તેજ આંધી પછી અનેક વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગરમીમાંથી લોકોને મોટી રાહત
દિલ્હી-NCR વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ગરમી વચ્ચે હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. તેજ આંધી અને ધૂળભરી પવન બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણ બદલાયું હતું.ઘણા વિસ્તારોમાં ઝડપી પવન (40-50 કિમી પ્રતિ કલાક) સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
અનેક વિસ્તારોમાં વરસાદથી તાપમાનમાં ઘટાડો
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 40°C આસપાસ પહોંચતું હતું, પરંતુ વરસાદ પછી ગરમીમાં રાહત અનુભવાઈ.
સવારે અને સાંજે અનેક વિસ્તારોમાં ધૂળભરી આંધી સાથે વાતાવરણ અચાનક બદલાતાં ટ્રાફિક પર પણ થોડો પ્રભાવ પડ્યો હતો.
IMDનું એલર્ટ: આગામી દિવસોમાં ફરી બદલાઈ શકે હવામાન
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી કેટલાક દિવસોમાં પણ દિલ્હી-NCR વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને તેજ પવન જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાથે-સાથે ઓરેન્જ અને યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે, ખાસ કરીને સવારે અને સાંજના સમયમાં હવામાન વધુ બદલાઈ શકે છે.
ગરમીમાંથી મળી તાત્કાલિક રાહત, પરંતુ હીટવેવનો ખતરો યથાવત
જોકે વરસાદને કારણે તાત્કાલિક રાહત મળી છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ફરી તાપમાન વધવાની શક્યતા છે. એટલે લોકો માટે હજુ પણ ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે.