ગોઝારી બસ દુર્ઘટના: હનીમુનથી પરત ફરેલા નવદંપતી વિખુટા પડ્યાં, પત્ની ભડથું થઈ પતિ હોસ્પિટલમાં

સુરત: (Surat) સુરતના વરાછા વિસ્તારમાં ગઈ રાત્રિએ એક હચમચાવનારી ઘટની બની હતી. બસમાં આગ (Fire) લાગતા એક મહિલા બસમાં (Bus) જ બળીને ભડથું થઈ હતી. લોકોએ બચાવવાના ઘણા પ્રયાસ કર્યા હોવા છતાં મહિલા બસમાંથી બહાર નિકળી શકી ન હતી. ઘટનાની સૌથી દુખદ વાત એ છે કે મૃતક મહિલા અને તેનો પતિ ગોવાથી હનીમુન મનાવી સુરત આવ્યા હતા અને સુરતથી લક્ઝરી દ્વારા ભાવનગર પોતાના વતન જઈ રહ્યા હતા. સુરતમાં લક્ઝરી બસમાં બ્લાસ્ટ (Blast) થયા બાદ 58 સેકન્ડમાં જ આગ લાગી હતી અને નવદંપતીના જીવનની તે અંતિમ સફર બની ગઈ હતી. નવયુવાન પત્ની બસમાં જ ભડથું થઈ ગઈ ગઈ હતી. જ્યારે પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે લોકોના હૃદને હચમચાવી દે તેવા છે.

સુરત શહેરના માતાવાડી વિસ્તારથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં રાત્રે પ્રચંડ ધડાકાભેર આગી ફાટી નીકળતાં એક મહિલા મુસાફર ભડથું થઇ ગઈ હતી. ઉપરાંત એક મુસાફરને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. શહેરના માતાવાડી વિસ્તારમાં આવેલી રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ નં.(જીજે-04-18-એપી-9963)માં મંગળવારે મોડી રાતે દસેક વાગ્યે આગ ભભૂકી ઊઠી હતી. માતાવાડી ખાતેથી બસ અલગ અલગ પિકઅપ પોઇન્ટ ઉપરથી પેસેન્જર લઇ ભાવનગર જવા નીકળી હતી. એ અરસામાં હીરાબાગ સર્કલ પાસે અચાનક લક્ઝરી બસની ડીકીના ભાગેથી આગ લબકારા લેવા લાગી હતી. સ્થાનિક હાજર લોકોએ કહ્યું હતું કે, આ ખાનગી લક્ઝરી બસ પેસેન્જર બેસાડતી હતી, એ વખતે બસના પાછળના ભાગે ડીકી અને ટાયર વચ્ચેની ભાગમાંથી ગેબી ધડાકો થયો હતો.

જે દંપતી આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે તે તાન્યા અને વિશાલ મૂળ ભાવનગરના છે. તેઓ લગ્ન બાદ ગોવા હનીમૂન પર ગયા હતા. ગોવાથી ફ્લાઈટ દ્વારા સુરત આવ્યા હતા. જ્યાથી તેઓ બસ દ્વારા ભાવનગર જવા નીકળ્યા હતા. બસમાં તેમણે સીટ નંબર 25 અને 26 બૂક કરાવી હતી. સુરતની હોટલમાં ડિનર લીધા બાદ દંપતી બસમાં ચઢ્યા હતા. પરંતુ હીરાબાગ સુધી પહોંચતા જ બસ આગની જ્વાળામાં લપેટાઈ હતી. જેમાં તાનિયા નવલાનીનુ મોત થયુ હતું. આગ લાગતા વિશાલ નવલાની તો સમયસર બસમાંથી કૂદી ગયો હતો, પણ તાનિયા બસમાંથી કૂદી શકી ન હતી. આગ લાગવાની સાથે જ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા, બચાવો બચાવો ની બૂમ સંભળાતા ભેગા થયેલા લોકોએ બસના કાચ તોડી ને મહિલાને બચાવવા દોડી ગયા હતા. જોકે આગ વિકરાળ બનતા મહિલા લોકોની સામે જ આગમાં બળી ને ભડથું થઈ ગઈ હતી.

ધડાકા સાથે બસમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. અને જોતજોતામાં આખી બસ આગમાં હોમાઇ ગઇ હતી. બસમાં લાગેલી આગને પગલે મુસાફરોએ જીવ બચાવી ભાગદોડ મચાવી હતી. ઘણા પેસેન્જર બારીમાંથી કૂદી પડ્યા હતા. તો ઘણા પેસેન્જર સીટ ઉપરથી સામાન પડતો મૂકી સીધા દરવાજા તરફ ધસી જઇ સડસડાટ ઊતરી ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. દરમિયાન કાપોદ્રા, કતારગામ તેમજ નાના વરાછાના ફાયર લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવી બસની જ્વાળાઓ શાંત પાડી હતી. આ ઘટનામાં એક મહિલા ભડથું થઇ ગયેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટનામાં અન્ય એક ભાવનગરના મુસાફર વિશાલ નારાયણ નવલાણી દાઝી ગયો હતો. ઘાયલ થયેલા આ મુસાફરને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. બસમાં કુલ 12 પેસેન્જર બેઠા હતા. સદનસીબે બસ આખી ભરેલી નહોતી. નહીંતર સુરતમાં વધુ એક ભયંકર દુર્ઘટના આકાર લેત.

એસી કોમ્પ્રેસરમાં આગ લાગી
રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવા પાછળ એસી મશીનના કોમ્પ્રેસરમાં ફોલ્ટ હોવાનું જણાવાઇ રહ્યું છે. આ બસમાં એસીમાં કોમ્પ્રેસરમાં આગ બાદ આખી બસમાં આગ ફાટી નીકળી હતી.

બસમાંથી ધુમાડો નીકળતાં ડ્રાઈવરને મેં જાણ કરીને બસ ઊભી રખાવી હતી: મુસાફર છગનભાઈ
જે બસમાં આગ લાગી તેમાં મુસાફરી કરી રહેલા 55 વર્ષિય ભાવનગરના છગનભાઈ મનહરભાઈ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, હું બે દિવસ પહેલા ભાવનગરથી સુરત આવ્યો હતો અને પરત જવા માટે બસમાં સીટ નં.6 પર બેઠો હતો. દરમિયાનમાં હીરાબાગ પાસે બસમાંથી ધૂમાડો નીકળતાં મેં તુરંત ડ્રાઈવરને જાણ કરી અને ‘બસમાંથી ઉતરો આગ લાગી છે’ તેવી બૂમો પાડીને અમે તાત્કાલિક બસમાંથી ઉતરી ગયા હતા.

બસમાં બ્લાસ્ટ થયો : મુસાફર હંસાબેન
બસના મુસાફર હંસાબેન ભાવેશભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે , હું મારા ભાઈના છોકરાના લગ્ન હોવાથી ભાવનગર જવા માટે બરોડા પ્રિસ્ટેજ રાજધાની ટ્રાવેલ્સમાં સીટ નંબર 1 પર બેઠી હતી. બાદમાં બસ હીરાબાગ પાસે પહોંચતા અચાનક બસના પાછળના ભાગે ધૂમાડો નીકળતા ડ્રાયવરે બસ સાઈડમાં પાર્ક કરી દેતા હું ઉતરી ગઈ હતી. ઉતરવાની સાથે જ બસમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. ગણતરીની મિનિટોમાં સંપૂર્ણ બસમાં આગ ફેલાય ગઈ હતી.

Most Popular

To Top