Madhya Gujarat

રથયાત્રા પર ડ્રોનથી સતત નજર રહેશે

આણંદ : આણંદ જિલ્લામાં શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ એવા ખંભાત, પેટલાદ અને બોરસદમાં સુરક્ષાની વિશેષ તૈયારી હાથ ધરવામાં આવી છે. રામનવમી બાદ આ રથયાત્રા પર કોઇ કાંકરી ચાળો ન થાય તે માટે ડ્રોન કેમેરા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે સતત રથયાત્રા સાથે ઉડશે અને રથયાત્રાના રૂટ અને આસપાસના વિસ્તારની ઝીણામાં ઝીણી માહિતી એકત્ર કરશે. આણંદ શહેર ઉપરાંત ખંભાત, પેટલાદ અને બોરસદમાં શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવભેર નિકળશે. કોરોના ગાળામાં બે વર્ષથી રથયાત્રાને વિઘ્ન નડતાં હતાં, આ વખતે કોઇ વિઘ્ન ન હોવાથી ભક્તોમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, રામનવમીમાં ખંભાત ખાતે થયેલા છમકલા બાદ પોલીસે રથયાત્રામાં સુરક્ષાની કોઇ કસર બાકી ન રહે તે માટે પ્રયત્ન કર્યો છે.

જિલ્લામાં આઇજીની હાજરીમાં બે જિલ્લા પોલીસ વડાની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં એક ખંભાત ખાતે મોરચો સંભાળશે. જિલ્લામાં રથયાત્રાને લઇ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત બે એસઆરપી કંપની, એક કંપની સીઆઈએસએફ, ઘોડેસ્વારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે સૌથી મહત્વની બાબત એ છે કે, રથયાત્રા દરમિયાન અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારમાંથી પથ્થરમારો ન થાય તે માટે ધાબા પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યાં છે. તેવી જ રીતે પેટલાદ, બોરસદ, ખંભાત અને આણંદની રથયાત્ર પર સતત ડ્રોન કેમેરાની નજર રાખવામાં આવશે. આ ડ્રોન રથયાત્રા પર સતત આગળ પાછળ ઉડશે અને જરૂર પડે ત્યાં આસપાસના વિસ્તારમાં ઉડી આગોતરી માહિતી એકત્ર કરશે. જ્યારે આણંદમાં નેત્રમના કેમેરા, બોરસદ, પેટલાદ અને ખંભાતમાં સીસીટીવી કેમેરા ખાસ ગોઠવવામાં આવ્યાં છે.

Most Popular

To Top