Gujarat Election - 2022

આ વખતની ચૂંટણીમાં બારકોડ વાળી મતદાન સ્લીપ તમને મળશે.. જાણો બારકોડ શા માટે?

સુરત: (Surat) સુરતમાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. મતદાનને (Voting) હવે જ્યારે થોડાક દિવસ બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષના નેતાઓ જોરદાર ચૂંટણી પ્રચારમાં (Election Campaign) જોડાઈ ગયા છે. બીજી તરફ તંત્રએ પણ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. એક તરફ રાજકીય પક્ષો મતદારોને મનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે તો તંત્ર પણ વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ સાથે જ બારકોડ વાળી મતદાતા સ્લીપનું (Voter Slip) વિતરણ પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવાયું છે. જાણો શા માટે આ વખતે બારકોડ વાળી સ્લીપનું વિતરણ કરાઈ રહ્યું છે અને બારકોડમાં (Barcode) કઈ માહિતી હશે?

ડિજીટલ યુગમાં તંત્ર પણ ડિજીટલાઈઝ થયું છે. હવે મતદારોની માહિતી બારકોડમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેથી કોઈ શંકાકુશંકાને સ્થાન ન રહે. મતદાતાઓને મળેલી બારકોડ સ્લીપમાં તેમના ફોટોની જગ્યાએ બારકોડ છપાયું છે. મહત્વની વાત એ છે કે મતદાતા સ્લીપની પાછળ જે તે મતદાન કેન્દ્રનું ગુગલમેપ પણ અપાયું છે. જિલ્લા ચૂંટણી વિભાગે 47,45,980 બારકોડ વાળી મતદાતા સ્લીપ છપાવી છે. જેનું વિતરણ 21 નવેમ્બરથી સુરત જિલ્લાની 16 વિધાનસભામાં શરૂ કરાયું છે. જેથી આ વખતે મતદારોને બારકોડ વાળી સ્લીપ મળશે. જણાવી દઈએ કે મતદાતા સ્લીપમાં મતદાનની તારીખ અને સમય પણ છપાયો છે.

મળતી માહિતી અનુસાર મતદાતા સ્લીપનું વિતરણ 25 નવેમ્બર સુધી વિતરણ કરાશે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં બારકોડવાળી સ્લીપનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં પણ મતદાતાઓએ બારકોડ વાળી સ્લીપ મેળવી લીધી છે. જણાવી દઈએ કે સુરત જિલ્લામાં 1 ડિસેમ્બર 2022ના રોજ સવારે 8.00 થી સાંજે 5.00 વાગ્યા દરમ્યાન મતદાન કરી શકાશે. આ વખતે બારકોડ વાળી સ્લીપ મળતા લોકો જાણવા ઉત્સુક છે કે સ્લીપ પર બારકોડ શા માટે?

જાઓ શું હશે બારકોડની પાછળ
આ વખતે મતદાતા સ્લીપ પર ફોટાની જગ્યાએ બારકોડ પ્રિન્ટ કરાયું છે. આ બારકોડની પાછળ મતદાતાઓની માહિતી સચવાયેલી છે. આ બારકોડને સ્કેન કરતાં જ મતદાતાનું નામ, સરનામું, ફોટો અને વિધાનસભા બેઠક સહિતની તમામ વિગતો મળી રહેશે. સાથેજ તેનો ઓળખપત્ર નંબર પણ આવી જશે. સાથેજ મતદાતા સ્લીપની પાછળ મતદાન કેન્દ્રનું ગુગલમેપ હોવથી લોકો પોતે ક્યાં મત આપવા જવાનું છે તે પણ સરળતાથી જાણી શકશે.

Most Popular

To Top