SURAT

સુરતમાં સતત બીજા વર્ષે ભક્તો વગર મંદિરના પરિસરમાં જ ફરી રથયાત્રા

સુરત: (Surat) સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની છ મુખ્ય રથયાત્રાઓ (Rathyatra) અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની (Bhagvan Jagannath) આ યાત્રામાં જોડાઈ છે. જોકે કોરોના કાળમાં ગત વર્ષે આ યાત્રા મોકૂફ રખાઇ હતી. ત્યારે આ વર્ષે પણ તંત્રની કડક ગાઇડલાઇનને કારણે ભગવાન નગરચર્યા નિકળ્યા ન હતા. માત્ર મંદિરના પરિસરમાં જ તમામ આયોજકોના રથ ફેરવવામાં આવ્યા હતાં. મંદિર (Temple) પરિસરમાં જગન્નાથ ભગવાનના ભક્તો દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. “હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના હરે હરે ” ના નાદ સાથે ભાવિક ભક્તોએ ઉત્સાહભેર મંદિર પરિસરમાં પરત ખેંચવામાં જોડાયા હતા.

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે વર્ષમાં એક જ વાર નગર ચર્યાએ નીકળતા હોય છે. શહેરમાં છ સ્થળો ઇસ્કોન મંદિર, વરાછા ઇસ્કોન, અમરોલી લંકા વિજય મંદિરની, સચિન જગન્નાથ મંદિર, પાંડેસરા જગન્નાથ નગર અને મહિધરપુરાની ગોળીયા બાવા મંદિરની રથયાત્રા છેલ્લા કેટલાક વર્ષોથી કાઢવામાં આવે છે. જોકે કોરોનાની મહામારીને કારણે તંત્રની કડક ગાઇડલાઇનના પગલે આ વર્ષે પણ મંદિરના પરિસરમાં જ કાઢવાનો આયોજકોએ નિર્ણય કર્યો હતો. મર્યાદિત સંખ્યામાં ભક્તો પરિસરમાં રથયાત્રામાં જોડાયા હતા. વિધિવત્ પૂજા અર્ચના તેમજ આયોજકો દ્વારા ઘર બેઠા દર્શન કરી શકે તે માટે ઓનલાઇન આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને ભક્તો દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

સુરતમાં જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ખાતે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી.  શ્રદ્ધાળુઓને કંટ્રોલ કરવા માટે મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવાઈ હતી. મંદિર પરિસરમાં જનાર શ્રદ્ધાળુઓ ઉપર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવાયું હતું. ઇસ્કોનમાં એકસાથે 200 લોકોને પરિસરમાં જવાની મંજૂરી હતી. એક સાથે 50 શ્રદ્ધાળુઓને એન્ટ્રી આપી રથ ખેંચવા દેવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ દ્વારા લવાયેલા ચઢાવા મંદિર ટ્રસ્ટ તરફથી સ્વીકારવામાં આવ્યા હતાં. જણાવી દઈએ કે સુરતમાં ઇસ્કોન મંદિરની 17 કિમીની રથયાત્રાનો રૂટ ઘટાડી પોલીસે પહેલા 3 કિમી કર્યો હતો, પછી 700 મીટર કરી દેતા મહંતો અકળાયા અને રથયાત્રા નહીં કાઢી રથને ફક્ત 200 મીટરના મંદિર પરિસરમાં ફેરવવાનો નિર્ણય લીધો હતો.

Most Popular

To Top