SURAT

સુરતમાં એક જ રાતમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો, પહેલા જ વરસાદે ઠેર ઠેર ભૂવા પડ્યા

સુરત: સુરતમાં વહેલી સવારથી વરસાદ (Rain) વરસી રહયો હતો બપોરે વરસાદે વિરામ લીધા બાદ ફરી તડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરતમાં (Surat) રાત્રે સાડા પાંચ ઈંચ વરસાદ વરસતા રોડ પણ પાણી ફરી વળ્યું હતું. તેમજ સુરતની મીઠી ખાડી (Mithi Khadi) પણ ભયજનક સપાટીએ પહોંચી ગઈ હતી. જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. શહેરમાં પહેલા જ વરસાદે રસ્તા નીચે બેસી ગયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર ભૂવા પડી ગયા હતા. ત્યારે સુરતના ઉઘના મગદલ્લા રોડ પર મસમોટો ભૂવો પડી ગયો હતો. ઉધના મગદલ્લા રોડ પર જોગર્સ પાર્ક નજીક રસ્તા બેસી જવાની સ્થિતિ જોતા રસ્તો રાહદારીઓ અને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખુલી ગઈ હતી. એક વરસાદમાં રસ્તાના આવા હાલ થઈ જતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં ૬ ઇંચ વરસાદ, ઓલપાડમાં દોઢ ઇંચ, ચોર્યાસીમાં બે ઇંચ, માંગરોળમાં ૩ ઇંચ અને કામરેજમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતમાં ગતરાત્રે 10 થી 12 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં સુરત સિટીમાં 23 એમએમ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના કામરેજ તાલુકામાં 28 એમએમ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ નીલ રહ્યો હતો. રાત્રે બે કલાકમાં 23 એમએમ વરસાદ વરસ્યો ત્યાર બાદ પણ વરસાદ પડવાનો ચાલુ જ રહ્યો હતો. આજે વહેલી સવારે પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સુરત શહેરમાં વહેલી સવારે વરસેલા વરસાદે રસ્તા પાણી પાણી કરી નાખ્યા હતા. સુરતના નીચાણવાળા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં તો ગણતરીનાં કલાકોમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણીયા સુધી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને લોકો પણ અટવાયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદનું આગમાન થઈ ચૂંક્યું છે.

બીલીમોરામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી જનજીવન ઉપર માઠી અસર
વાંકલ : દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ દેમાર ખાબક્યો હતો. જેમાં ગણદેવી તાલુકામાં અઢી ઇંચ અને નવસારી તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ગણદેવી તાલુકા સહીત બીલીમોરામાં બે કલાકમાં અઢી ઇંચ સાંબેલાધાર વરસાદ વરસતા ગણદેવી તાલુકા સહિતના જિલ્લાઓમાં પાણી-પાણી થઇ ગયું હતું. ડાંગ જિલ્લામાં આજે આહવા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. આહવામાં એક ઈંચ વરસાદનાં પગલે જાહેરમાર્ગો સહિત નગરની ગલીઓ ડહોળા નિરની સાથે ઉભરાઈ હતી. સુબિર પંથક તથા ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં સૌથી વધુ પડેલા વરસાદનાં પગલે પૂર્ણા નદીમાં નવા નીર આવ્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે ગુરુવારે દિવસ દરમ્યાન ઝરમરીયો વરસાદ પડ્યો હતો.

સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન 2021ની સરખામણીએ જૂન 2022માં 50 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સામાન ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં એરિયામાં વરસાદને પગલે ઇનફલો શરૂ થયો છે. મોડીરાતે 8 કલાકે ઉકાઇ ડેમમાં 11841 ક્યુસેક પાણીની આવક ચાલુ થઇ હતી. જેની સામે 1050 ક્યુસેક આઉટફલો છે. સપાટી 315.37 ફૂટ છે.

Most Popular

To Top