SURAT

રાજસ્થાનથી સુરત આવતી લક્ઝરી બસના સોફાનો સૂવાને બદલે આ કામ માટે કરાતો હતો ઉપયોગ

સુરત : રાજસ્થાનના (Rajasthan) કુંભલગઢમાં 20 દિવસ લક્ઝરી બસ (Bus) પડી રહેતા વતનના સાથી મિત્ર (Friend) સાથે મુલાકાત બાદ બે ડ્રાઇવરો રૂા.10 હજારની લાલચમાં 4.82 લાખનો દારૂ (Alcohol) સુરત (Surat) લઇ આવ્યા હતા. બસના છેલ્લા સોફામાં ચોરખાના બનાવીને પ્લાસ્ટિકના પાઉચમાં દારૂ સંતાડાયો હતો. આ દારૂને પૂણા પોલીસે પકડી પાડીને બે યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ મોકલનાર રાજસ્થાની યુવકને વોન્ટેડ જાહેર કરાયો હતો.

  • 10 હજારની લાલચમાં રાજસ્થાનથી લક્ઝરી બસમાં 4.82 લાખનો દારૂ લાવનાર બે યુવકો પકડાયા
  • લક્ઝરી બસના સોફામાં ચોરખાનુ બનાવીને પ્લાસ્ટિકના પાઉચમાં દારૂ સંતાડાયો


પ્રાપ્ત વિગતો મુજબ પૂણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને મળેલી બાતમી મળી હતી કે, રાજસ્થાનથી એક લક્ઝરી બસ નં. RJ-27-PB-2745માં ચોરખાનુ બનાવીને દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ બસ સીમાડા ચેકપોસ્ટ ઉપરથી પરવત પાટીયા આવવાની છે, તેવી માહિતી મળતા પોલીસે પુના કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જ ગાડી નંબર જોઇને આશાપુરી લક્ઝરી બસ અટકાવી હતી. બસમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર રતનસિંહ રાયસિંહ રાઠોડ, મહેન્દ્ર બાબુસિંહ રાજપુતની પુછપરછ કરીને ગાડીની તપાસ કરવામાં આવી હતી. ગાડીની ડીકીમાં કશુ જ નહીં મળતા પોલીસે બસના સોફા ચેક કરવાનું શરૂ કર્યું હતું, જેમાં બસના છેલ્લા ડબલના સોફાની નીચે પ્લાસ્ટિકના કોથળામાં પ્લાસ્ટિકના પાઉચો બનાવીને દારૂ સંતાડાયો હતો. પોલીસે સોફામાં ચોરખાના બનાવીને સંતાડાયેલો રૂા.4.82 લાખની કિંમતના 4824 દારૂના પાઉચ પકડી પાડ્યા હતા.

પોલીસે આ બંનેની પુછપરછ કરતા તેઓએ કહ્યું કે, તેઓની બસ રાજસ્થાનના ઉદયપુરમાં પડી હતી, ત્યારે તેઓની ઓળખાણ વતનના મિત્ર નિર્ભયસિંહ સુખસિંહ રાજપુતની સાથે થઇ હતી. નિર્ભય ત્યાં દારૂનો વેપાર કરતો હતો. જેથી રાજસ્થાનથી સુરત દારૂ મોકલવાની વાત કરી હતી. આ દારૂ સુરત લાવવા માટે નિર્ભયએ બંને યુવકોને રૂા.5-5 હજારની ઓફર કરી હતી. વધુ રૂપિયાની લાલચે બંને દારૂ લાવવા માટે સંમત થઇ ગયા હતા. બંનેએ ઉદયપુરથી દારૂ ભર્યા બાદ ઉદયપુરના ડુંભલગઢની પાસેથી પેસેન્જરો ભરીને સુરત આવ્યા હતા. પોલીસે દારૂ સહિત લક્ઝરી બસ મળી કુલ્લે રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે દારૂ આપનાર નિર્ભયને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Most Popular

To Top