આણંદની બોરસદ ચોકડી બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરો : સાંસદ

આણંદ : આણંદ શહેરમાં ટ્રાફિકથી વ્યસ્ત બોરસદ ચોકડી પર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ફ્લાય ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરી લોકોને અવર જવર માટે સુવિધા મળે તે માટે સાંસદ મિતેશભાઈ પટેલ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને તાકીદ કરી છે. આણંદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી વિડીયો કોન્ફરન્સીંગ થકી દિશા મિટીંગમાં સાંસદે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા નિર્ધારીત લક્ષાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે જોવાનો અનુરોધ કર્યો હતો. આણંદ ખાતે યોજાયેલા દિશાની બેઠકમાં અધ્યક્ષ સ્થાને સાંસદ મિતેશભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. તેઓએ માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટરને બોરસદ ચોકડી અને ઝારોલા પાસે બની રહેલા ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બ્રિજનું કામ પૂર્ણ થતાં લોકોને અવર જવર માટે સરળતા રહેશે. આ ઉપરાંત જે સ્થળે બ્રિજનું કામ પૂર્ણ થયું હોય તે સ્થળેથી મજુરોને ખસેડી આગળ કામગીરી થતી હોય ત્યાં મોકલી રસ્તો ખુલ્લા કરવા પણ જણાવવામાં આવ્યું હતું. જોકે, બોરસદ ચોકડીના બ્રિજની સમય મર્યાદા ઓગષ્ટમાં પૂર્ણ થઇ રહી છે. પરંતુ તે પહેલા કામ પૂર્ણ થાય તો લોકોને સુવિધા મળી શકે છે. આ ઉપરાંત માર્ચ-2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લક્ષાંક પૂર્ણ કરવા પણ તાકીદ કરી હતી.

આણંદની કલેકટર કચેરી ખાતે સાંસદ મિતેષભાઇ પટેલની હાજરીમાં યોજાયેલી વિડીયો કોન્ફરસીંગના માધ્યમથી જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા)ની બેઠક મળી હતી.  આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી એવી વિવિધ 42 પ્રકારની યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી કામગીરી જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના,  સ્વચ્છ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્થ મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ,  પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજનાઓની ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી પ્રતિ સંતોષ વ્યક્ત કરી ટેન્ડરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો. આ બેઠકમાં કલેક્ટર મનોજ દક્ષિણી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ,  નિવાસી અધિક કલેકટર કે. સી. વ્યાસ, જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલ વિગેરે હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top