National

દુનિયાના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સનું દિવાળી બાદ લોકાર્પણ કરવાની તૈયારી

સુરત: (Surat) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામે સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે 66 લાખ ચોરસ ફુટમાં 2600 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટા ડાયમંડ બુર્સનું નિર્માણ થઇ રહ્યુ છે. આ બુર્સનું 85 ટકા કામ પુર્ણ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મંત્રી નિતિન પટેલ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના આગેવાનોએ ડાયમંડ બુર્સ (Diamond Bourse) કમિટિના અગ્રણીઓ સાથે નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે બુર્સ કમિટિના અગ્રણીઓ પદ્મશ્રી મથુર સવાણી, જીજેઇપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડિયા, લાલજીભાઇ પી.પટેલ સહિતના અગ્રણીઓ સાથેની ઔપચારિક વાતચીતમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બુર્સનું નિર્માણકાર્ય પૂર્ણ થશે તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતીનને આ બુર્સના લોકાર્પણ (Inauguration) સમારોહ માટે આમંત્રિત કરાશે. બુર્સને લગતો છેલ્લો અહેવાલ વડાપ્રધાનને મોકલવામાં આવ્યો છે. ડિસેમ્બર બાદ તેનું ઉદ્દઘાટન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

બુર્સ કમિટિ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે દિવાળી પછી વિધિવત બુર્સનું લોકાર્પણ કરવામાં આવશે. 1500 સ્કેવરફૂટથી મોટી ઓફિસોને ફર્નિચર માટે પણ ફાળવી દેવામાં આવી છે. બુર્સ કમિટિના આગેવાનો સાથેની બેઠક દરમિયાન વિજય રૂપાણી જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે 1.25 લાખ લોકોને રોજગારીના અવસરો પણ મળશે.

રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ થી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં સીધી રફ ડાયમંડની ખરીદી થઇ શકશે. બુર્સ કમિટિના ડિરેક્ટર મથુર સવાણીએ જણાવ્યું હતું કે 36 એકરની વિશાળ જગ્યામાં બુર્સનું નિર્માણ થયા પછી દેશ વિદેશથી બાયર્સ ડાયમંડ વેચાણ અને ખરીદી માટે સુરત આવી શકશે. બુર્સ કમિટિએ દુબઇ જેવ શહેરો સાથે સુરતને એર કનેક્ટિવિટિ મળે તેવી પણ રજઆત કરી છે. આ કાર્યક્રમમાં બુર્સ કમિટિના અગ્રણીઓ ચેરમેન વલ્લભ લાખાણી, ગોવિંદ ધોળકિયા ઉપરાંત મેયર હેમાલી બોઘાવાલા સાંસદ પ્રભુ વસાવા આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હાજર રહ્યા હતા.

પાલિકાની ખજોદ ડિસ્પોઝેબલ સાઇટ હટાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ
સુરત ડાયમંડ બુર્સની સાઇટની નજીક સુરત મહાનગર પાલિકાની ખજોદ ડિસ્પોઝેબલ સાઇટ આવેલી હોવાથી નજીકના વિસ્તારોમાં તિવ્ર દુર્ગંધ ફેલાય છે. તે જોતા આ સાઇટ ખસેડવા મુખ્યમંત્રીને બુર્સ કમિટિના આગેવાનોએ રજૂઆત કરી હતી. જીજેઇપીસીના રીજનલ ચેરમેન અને ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે આ મામલે પાલિકા કમિશનર બંછાનિધી પાનીને રજૂઆત કરવામાં આવી છે તેમણે છ મહીનામાં સાઇટ ક્લીયર કરી દેવાની તૈયારી બતાવી છે. પાલિકાએ લીલા અને સુકા કચરાના નિકાલ માટે એનટીપીસી સાથે કરાર પણ કર્યા છે.

સુરત નોલેજ સિટી અથવા આઇટી હબ ડ્રીમ સિટીમાં બનાવવા ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત
ગાંધીનગર ઇન્ફોસિટી અને અમદાવાદ નોલેજ સિટીની જેમ સુરતમાં આઇટી હબનું નિર્માણ કરવા ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા અને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. આ બન્ને આગેવાનોએ સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના બીજા ભાગ તરીકે સુરત આઇટી હબ બનાવવા માંગ કરતા મુખ્યમંત્રીએ 10 દિવસમાં પ્રેઝેન્ટેશન બનાવી રજૂ કરવા જણાવ્યું હતું. આ મામલે આગામી દિવસમાં વિજય રૂપાણી અને નિતિન પટેલની હાજરીમાં બેઠક યોજાશે. આઈટી ક્ષેત્રમાં કરિયર બનાવતા સુરતના યુવકોને નોકરી માટે મુંબઈ, પુણે અથવા તો બેંગ્લોરમાં જવું પડે છે.

Most Popular

To Top