Vadodara

ઐતિહાસિક ધરોહર પર હોર્ડિંગ્સ રાજ

વડોદરા: વડોદરા સંસ્કારી નગરી વડોદરાએ ગાયકવાડ સરકારની દેન છે.પરંતુ તેમના આ ઐતિહાસિક વારસાને જાળવવા માટે પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને ખાનગી એજન્સીઓને કટકી કરાવવા માટે હવે હેરિટેજ ઇમારતોની સાથે ઐતિહાસિક ફુવારા, શહેરની પ્રતિમાઓને પણ બાનમાં લેવાઈ રહ્યા છે. હવે પોતાની વાહ-વાહી લૂંટવા માટે શહેરમાં ઠેર ઠેર દિવાળીની શુભકામનાઓ પાઠવતા હોર્ડિંગ્સ લાગી ગયા છે.મુખ્ય કોર્ટ દ્વારા આ મામલે આદેશ પણ આપ્યા હોવા છતાં આ મામલે તંત્ર હજીએ ભર નિંદ્રા માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા સંસ્કારી નગરીમાં એક તરફ દીપાવલીના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.તો બીજી તરફ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષો સજ્જ બન્યા છે.

મતદારોને આકર્ષવા માટે દીપાવલી સહિતના તહેવારો જાણે એક માધ્યમ બની ગયા ન હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવા તંત્ર હરહંમેશ આળસ મોડમાં જોવા મળ્યું છે.ત્યારે શહેરની ઐતિહાસિક ઈમારત એવી ન્યાયમંદિરની બહાર આવેલ ગાયકવાડી શાશનકાળ દરમિયાનનો ફુવારો જાહેરાતના હોર્ડિંગ્સથી ઢંકાઈ ગયો છે. તો સૌથી મોટા એવા શહેરના સયાજી બાગની ફરતે પણ હોર્ડિંગ્સ રાજ જોવા મળ્યું છે.

નગરજનોને એક મનોરંજન પૂરું પાડતો આ બાગ છે.તેને કમાટી બાગના નામે પણ ઓળખાય છે.અહીં દૂર દૂરથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ કમાટી બાગના પ્રાણી સંગ્રહાલય,પક્ષીઘર સહિતનું નજરાણું જોવા માટે આવતા હોય છે.પરંતુ અહીં આવતા લોકોને પ્રથમ હોર્ડિંગ્સના જ દર્શન થતા હોય છે. વડોદરા શહેરની ઐતિહાસિક ધરોહર કહેવાતા એવા ચાર દરવાજા કાલાઘોડા સર્કલ સયાજી બાગ લહેરીપુરા દરવાજા ઈમારત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા સહિતના વિવિધ સ્થળો પાસે પુષ્કળ પ્રમાણમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે.

આ બાબતે અગાઉના મ્યુનિસિપલ કમિશનરના સમયકાળ દરમિયાન તમામ જીડીસીઆરના પાલન કરવા માટે તંત્રને ખડે પગે રાખતા હતા સાથે જ તેમના દ્વારા નામજોગ જાહેર જનતાને હોર્ડિંગ્સ માફિયાઓને જાણ થાય તે માટે જાહેર ચેતવણીના બોર્ડ પણ લગાવ્યા હતા.જોકે હાલના તંત્ર રાજમાંએ બોર્ડ ઢંકાઈ ગયા છે.નોંધનીય છે કે કોર્ટે શહેરની ઐતિહાસિક ધરોહરો અને જંકશન, સર્કલો પર જાહેરાતના હોર્ડિંગ્સ કે પોસ્ટર લગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે તે માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.શહેરની ઐતિહાસિક ન્યાયમંદિરની શોભા વધારતો ફુવારો હોર્ડિંગ્સ પાછળ ઢંકાઈ ગયો છે. આવી ઐતિહાસિક ઇમારત સામેના આ ફુવારા પાસેથી અનિકો પરિવારો બાળકો સાથે પસાર થાય છે.ત્યારે બે ઘડી ઉભા રહી આનંદ અનુભવે છે. પરંતુ હાલમાં પાલિકા તંત્રના પાપે ખાનગી એજન્સીઓને તહેવારો ટાણે કટકી કરવા માટે લગાવાયેલા હોર્ડિંગ્સના કારણે ફુવારો ઢંકાઈ જતાં ન્યાયમંદિરની સુંદરતા ઘટવા માંડી છે.

હોર્ડિંગ્સ લગાવવા માટે હેરિટેજની જગ્યાએ અન્ય સ્થળની પસંદગી કરવા માટે અપીલ
વડોદરા શહેરમાં આપણી જે હેરિટેજ બિલ્ડિંગો છે.તેમાં લોકોને એક અપીલ છે કે આવી હેરિટેજ બિલ્ડિંગની આસપાસ બેનર કે હોર્ડિંગ્સ લગાવે નહીં.તે બેનર બનાવવાવાળા અને બેનર લગાવવાવાળાઓએ સાવચેતી રાખવી. અને ટુંક સમયમાં વડોદરાની દરેક હેરિટેજ બિલ્ડિંગ અને ચાર રસ્તા પર લગાવેલ બેનરો દૂર કરવામાં આવશે. – ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી ચેરમેન

Most Popular

To Top