Surat Main

હજીરા-ઘોઘા વચ્ચે જાન્યુઆરીમાં 575 બેઠકોવાળું બીજુ જહાજ ચાલશે, નવું જહાજ ફક્ત આટલા કલાકમાં પહોંચાડશે

સુરત: (Surat) દરિયાઈ માર્ગે સુરતથી સૌરાષ્ટ્ર (Saurashtra) જનારાઓ માટે વધુ એક જહાજની (Ship) સુવિધા ઊભી થશે. હજીરા-દહેજ રો-રો ફેરી સર્વિસ સફળ રહેતા કંપનીએ અત્યારે જે જહાજ ચાલે છે તેનાથી પણ વિશાળ જહાજ આધુનિક અને લકઝુરિયસ (Luxurious) સુવિધાઓ સાથેનું ખરીદ્યું છે. આ જહાજ બોમ્બે પોર્ટ પર આવી પહોંચ્યું છે. જયાં તેનું ગાઇડોકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સરકાર મંજૂરી આપશે તો ૧૫ જાન્યુઆરી પછી આ જહાજ હજીરા-ઘોઘા વચ્ચે બીજી સેવા તરીકે શરૂ કરાશેતેમ હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરનાર ડીજી કનેકટના સીઇઓ દેવેન્દ્ર મનરાલે જણાવ્યુંછે. આ જહાજ પીપાવાવ પોર્ટ અને દ્વારકા પોર્ટનું કામ પુરું થયા પછી આ રૂટ પર પણ ઓપરેટ થશે. નવા જહાજની ક્ષમતા ૫૭૫ પેસેન્જરો, ૬૦ ટ્રક, ૮૦ કાર, અને ૪૦ બાઇક લાવવા લઇ જવા માટેની છે. જાન્યુઆરી મધ્યથી બીજી રો-રો સર્વિસ હજીરા-ઘોઘા વચ્ચે શરૂ થશે.

ક્રુઝ જેવી આધુનિક સુવિધાઓ રો-રો સર્વિસનાં બીજા જહાજમાં રહેશે

જાન્યુઆરીના મધ્યમાં હજીરાથી ઘોઘા વચ્ચે સંભવત: શરૂ થનારી ડીજી કનેકટની બીજી રો-રો સર્વિસમાં ક્રુઝ જેવી આધુનિક સુવિધા હશે. ક્રુઝની જેમ તેમાં બેડ સાથેની ફેમિલી કેબિન અને સલીપર બેડની સુવિધા તો હશે જ સાથે સાથે વીવીઆઇપી લાઉન્ઝ, બેઝનેસ કલાસ લાઉન્ઝ અને એકઝિકયુટીવ લાઉન્ઝની સુવિધા પણ પેસેન્જરોને મળશે. પેસેન્જરોને તેમની રૂચિ મુજબનું ભોજન મળી શકે તે માટે બે રેસ્ટોરન્ટ-કેન્ટીન અને ૧ કેફેટેરિયાની સુવિધા પણ મળશે.

નવા બીજા જહાજમાં કઈ કઈ સુવિધાઓ મળશે

  • ૫૭૫ પેસેન્જરોની ક્ષમતા ધરાવતા આ જહાજમાં ૪૪ બેડ સાથે ૧૧ કેબિન રાખવામાં આવી છે. તે ઉપરાંત ૮૦ સ્લીપર બેડ અલગથી રહેશે. કુલ મળીને ૧૨૫ બેડની આરામદાયક સુવિધાઓ રહેશે.
  • નવા જહાજમાં ૬૦ ટ્રક, ૮૦ કાર, અને ૪૦ બાઇક લાવવા લઇ જવા માટેની સુવિધા રહેશે.
  • જહાજમાં વાહનો લઇ અવર જવર કરતા ડ્રાઇવરોના આરામ માટે અલગથી સ્લીપર બેડની સુવિધા કરવામાં આવી છે.
  • જહાજમાં ૧૦૦ માણસો બેસીને જમી શકે તે માટે રેસ્ટોરન્ટ અને કેફેટેરિયા બનાવવામાં આવ્યા છે.
  • જહાજમાં પ્રવાસીઓના મનોરંજન માટે વિડીયો ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યો છે.
  • વિકલાંગો સરળતાથી અવરજવર કરી શકે તે માટે એલિવેટર પણ રાખવામાં આવ્યું છે.
  • જહાજના અપર ડેકમાં ૧૦૦ વ્યકિતઓના બેસવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે.
  • જહાજના ટોપ એરિયામાં ૧૦૦ કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય તે માટે સોલાર પેનલો લગાવવામાં આવી છે.
  • અત્યારે જે જહાજ ચાલે છે તેના કરતાં આ જહાજ મોટું અને ઝડપી રહેશે. જહાજની સ્પીડ કલાકના ૧૭ નોટની રહેશે. જે ઘોઘાથી હજીરાનું અંતર ૩ કલાકમાં પૂરૂં કરશે.

હજીરા – ઘોઘા ફેરી સર્વિસના હાલના જહાજને ૧ વર્ષમાં ૨ લાખથી વધુ પેસેન્જર મળ્યા
સુરત: હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસને બમ્પર પ્રતિસાદ મળ્યો છે. ૮ નવેમ્બર ૨૦૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે શરૂ થયેલી આ ફેરી સર્વિસને ૧ વર્ષમાં ૨ લાખથી વધુ પેસેન્જરો મળ્યા છે. કંપનીના સંચાલક ચેતન કોન્ટ્રાકટરે કહ્યું હતું કે હજીરા-ઘોઘા ફેરી સર્વિસ પ્રથમ વર્ષે સફળ રહી છે. ૧૨ મહિનામાં કુલ ૨,૦૦,૧૭૬ પેસેન્જરોની અવરજવર રહી છે. ૩૩,૨૪૨ પેસેન્જરોએ કાર સાથે આ ફેરી સર્વિસમાં અવરજવર કરી હતી. જયારે ૧૨,૦૯૫ પેસેન્જરો બાઇક લઇને હજીરાથી ઘોઘા અને ઘોઘાથી હજીરા આવ્યા હતા. જોકે બાઇક કરતાં માલવાહક ટ્રકની અવરજવર વધુ નોંધાઇ છે. વર્ષ દરમિયાન ૧૩,૦૮૮ ટ્રકની અવરજવર ફેરી સર્વિસમાં નોંધાઇ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓટોમોબાઇલ કંપનીઓ પોતાના નવા વાહનો સુરત મોકલવા માટે ટ્રકનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે શાકભાજી-ખાદ્યતેલનો જથ્થો પણ ટ્રક મારફત સુરત મોકલવામાં આવે છે. તેને લીધે ટ્રકની અવરજવરનો આંકડો મોટો જણાઇ રહ્યો છે. વર્ષ દરમિયાન આ ફેરી સર્વિસને લીધે ૧૨.૧૦ લાખ લિટર ફયુવલની બચત થઇ છે. અને હાઇવે માર્ગ કરતાં દરિયાઇ માર્ગે મુસાફરી કરવાથી ૯,૯૮,૩૬૭ કલાકોની બચત થઇ છે. વર્ષ દરમિયાન કુલ ૫૮ હજારથી વધુ વાહનોની હેરફેર નોંધાઇ છે.

વર્ષ દરમિયાન ફેરી સર્વિસમાં આ પ્રકારનો ટ્રાફિક રહ્યો
પેસેન્જર સંખ્યા – ૨,૦૦,૧૭૬
કાર – ૩૩,૨૪૨
બાઇક – ૧૨,૦૯૫
ટ્રક – ૧૩,૦૮૮

Most Popular

To Top