SURAT

બોટ્સવાનામાં હીરાના કારખાનાઓની વધતી સંખ્યા સામે સુરતના રત્નકલાકારોનો રોષ

સુરત: આફ્રિકન (Africa) દેશ બોત્સવાનામાં (Botswana) 2019 પછી હીરાના કારખાનાઓની (Diamond Factories) વધી રહેલી સંખ્યા સામે સુરતના (Surat) રત્નકલાકારો (Diamond Workers) રોષે ભરાયા છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકના નેતૃત્વમાં રત્નકલાકારોએ ગયા વર્ષે પત્ર લખી રાજ્ય અને કેન્દ્ર સરકારને ચેતવી હતી પણ કોઈ પરિણામ ન આવતા ફરી એકવાર સુરતના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વડાપ્રધાન, મુખ્યમંત્રીને આ પ્રવૃત્તિ અટકાવવા દરમિયાનગિરી કરવા માંગ કરવામાં આવશે.

  • ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન કલેક્ટરને આવેદનપત્ર આપી વડાપ્રધાન, મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા માંગ કરશે

ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગમાં અંદાજે 20 લાખ રત્નકલાકારો કામ કરી રોજગારી મેળવી રહ્યા છે. ભારતનો હીરાઉધોગ રત્નકલાકારોની રાત દિવસની મહેનતને લીધે સમગ્ર વિશ્વમાં ચમકી રહ્યો છે. પરંતુ હીરાઉધોગ અને રત્નકલાકારો છેલ્લા ઘણા સમય થી અનેક સમસ્યાઓથી પીડાય રહ્યો છે. રત્નકલાકારો બરબાદ થઈ રહ્યા છે અને હીરાઉધોગને તિલાંજલી આપી રહ્યાં છે.

હીરાઉદ્યોગની સૌથી મોટી રફ ડાયમંડ સપ્લાયર કંપની ડી.ટી.સી.એ બોટસ્વાના સરકાર સાથે 2019નાં ભાગીદારી કરારમાં એવી જોગવાઈ કરી છે કે જે વેપારીઓએ ડી.ટી.સી.પાસેથી રફ હીરાની સાઈટ લેવી હશે કે રફની ખરીદી કરવી હશે તો તેમણે બોટસ્વાનામાં કારખાના શરૂ કરવા પડશે, અને ભારતના રત્નકલાકારોએ ત્યાંના કારીગરોને ડાયમંડ કટિંગ-પોલીશીંગ શીખવવું પડશે. આ જોગવાઈ સુરત સહિત ગુજરાતના હીરાઉધોગ માટે જોખમી અને ઘાતકી સાબિત થશે. ગુજરાત સહિત દેશમાં મોટી સંખ્યામાં હીરાઉધોગના રત્નકલાકારો કામદારની વ્યાખ્યામાં આવતા હોવા છતાં તેમની લેબર એકટના લાભોથી વંચિત રાખવા આવ્યાં છે.

એ કારણે હીરાઉધોગમાં નોકરી, સામાજિક અને આર્થિક સુરક્ષાનો ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ એમની પાસે નિયમનો હવાલો આપી વ્યવસાય વેરો વસુલવામાં આવી રહ્યો છે. હીરાઉધોગમાં એક તરફી વિકાસ થઈ રહ્યો છે ઉધોગપતિ માલામાલ અને રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે. એક્સપોર્ટ વધી રહ્યો છે પણ રત્નકલાકારોનાં પગારમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી.

ડાયમંડ વર્કર યુનિયનની સરકાર સમક્ષ આ 14 માંગણીઓ

  • (1)હીરાઉધોગને વિદેશી હાથોમાં જતો અટકાવો
  • (2)હીરાઉધોગનાં રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો,
  • (3) હીરાઉધોગમાં મજુર કાયદાનું પાલન કરાવો
  • (4)મોંઘવારી પ્રમાણે રત્નકલાકારના પગારમાં વધારો કરો
  • (5) રત્નકલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરો
  • (6)રત્નકલાકારોને દિવાળી બોનસ આપો,
  • (7) આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો
  • (8)15 દિવસ ભરવાની સિસ્ટમ નાબૂદ કરો
  • (9)ટ્રાયલમાં બોલાવેલા રત્નકલાકારોનો એક દિવસનો પણ પગાર આપવો જોઈએ.
  • (10)બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના ફરી શરૂ કરો
  • (11)રત્નકલાકાર કલ્યાણ બોર્ડની રચના કરો
  • (12)રવિવારે ફરજીયાત દરેક કંપનીમાં રજા રાખવી
  • (13)ઘર વિહોણા રત્નકલાકારો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર નું ઘર આપો
  • (14)લેબર વિભાગ અને ફેકટરી વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓ ની ભરતી કરો

કયા લાભના લોભમાં ડાયમંડ કંપનીઓ બોટ્સવાનામાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાંખ્યા
બોટ્સવાનામાં એકમો સ્થપાય તે માટે 10 વર્ષ ટેક્સમાંથી મુક્તિ ઉપરાંત યુનિટ દીઠ 25 લોકો માટે રહેવાની વ્યવસ્થા તેમજ ભારતથી ત્યાં જતાં મશીનરીઓ પર ડ્યુટી નહીં નાંખવા માટેની ઓફર આપવામાં આવી હતી. બાબુ ગુજરાતી સુરત ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ હતા તે સમયગાળામાં ત્યાંની સરકાર રફ ડાયમંડની સીધી સપ્લાય સાથે કેટલાક લાભો વાળી યોજના લાવી હતી,વર્ષ 2019 થી સુરતના ઘણાં ઉદ્યોગકારોના બોટ્સવાનામાં કારખાનાઓ ચાલી રહ્યા છે. જોકે, આ મુદ્દે આગામી દિવસોમાં પણ ચર્ચા થશે. આ સાથે બોટ્સવાનાથી પણ હીરા સીધા સુરતના હીરા ઉદ્યોગકારો ખરીદે તે માટે પણ ચર્ચા થઈ રહી છે.

હીરાઉધોગને વિદેશમાં જતો અટકાવવામાં નહીં આવે તો ભૂખે મરવા નો વારો આવશે: ભાવેશ ટાંક
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે હીરાઉધોગમા અંદાજે 25 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે અને આડકતરી રીતે હીરાઉધોગ સાથે એક કરોડ લોકો સંકળાયેલા છે.આ એકમાત્ર એવો ઉદ્યોગ છે જેમાં હીરાઉધોગ મા અભણ અને શિક્ષિત બંને પ્રકાર ના રત્નકલાકારો સ્વમાન ભેર રોજગારી મેળવે છે.

હીરાઉધોગને વિદેશીઓના હાથમા જતો અટકાવવા માટે યુનિયને કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ને એક વર્ષ પહેલા રજુઆત કરી હતી ત્યારે તેને ગંભીરતા થી લેવામા આવી ન હતી. હવે સ્થિતિ એવી ઉભી થઇ છે કે, હીરાઉધોગને વિદેશમાં જતો અટકાવવામાં નહીં આવે તો ભૂખે મરવાનો વારો આવશે

Most Popular

To Top