ સરકારમાંથી જતા રહે. પ્રદર્શનકારીઓ પર નજર રાખવા માટે શ્રીલંકામાં સુરક્ષા દળો દ્વારા હવાઈ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

શ્રીલંકામાં આ સ્થિતિ થવાનું ખરૂં કારણ સરકાર દ્વારા આચરવામાં આવેલો મોટાપાયે ભ્રષ્ટાચાર છે. ચીને શ્રીલંકામાં મોટાપાયે રોકાણ કરીને તેને દેવાદાર બનાવી દીધું. ચીને શ્રીલંકાના રાજકારણીએનો મોટી રકમો આપીને ખરીદી લીધા અને દેશની સંપત્તિને પોતાના ગજવે ઘાલી દીધી. ભ્રષ્ટાચારને કારણે શ્રીલંકામાં મોંઘવારી વધી ગઈ. આર્થિક સ્થિતિ કથળી ગઈ અને ફુગાવો એટલી હદે વધી ગયો કે એમ્બ્યુલન્સ માટે પણ પેટ્રોલ અને ડિઝલ મળવા અઘરા બની ગયા. લોકોએ એવું સમજી લીધું કે જ્યાં સુધી શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા અને વડાપ્રધાન વિક્રમસિંઘે છે ત્યાં સુધી શ્રીલંકાની સ્થિતિ સુધરે તેમ નથી. આ કારણે લોકો બંનેને હટાવવા માંગે છે. જે દેશમાં ઉદ્યોગપતિઓને વધારે મહત્વ આપવામાં આવે. નાના ઉદ્યોગોને બરબાદ કરવામાં આવે તેવા દેશની સ્થિતિ આવી થયા વિના રહેતી નથી. તે હકીકત છે.

શ્રીલંકા નાદાર થનાર પહેલો દેશ નથી. ભૂતકાળમાં અન્ય દેશો પણ નાદાર થયા છે. જેમાં વેનેઝુએલા, આર્જેન્ટિના, ગ્રીસ, આઈસલેન્ડ, રશિયા, મેક્સિકો તેમજ અમેરિકાનો સમાવેશ થાય છે. વેનેઝુએલામાં સરકારની ખોટી આર્થિક નીતિ અને વિદેશી કર્જને કારણે ફુગાવો એટલી હદે વધી ગયો હતો કે સરકારે 10 લાખ બોલિવરની નોટો છાપવી પડી હતી. આર્જેન્ટિનામાં પણ વિદેશી રોકાણકારો દ્વારા પોતાનું રોકાણ પાછું માંગવામાં આવતા હાલત ખરાબ થઈ ગઈ હતી. જેને કારણે વર્ષ 2020ના જુલાઈ માસમાં આર્જેન્ટિના કંગાળ થઈ ગયું હતું.

આવી જ રીતે 2001માં પોતાના કરન્સીને બદલે યુરોને અપનાવર ગ્રીસની આર્થિક હાલત પણ બગડી જવા પામી હતી. 2004માં એથેન્સ ઓલિમ્પિકના આયોજન માટે કરાયેલા ખર્ચને કારણે ગ્રીસએ દેવાળું ફુંકવું પડ્યું હતું. 2008માં આઈસલેન્ડ દેશમાં પણ બેંકોની નાદારીને કારણે આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી. લોકોના રોજગાર છીનવાઈ ગયા હતા અને બચત પુરી થઈ ગઈ હતી. 1994માં મેક્સિકોમાં પણ સરકારે ડોલરની સામે પોતાની કરન્સીનું અવમૂલ્યન કરતાં આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી. મેક્સિકોમાં જીડીપી 5 ટકા સુધી તૂટી ગયો અને તેને 80 બિલિયન ડોલરનું દેવું થઈ ગયું. જોકે, બાદમાં અન્ય દેશોએ તેને બેલઆઉટ પેકેજ આપ્યું ત્યારે મેક્સિકોની હાલત સુધરી હતી.

એવું નથી કે માત્ર નાના દેશોમાં જ આર્થિક સંકટો આવ્યા હોય. મોટા દેશમાં પણ આવી સ્થિતિ ઉદ્દભવી છે. 1998માં રશિયામાં પણ નાદારીની સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે 1991માં રશિયાનું વિઘટન થયું અને ત્યારબાદ તેની પર સતત દેવું વધતું જ ગયું. આ કારણે રૂબલનું અવમૂલ્યન કરવું પડ્યું. રશિયાની નાદારીની અસર છેક અમેરિકા, યુરોપ તેમજ એશિયાના બજારો સુધી અનુભવાઈ હતી. આવું જ અમેરિકામાં પણ થયું હતું.

1840માં અમેરિકામાં નહેરો તૈયાર કરવા માટે 80 મિલિયન ડોલરનું સરકાર દ્વારા દેવું કરવામાં આવ્યું અને તેમાં અમેરિકાના 19 રાજ્યો આર્થિક બેહાલીમાં આવી ગયા હતા. આ કારણે અમેરિકામાં પણ ભારે આર્થિક સંકટ સર્જાયું હતું. વિશ્વના આ દેશ તેમજ હાલમાં શ્રીલંકાની થયેલી આર્થિક બેહાલીમાં ભારતે પણ સબક લેવા જેવો છે. જે ભૂલ શ્રીલંકાના શાસકો દ્વારા કરવામાં આવી તેવી ભૂલ ભારતના શાસકો નહીં કરે તે જરૂરી છે અન્યથા ભારતમાં પણ શ્રીલંકા જેવી આર્થિક બેહાલી થઈ શકે છે તે નક્કી છે.

Most Popular

To Top