SURAT

સુરત: કેનેડાના વર્ક વિઝાના બહાને નાનપુરાની એજન્સી દ્વારા સેંકડો લોકો સાથે લાખોની છેતરપિંડી

સુરત: રાંદેરમાં રહેતા અને એલપી સવાણી સ્કુલના શિક્ષક સાથે કેનેડા વર્ક વિઝાના નામે 4.39 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ અઠવા પોલીસે દાખલ કરી છે. દરમિયાન આરોપીઓએ બીજા લોકો સાથે પણ આ રીતે હાલ આશરે 50 લાખથી વધારેની છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું છે.

  • એલ.પી. સવાણી સ્કુલના શિક્ષકે અઠવા પોલીસમાં 4.39 લાખની છેતરપિંડીની ફરિયાદ કરતાં આખો મામલો બહાર આવ્યો
  • નાનપુરાની એક્લી-ધ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશન નામની સંસ્થાના માલિક ખંતિલ શાહ સહિત અન્ય બે દ્વારા આચરવામાં આવેલું કૌભાંડ

રાંદેર આનંદ મંગલ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય હર્ષિલભાઇ નિતીનભાઇ મિસ્ત્રીએ અઠવા પોલીસ સ્ટેશનમાં એક્લી ધ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશનના માલિક ખંતિલ અજયભાઇ શાહ (ઉ.વ-૩૬, ઠેકાણું- એક્લી ધ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશન નામની ઓફીસ, ત્રીજો માળ, એસ.એન.એસ એક્ષીસ બિલ્ડીંગ,મહાવીર હોસ્પિટલની બાજુમાં, નાનપુરા), રમેશભાઇ સુરેશભાઇ સોની (ઉ.વ.૩૨) અને ધ્વનીબેન ભાવીનભાઇ શાહ (ઉ.વ-૩૦) ની સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 28 ફેબ્રુઆરી 2021 થી તા. 8 ફેબ્રુઆરી 2023 સુધીમાં આરોપી ધ્વનિ શાહ, ખંતીલ અજયભાઇ શાહ તથા રમેશભાઇ સુરેશભાઇ સોનીએ એક્લી ધ ન્યુ ફેસ ઓફ એજ્યુકેશન નામે કંપની શરૂ કરી હતી. અને આ કંપનીના માધ્યમથી કેનેડાના વર્ક વિઝા બનાવી આપવાના નામે હર્ષિલભાઈ પાસેથી અલગ અલગ તારીખે ચેક મારફતે કુલ 4.39 લાખ પડાવી લીધા હતા.

બાદમાં વર્ક વિઝા નહીં આપી પૈસા પણ પરત નહીં આપતા અંતે તેઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન આરોપીઓએ બીજા અનેક લોકો સાથે આ રીતે છેતરપિંડી કરીને આશરે 50 લાખથી વધારેની રકમ ઓળવી લીધી હોવાનું જાણવા મળે છે. આરોપી ખંતીલ શાહની સામે વડોદરામાં અને મહારાષ્ટ્રમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Most Popular

To Top