Vadodara

પરીક્ષા આપીને સાઈકલ પર ઘરેથી જતી વિદ્યાર્થિનીને ટ્રેક્ટરે અડફેટે લેતા ઈજા

વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ટ્રેક્ટરની અડફેટે સાઇકલ સવાર વિદ્યાર્થિની આવી જતા માથા સહિત શરીરના અન્યભાગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતી ખૂશી રાજપૂત (ઉં.વ.16) કારેલીબાગમાં આવેલી શ્રી ક્રૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આજે બપોરે તે પરીક્ષા આપીને પોતાની સાઇકલ લઇને ઘર તરફ જઇ રહી હતી. તે દરમિયાન કારેલીબાગ વુડા સર્કલ પાસે પુરપાટ પસાર થઈ રહેલા ટ્રેક્ટરની અડફેટમાં આવી ગઇ હતી.

આ ઘટના બનતાજ સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી.ટ્રેક્ટરની અડફેટે આવી ગયેલી વિદ્યાર્થિનીની સાઇકલ ટ્રેક્ટરના તોતીંગ પૈડાં નીચે આવી જતા સાઇકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને વિદ્યાર્થિની રોડ ઉપર પટકાવાના કારણે તેને માથામાં અને શરીરના અન્યભાગમાં ઇજાઓ પહોંચી હતી. સ્થળ પર લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. આ ઘટના બનતા ટ્રેક્ટર ચાલક સ્થળ છોડી ફરાર થઇ ગયો હતો. જેના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સામાજિક કાર્યકર કમલેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, કારેલીબાગ વુડા સર્કલ પાસે અવાર-નવાર અકસ્માતના બનાવો બને છે.

અનેક વખત રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા વુડા સર્કલ પાસે અકસ્માતો ઉપર નિયંત્રણ આવે તેવા કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે અવાર-નવાર વુડા સર્કલ પાસે જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બને છે. જ્યારે બીજી બાજુ સામાજિક કાર્યકરે જણાવ્યું હતુ કે અહીંયા વારંવાર આવા બનાવો બનતા જ હોય છે જેની રજૂઆત અમે ટ્રાફીક શાખામાં પણ કરી છે છતાં પણ અહીંયા આવા બનાવો બનતા જ હોય છે. જો ટુંક સમયમાં અહીંયાથી પસાર થતા મોટા વાહનો સામે કાર્યવાહી કરવામાં નહિ આવેતો આમરણાંત ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Most Popular

To Top